સંપ ત્યાં જંપ..! : બે માજી નેતાઓથી કચ્છ ભાજપના સિનિયર નેતાઓ લે બોધપાઠ

તારાચંદભાઈ છેડા-પુષ્પદાનભાઈ ગઢવી સક્રીય રાજકારણ કે સત્તામાં ન હોવા છતા કચ્છના વિશાળ જનહિતાર્થે ખુદની સરકારની સામે પણ ગંભીર લાલબત્તી ધરતા ન ખચકાયાં : નર્મદા જળ મુદે સરકાર ગંભીર બને નહી તો કચ્છમાં સરકારને ભોગવવાનો વારો આવી શકે છે..ત્યાં સુધીની ઉચ્ચારાઈ ગઈ લાલબત્તી.. : હવે આ બન્ને માજી નેતાઓને સાથે રાખીને કચ્છ ભાજપના તમામ ધારાસભ્યો, સિનિયર નેતાઓ,જિલ્લાના ટોંચના પદાધિકારીઓ, એકસુત્રતા સાથે ગાંધીનગરમાં સરકાર કક્ષાએ રજુઆત કરે તો નર્મદાજળ, ખનીજચોરી, ભુજોડી ઓવરબ્રીજ, અન્ય મહત્વપૂર્ણ રોડ-રસ્તાઓના અટકેલા કામો શું ન થઈ શકે પાર..!

ગાંધીધામ : ગુજરાતની પ્રગતિશીલ સરકારના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આખાય રાજયના સર્વાંગી વિકાસ માટે સદાય ખડેપગે તત્પર છે. તેમાય કચ્છ માટે તો તેઓ નરેન્દ્રભાઈ સમાન જ વિશેષ સ્નેહ વર્ષાવતા રહે છે. કચ્છ માંગે અને ગુજરાત સરકાર આપે તેવુ તો ભાગ્યે જ બનતુ હોય છે. વિજયભાઈએ કચ્છને વણમાંગ્યે ઘણી બધી સવલણો અને સુખ-દુખમાં જરૂરી મદદ-રાહતો આપી જ છે. છતા પણ જે કોઈ પડતર સાંપ્રત પ્રશ્નો છે તે અંગે વિજયભાઈ પાસે સાચી-સચોટ-અભ્યાસપૂર્વકની રજુઆત થાય તો તે મામલે પણ વિના વિલંબે તેઓ નિકાલ કરી જ આપતા હોય છે.કચ્છ ભાજપના બે દિગ્ગજ મોભીઓએ તાજેતરમાં જ તબક્કાવાર કચ્છના વિશાળ જનસમુદાયના હિત માટે અને ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડતુ અટકાવવા તથા સરકારની છબી પણ ખરડાતી બચાવવાની દીશામાં નર્મદાજળને લઈને ચિંતા સેવતી રજુઆત કરી હતી. પ્રથમ તારાચંદભાઈ છેડા કે જેઓ ગુજરાતમાં ખુદ રાજયમંત્રી તરીકે સેવારત રહી ચૂકયા છે તેઓએ કચ્છને નર્મદાજળ આપવાના મુદ્દે નરેન્દ્રભાઈ સુધી પત્ર લખી અને સવાલો ઉભા કરી દેખાડયા હતા તો વળી હાલમાં જ કચ્છ ભાજપના સિનિયર આગેવાનો પુષ્પદાનભાઈ ગઢવીએ પણ નર્મદાજળ બાબતે વેળાસર વિચાર કરવો જરૂરી છે નહી તો સરકારને કચ્છમાં ભોગવવાનો વારો આવશે તેવી સ્પષ્ટ ચીમકી આપતી નોધ મોકલાવી દીધી હતી. આ બન્ને માજી નેતાઓ દ્વારા નર્મદાજળ અને કચ્છને લઈને કરવામા આવેલી રજુઆત બાદ ગુજરાતના વિજયભાઈ રૂપાણીએ કચ્છને વધારોના ૧ મિલીયન એકર ફીટ પાણી આપવા ફેઝ વનના કામો માટે ૩૦૦૦ કરોડથી વધુની રકમ મંજુર કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આવા સમયે હવે જાણકારો અને રાજકીય વર્ગમાં એવી સુચક ટકોર થવા પામી રહી છે કે, જો બે માજી નેતાઓ રજુઆત કરે અને તેની અસર આટઆટલી થવા પામી જતી હોય તો આખેઆખુ કચ્છ ભાજપ સંગઠન એકસુત્રતા અને એકસંપ સાથે ગુજરાત સરકાર તબક્કે રજુઆત કરે તો કચ્છના અટકેલા કામો ન થઈ શકે? હકીકતમાં આ બે માજી નેતાઓ પાસથી વર્તમાન કચ્છ ભાજપના સંગઠને બોધપાઠ લેવો જોઈએ. બે માજી નેતાઓના રહી રહીને આત્મા જાગ્યા અને રજુઆત કરી દેખાડી તો કચ્છના તમામે તમામ ધારાસભ્યો સહિત જિલ્લા ભાજપના સીનિયર નેતાઓ એક થાય અને રાજય સરકારને રજુઆત કરે તો બાર બાર વર્ષથી અટકેલા ભુજોડી ઓવરબ્રીજનુ કામ, નર્મદા બ્રાન્ચ કેનાલના કામો, ઠેર-ઠેર અટકી પડેલા રોડ-રસ્તાઓ, જિલ્લાવ્યાપી વકરી ચુકેલ ખનીજચોરીને ડામવા સહિતની રજુઆતોની અસર થાય જ થાય.તેમા કોઈ બેમત નથી. જરૂર છે તો આ માટે જિલ્લા ભાજપના સૌ જવાબદારોએ એકતાંતણે ભેગા થવાની. સરકાર પાસે એકીસાથે રજુઆતન કરી દેખાડવાની હિમંત કરવાની જરૂર છે. હવે વિધાનસભાનીચુંટણીઓને બહુ વાર નથી, જો નેતાઓ હજુય એકબીજાના લીટા લાંબા-ટુંકા કરવામાં જ રચ્યાપચ્યા રહેશે અને કચ્છને સ્પર્શતા જીલ્લાવ્યાપી પ્રશ્નોની ચિંતા નહી કરાય તો ચુંટણીમાં ભાજપને મોટી તકલીફ પડી શકે તેમ કહેવુ પણ વધારે પડતુ નહી કહેવાય.