‘જાયન્ટ કિલર માંડવી વિધાનસભા બેઠક’ :: માંડવીમાં ‘નેતા’નું ‘નામ’ નહીં, બોલે છે ‘કામ’

0
64

રાજ્યની દ્વિતીય ક્રમાંકિત માંડવી વિધાનસભાના મતદારોનું અકળ વલણ : સવા બે લાખ મતદારોને રીઝવવા દરેક રાજકીય પક્ષ લગાવશે એડીચોટીનું જાેર : માજી મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય પ્રવકતા જેવા ધુરંધરોને અહીં ખમવી પડી છે હાર : કમળસામે બેઠક જાળવવાનો તો પંજાઅને ઝાડુસામે ગઢમાં ગાબડું પાડવાનો પડકાર

માંડવી : એક સમયે અનેક દેશોના વાવટા ફરકતા તેવા માંડવી બંદરને કંડલા મહાબંદર અને મુંદરા પોર્ટની સ્થાપનાથી હાંસિયામાં ધકેલાઈ ગયું છે. દેશી વાહણો બનાવવામાં પારંગત એવી માંડવીની જનતા સાગરખેડૂ સાહસિક ગણાય છે. માંડવીના મહેનતુ સાગરખેડૂઓ ઉપરાંત મહાજન શ્રેષ્ઠીઓએ અખાતી રાષ્ટ્રોમાં પોતાની વ્યવસાયીક કાબેલીયત પુરવાર કરી બતાવી છે. માંડવીનો સમુદ્રકાંઠો વિદેશ વ્યાપાર ક્ષેત્રે ભલે હાંસિયામાં ધકેલાઈ ગયો છે. પણ પર્યટન ક્ષેત્રે હવે માંડવી બીચ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માળખાકીય સુવિધાઓમાં ધીમે ધીમે થઈ રહેલા સુધારથી માંડવી આવતા પર્યટકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. માંડવી બીચ ઉપરાંત વિજયવિલાસ પેલેસ, ગોધરાનું અંબેધામ, મસ્કાનું પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ વિગેરે દેશ વિદેશી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ર૦૧રથી મુન્દ્રા બેઠકનું માંડવીમાં વિલિનીકરણ કરવામાં આવ્યું. મુન્દ્રા એ કચ્છ ઔધોગિક હબ ગણાય છે. અદાણી પોર્ટ ઉપરાંત પાવર પ્લાન્ટ સહિત મહાકાય ઉદ્યોગો અહી સ્થાપિત થયા છે, જેથી હવે પર્યન્ટ ઉપરાંત ઔધોગિક ક્ષેત્રે પણ માંડવીની બેઠક મહત્વપુર્ણ ગણાય છે.

