પ્રકૃતિ અને વિકાસ વચ્ચે સંતુલન માટે જીએચસીએલ પ્રતિબદ્ધ : એન.એન. રાડિયા

0
29

  • કચ્છના માંડવી નજીક સોડા એશના સૂચિત પ્લાન્ટ સામે ઉઠી રહેલા વિરોધના સૂર અંગે જીએચસીએલના અધિકારીનો ખુલાસો : પ્લાન્ટથી ખેતી, માછીમારી કે પશુપાલનને કોઈ નુકસાન નહીં : સ્થાનિકોને રોજગારીની વિપુલ તકોથી થશે લાભ
    ભુજ : પ્રકૃતિ એ માનવ સભ્યતાનો પ્રાણ છે, તો વિકાસ એ માનવ સભ્યતાનો પ્રાણ છે. પ્રકૃતિ અને વિકાસના સંતુલનથી માનવ સભ્યતાને આગળ લઈ જઈ શકાય છે. પર્યાવરણના સંવર્ધન સાથે વિકાસ એ સુત્રપાડા સ્થિત જીએચસીએલના પ્લાન્ટનો મૂળમંત્ર છે. છેલ્લા ૩૮ વર્ષથી સુત્રપાડા ખાતે કાર્યરત જીએચસીએલ પ્લાન્ટ એ પ્રકૃતિ અને વિકાસના સંકલનનું જીવંત ઉદાહરણ છે. પ્લાન્ટની આસપાસ ઉભો કરાયેલ ગ્રીન બેલ્ટ, લીલોતરી અને રાષ્ટ્રીય પક્ષી મોર સહિત અનેક પક્ષીઓના કલરવ સ્થાનિકોનું જ નહીં, પરંતુ અહીં આવતા દરેક મુલાકાતીનું મન મોહી લે છે.સુત્રપાડા સ્થિત જીએચસીએલ પ્લાન્ટના સોડા એશ વિભાગના સી.ઓ.ઓ. શ્રી એન.એન. રાડિયા કહે છે કે, આ પ્લાન્ટથી કોઈ પર્યાવરણીય હાની થતી નથી. પ્લાન્ટ હોવા છતાં પ્રકૃતિ સાથે સારૂં સમન્વય રાખવામાં આવે છે.પ્લાન્ટની તદ્દન નજીક જ આવેલ કોલોનીમાં અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. પ્લાન્ટની આસપાસ લીલોતરીમાં પશુ-પક્ષીઓ વસવાટ કરે છે. જેમને આજદિન સુધી કોઈ શારીરિક કે અન્ય તકલીફ ઉભી થઈ નથી. તો પ્લાન્ટથી ખેતી કે માછીમારીના વ્યવસાયને પણ કોઈ નુકસાન થતું નથી. સુત્રપાડા કોલોનીમાં વસવાટ કરતા રૂપાબેન જોટ અને હિનાબેન વાઢેર સૂર પુરાવતાં કહે છે કે, પ્લાન્ટની આસપાસનું કુદતરી વાતાવરણ ખૂબ જ આહલાદક છે, અહીં જોવા મળતાં પક્ષીઓ અમારા મિત્ર બની ગયા છે. પ્લાન્ટમાંથી પણ કયારેય ડસ્ટીંગ જેવી કોઈ સમસ્યા કોલોનીમાં ઉભી થઈ નથી. પ્લાન્ટની બ્રાઉન્ડ્રીની તદ્દન નજીક જ કોલોની આવેલ હોવા છતાં કયારેય કોઈ સમસ્યા ઉભી થઈ નથી.પ્લાન્ટના સી.ઓ.ઓ. શ્રી રાડિયા વધુમાં જણાવેલ છે કે, સોડા એશના પ્લાન્ટમાં રો-મટેરીયલ તરીકે મુખ્યત્વે લાઈમસ્ટોન (ચૂનો) અને મીઠું જ વપરાય છે. જે બિનહાનિકારક હોય છે. તો પ્લાન્ટમાંથી નિકળતાં વેસ્ટ વોટરમાં પણ કોઈ ઝેરી કે હાનિકારક તત્ત્વો હોતા નથી. પ્લાન્ટમાંથી નિકળતા વેસ્ટ વોટરને ટ્રીટમેન્ટ કરી સમુદ્રમાંથી ર કિલો મીટર દૂર દરિયામાં છોડવામાં