સુચારૂ રોકાણ જ નાણું નાણાને ખેંચવા સક્ષમ : ભુજમાં કચ્છની સંવેદના ગ્રૂપની બહેનોને આર્થિક રીતે સધ્ધર બનાવવા અપાઈ તાલીમ

0
32

અદાણી સ્કીલ ડેવ. અને કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા યોજાયો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

ભુજ : કચ્છમાં પ્રતિકુળ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરતી સમાજની ચોક્કસ વર્ગની બહેનો પોતાના ભવિષ્યને નાણાકીય રીતે વધુ સુરક્ષિત બનાવી શકે એ માટે યોગ્ય રીતે નાણાનું રોકાણ કરી શકે અને નાણું નાણાને કેવી રીતે ખેંચી શકે છે એ અંગે અદાણી સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા સંવેદના ગ્રૂપની બહેનોને ભુજ ખાતે તાલીમ આપવામાં આવી હતી. ભુજમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થાના સહયોગથી આયોજિત આ પ્રશિક્ષણ વર્ગના અંતે આશરે ૫૦ જેટલી તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત અદાણી સ્કીલ ડેવલપમેન્ટના એચ.આર હેડ પાયલ જાેશીએ કહ્યું કે, બહેનોનું ભવિષ્ય સુરક્ષિત હશે તો સમાજ આપોઅપ સક્ષમ બનશે.’ એમઆઈએસ મેનેજર ધ્રુવ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. મહિલા વિકાસ સંગઠન સંસ્થાના ડાયરેક્ટર અરૂણાબેન ધોળકિયા તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થયાનો સંતોષ વ્યક્ત કરી સક્ષમ સેન્ટરનો અભાર માન્યો હતો. ક્લસ્ટર હેડ સાગર કોટકે પ્રાસંગિક ઉદબોધન રજૂ કરતા તાલીમાર્થી બહેનોના સુરક્ષિત અને સમૃદ્ધ જીવનની કામના કરી હતી.
સંવેદના બહેનોને તાલીમ દરમિયાન નાણું નાણાને કેવી રીતે ખેંચી લાવે તે માટે રોકાણના વૈકલ્પિક સ્ત્રોતો અંગે ફેકલ્ટી ડો. પૂર્વી ગોસ્વામીએ વર્ગો દરમિયાન વર્તમાન યુગમાં નાણા રોકાણના અનેક નૈસર્ગિક ઉપક્રમોની ઉપલબ્ધી તથા તેની સુરક્ષિતતા સાથે વૈકલ્પિક આવકના ઉપાયો વર્ણવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આયોજનમાં સંસ્થાના કો-ઓર્ડીનેટર જીજ્ઞા ગોર, ચેતનભાઈ ગજ્જરે જહેમત ઉઠાવી હતી.