ગુજરાત વિધાનસભામાં માંડવી બેઠકનો ક્રમાંક દ્વિતીય છે, પરંતુ અપસેટ સર્જવાના મામલે માંડવી બેઠક પ્રથમ ક્રમાંકે આવે તેમ છે. માંડવી વિધાનસભા બેઠક જાયન્ટ કિલરબેઠક ગણાય છે. ર૦૦ર વિધાનસભા ચૂંટણીમાં માંડવીના મતદારોએ પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાને હારનો સ્વાદ ચખાડયો હતો. જે તે સમયે રાજકારણમાં નવા નિશાળિયા ગણાતા છબીલ પટેલે માજી મુખ્યમંત્રીને હરાવી જાયન્ટ કિલર બન્યા હતા. ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત જ ચૂંટણી લડી રહેલા ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાએ રાષ્ટ્રીય રાજકારણમાં મોટું માથું ગણાતા અને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા રહી ચુકેલા એવા દિગ્ગજ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને હરાવી મોટો અપસેટ સર્જયો હતો. ૧૯૮૦ની વિધાનસભા ચૂંટણીમાં કચ્છ ભાજપના ભીષ્મ પિતામહ ગણાતા અનંતરાય દવેને કોંગ્રેસના જયકુમાર સંઘવીએ પછડાટ આપી હતી. ૧૯૬૭માં સ્વતંત્ર પક્ષ વતી ઉમેદવારી કરનાર એચ. વિજયરાજજીને કોંગ્રેસના જે. એલ. મહેતાએ હરાવ્યા હતા. આમ માંડવી વિધાનસભા બેઠકના મતદારો ઉમેદવારના નામકે ઈમેજથી પ્રભાવિત થઈ પોતાનો વોટ આપતા નથી. ગમે તેવા દિગ્ગજ રાજકીય ધુરંધર માંડવી બેઠકને પોતાના માટે સેઈફ બેઠક ગણી શકે તેવી શકયતા રહેતી નથી. માંડવીના મતદારોનું અકળ વલણ હંમેશા રાજકીય પંડિતોની ગણતરીથી વિપરીત સાબિત થતું રહ્યું છે. વર્ષ ર૦૧રમાં મુંદરા વિધાનસભા બેઠકને માંડવી બેઠકમાં વિલીન કરવામાં આવી હતી. ર૦૦૭ થી માંડવી બેઠક ભાજપના કબજામાં રહી છે. આમ તો ૧૯૮પથી યોજાયેલ ૮ વિધાનસભા ચૂંટણીઓ પૈકી સાત ચૂંટણીઓમાં ભાજપને જીત મળી છે. પરંતુ વિનાશક ભૂકંપ બાદ ર૦૦ર માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે માંડવી બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી હતી. જાે કે, ર૦૦૭માં ભાજપે સાટું વાળી માંડવી બેઠક પુનઃ કબજે કરી ત્યારથી આજદિન સુધી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે.

આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે માંડવી બેઠકના સવા બે લાખ મતદારોને રીઝવવા દરેક રાજકીય પક્ષ દ્વારા એડીચોટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે. ત્રીજા પરિબળ તરીકે ઉભરી આવેલ આમ આદમી પાર્ટીએ તો વિધાનસભા ચૂંટણીની તારીખોની વિધિવત ઘોષણા થાય તે પૂર્વે જ માંડવી બેઠક પરથી પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે. ચૂંટણી નજીક આવી જતા બંદરીય માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. ભાજપ સામે માંડવીના ગઢને જાળવી રાખવાનો પડકાર છે તો સામાપક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કૈલાશદાન ગઢવી (સીએ) ભાજપના ગઢમાં ગાબડું પાડવા તત્પર બન્યા છે. રર હજાર જેટલા ક્ષત્રિય અને પ૦ હજારથી વધુ મુસ્લિમ, દલીત ૩૧,ર૩૩, ગઢવી ૧૬,પપર, જૈન ૭,૧૮૧, બ્રાહ્મણ ૧૩, ૭૧૯રજપુત પ૬૩૪, આહિર ૩૭૯૦, કોલી ૩૩૪૧, લેવા પટેલ ૮,૧૧૪, કડવા પટેલ ૧૬,૬૯પ, આજણા પટેલ ૧૦૮, રબારી ૪,પપ૭, ભાનુશાલી ર,૩ર૯, લોહાણા ર,૯૩૯, ગોસ્વામી ૪,૧૪૧ તે સહિત અંતર જ્ઞાતિ વીસ હજારથી વધુ  મતદારો ધરાવતી માંડવી બેઠક પર ફતેહ કરવા રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. આ જ્ઞાતિ આંકડામાં હાલમાં પણ દરેક જ્ઞાતિનો વધારો થયો છે.  જાયન્ટ કિલરનું બિરૂદ મેળવી ચુકેલા માંડવીના મતદારો આ વખતે ભાજપની પડખે રહેશે કે ફરી એક વખત રાજકીય પંડિતોની ગણતરીઓને ખોટી સાબિત કરી નવો અપસેટ સર્જશે તેના પર મીટ મંડાઈ છે.