આવે છે. રિસર્સ મુજબ આ વેસ્ટ વોટરથી દરિયાઈ જીવોને કાંઈ નુકસાન થતું નથી, પરંતુ મત્સ્ય સંવર્ધનમાં આ પાણી સહાયક બને છે. સોડા એસના ઉત્પાદનથી, જે એફ્લુઅન્ટ જનરેટ થાય છે તે પણ બીન ઝેરી હોય છે. પ્લાન્ટમાંથી નિકળતા વેસ્ટ વોટરમાં હોઈ ટોકસીસીટી હોતી નથી, જેથી તેનાથી દરિયાઈ જીવોને કોઈ નુકસાન થશે કે, માછીમારના વ્યવસાયને માઠી અસર થશે તેવી ભીતિમાં કોઈ તથ્ય નથી. સોડાએશ, એક ઓરગેનિક મટેરીયલ છે અને તેના ઉત્પાદનમાં વપરાતા લાઈમસ્ટોન અને નમક બંને બિનહાનિકારક છે. સરકારશ્રીના નિયમ અનુસાર પર્યાવરણને લગતા તમામ ધારાધોરણનું પાલન કરવામાં આવે છે. તો પ્લાન્ટમાં ઉત્પાદનનું સંપૂર્ણ પણે ઓનલાઈન મોનિટરીંગ પ્રક્રિયા સીધી સરકારશ્રીના સર્વર સાથે જોડાયેલી હોય છે. પ્લાન્ટના ઈ.એચ.એસ. વિભાગના પ્રિયંકાચીની પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્લાન્ટ દ્વારા વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી નિયત ધારાધોરણ અનુસાર કરવામાં આવે છે.કચ્છમાં શરૂ થનારા નવા પ્લાન્ટમાં પણ ઓનલાઈન મોનિટરીંગની અત્યાધુનિક સુવિધા ઉભી કરાશે, જે સીધી સરકારશ્રીના સર્વર સાથે જોડાયેલી હશે. શ્રી રાડિયાએ સૂચિત પ્લાન્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે જે પણ પગલાં લેવા જોઈએ તે માટે જીએચસીએલ પ્રતિબદ્ધ છે. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જીએચસીએલ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. જે સામાજિક અને આર્થિક વિકાસના ક્ષેત્રમાં કામ કરે છે. ફાઉન્ડેશન દ્વારા પ્લાન્ટની આસપાસના ગામોમાં ખેતીવાડી, પશુપાલન, શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે કામગીરી કરવામાં આવશે. સૂચિત પ્લાન્ટમાં ભૂર્ગભ જળનો કોઈ ઉપયોગ થતો નથી. પ્લાન્ટ માટેના પાણીની જરૂરિયાત દરિયાઈ પાણીથી પુરી કરવામાં આવે છે. દરિયાના પાણીને ડિસેલીનેશન પ્રક્રિયા બાદ ઉપયોગમાં લેવાશે. પ્લાન્ટ માટે કોઈ નવા બોર કે કુવાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. નવા પ્લાન્ટમાં પણ વેસ્ટ વોટરને ટ્રીટમેન્ટ કરી ગ્રીન બેલ્ટના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ઉપરાંત પ્લાન્ટના વેસ્ટ વોટરથી સમુદ્રના જીવોને કોઈ નુકસાન થતું નથી અને માછીમારોની આજીવિકાને પણ કોઈ અસર થશે નહીં.