કચ્છમાં બાગાયત તરફ વધતો જોક : ડ્રેગન ફ્રુટના વાવેતર માટે ૮૦ ખેડૂતોની અરજી

0
32

બાગાયત વિભાગ દ્વારા ખર્ચના પ૦ ટકા અને મહત્તમ ચાર વીઘે રૂ. ૩ લાખની અપાતી સહાય : સરકારી સહાયને પગલે જિલ્લામાં બાગાયતીનું મજબુત બનતું માળખું : અરજી કરનાર પૈકી ૧૮ લાભાર્થીઓને તંત્ર દ્વારા ચૂકવણા પણ કરાયા

(બ્યુરો દ્વારા)ભુજ : ખેતીકામ અને ખેતીપાકમાં નવિનતા લાવવામાં અગ્રસ્થાને રહેતા કચ્છ જિલ્લાના ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી કરવા તરફ સારોે પ્રતિસાદ દાખવી રહ્યાનું જોવા મળે છે. એક વીઘે ખર્ચના પચાસ ટકાની સહાય સરકારના બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવતી હોઈ ડ્રેગન ફ્રુટના વાવેતર માટે જિલ્લાના ૮૦ ખેડૂતોએ અરજી કરી છે. જેમાંથી ૧૮ લાભાર્થીઓને બાગાયત વિભાગ તરફથી ચુકવણા પણ કરી દેવામાં આવ્યા છે.આ અંગેની વિગતો મુજબ કચ્છમાં પાછલા વર્ષો દરમ્યાન પારંપરીક ખેતીની સાથોસાથ બાગાયત તરફ પણ ખેડૂતોનો જોક વધ્યો છે. કચ્છમાં પારંપરીક ખેતીમાં મગફળી, કપાસ, એરંડા, ઘઉં, બાજરી, મગ, મઠ, તલ સહિતના પાકો ઉપરાંત કેટલાંક વિસ્તારોમાં શાકભાજીની ખેતી પણ મોટા પાયે થાય છે. તેમ છતાં ખેતીમાં નવિનતા લાવવાના હેતુસર કચ્છ જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતીના બદલે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી નવિન ખેતી પાકો કરવા તરફ આકર્ષાયા છે. જિલ્લાના પ્રગતિશીલ ધરતીપુત્રો ઈઝરાયલી ખારેક, મશરૂમ, સ્ટ્રોબેરી જેવા પાકોની ખેતી કરી ખેતીમાં નવિનતા લાવવાનો પ્રયાસ કર્યો છે, તેમાં તેમને લાભ પણ થયો છે. ગ્રીન હાઉસ અને નેટ હાઉસનું પણ પાછલા થોડા વર્ષોથી ચલણ વધ્યું છે. કેટલાંક ખેડૂતો રાસાયણિક ખાતરના ઉપયોગ વગર જ માત્ર પ્રાકૃતિક ખેતી (ગાય આધારિત કૃષિ) તરફ વળ્યા છે. સરકાર દ્વારા દેશી ગાયને પાળનાર ખેડૂતોને એક ગાય દિઠ રૂા. ૯૦૦ની માસિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ખેડૂતો અને પશુપાલકો લઈ રહ્યા છે. દરમ્યાન ડ્રેગન ફ્રુટ કે જેને કમલમ તરીકેનું નવું નામ આપવામાં આવ્યું છે તેની ખેતી માટે સરકાર દ્વારા એક વીઘે ખર્ચના પચાસ ટકાની સહાય આપવામાં આવે છે તે ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે કચ્છ જિલ્લાના ખેડૂતો આગળ આવી રહ્યા છે.જિલ્લા બાગાયત અધિકારી શ્રી પરસાણીયાએ વિગતો આપતા જણાવ્યું કે, ડ્રેગન ફ્રુટની ખેતી માટે જિલ્લામાં ૮૦ જેટલા ખેડૂતોએ અરજી કરી છે. જેમાંથી ૧૮ ખેડૂતો દ્વારા વિવિધ બીલ સહિતના આધાર પુરાવા કચેરીમાં રજૂ કરાયા હોઈ તેઓને સહાયની રકમ પણ ચુકવી દેવામાં આવી છે. બાકી રહેલા ખેડૂતો દ્વારા પણ આધાર પુરાવા રજૂ કરાયા બાદ કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા સર્વે કરી તે બાદ સહાયની રકમ ચુકવવામાં આવશે.