સુત્રપાડા બંદરના માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશ ફુલવાડિયા જણાવે છે કે, માછીમારી અમારો પરંપરાગત વ્યવસાય છે. ૧૯૮રથી જીએચસીએલ સુત્રપાડામાં આવી છે, પરંતુ પ્લાન્ટની સ્થાપનાથી અમારા વ્યવસાયને કોઈ આડઅસર થઈ નથી. તો કંપની દ્વારા સ્થાનિકોને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં નવી સુવિધાઓ મળી છે. ૪૦૦થી વધુ માછીમાર પરિવારો સુત્રપાડા બંદર ખાતે વસવાટ કરે છે. પ્લાન્ટથી માછીમારોને કોઈ નુકસાન થયું નથી. વન્ય જીવો અને પર્યાવરણની કામગીરી સાથે સંકળાયેલા કોડીનારના દિનેશ ગોસ્વામી કહે છે કે, કોસ્ટલાઈન પર કાર્યરત જીએચસીએલ સાથે છેલ્લા ૧પ વર્ષથી સંકળાયેલા છીએ. કોસ્ટલાઈન એરિયામાં ચેરિયાના સંવર્ધન માટે કંપની દ્વારા ભગીરથ કામગીરી કરવામાં આવી છે.પ્લાન્ટ પર થતી લોડિંગ – અનલોડિંગ અને ટ્રાન્સપોર્ટની કામગીરી અંગે વિગતો આપતા શ્રી રાડિયા જણાવે છે કે, રો-મટેરીયલના સ્ટોરેજ માટે મોટા રોડ બનાવવમાં આવશે. ઉપરાંત સોડાએશનું ટ્રાન્સપોર્ટેશન કરતી વખતે પેકિંગની કાળજી લેવામાં આવશે. આ ઉપરાંત મોટી ટ્રકોના ટ્રાન્સપોર્ટેશનમાં વપરાશના કારણે ગાડીઓની સંખ્યા ઘટશે. ઉપરાંત સંપૂર્ણ પણે કવર કરી ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે, જેથી પર્યાવરણને કોઈ નુકસાન થશે નહીં. ટ્રાન્સપોર્ટેશનથી આસપાસના ગામોની જમીનને કોઈ નુકસાન થશે નહીં.સામાજિક જવાબદારીના ભાગરૂપે જીએચસીએલ દ્વારા શરૂ કરવામાં આવેલ શાળામાં કોલોની ઉપરાંત આસપાસના ગામોમાંથી છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. શાળાના આચાર્ય ઉષાબેન સુરેશકુમાર જણાવે છે કે, બાળકોને ઉચ્ચ સ્તરીય શિક્ષણનો લાભ મળી રહ્યો છે.સુત્રપાડા પંથકના કિસાનો ગોગાભાઈ ખુટન અને બાલર જીવાભાઈ દેવાભાઈ કહે છે કે, પ્લાન્ટના કારણે ખેતીને કોઈ નુકસાન થયું નથી. મગફળી, ઘઉં, બાજરી જેવા પાકો અહીં લેવાય છે. પ્લાન્ટના કારણે ખેતીની જમીનને કોઈ આડઅસર થઈ નથી. કંપની દ્વારા કર્મચારીઓની સુરક્ષા માટે તમામ પગલાં લેવામાં આવે છે તેવું સેફટી વિભાગના અધિકારી હિતેશ અંકોલા જણાવે છે. જીએચસીએલના સીઓઓ શ્રી રાડિયા કહે છે કે, નવા પ્લાન્ટથી સ્થાનિક લોકોનું જીવન ધોરણ ઉચું આવશે, જે રીતે સુત્રપાડા પ્લાન્ટ પર ૮૦થી ૮પ ટકા સ્થાનિક લોકો કામ કરે છે તે રીતે કચ્છના સૂચિત પ્લાન્ટમાં પણ મોટાભાગે સ્થાનિક યુવાનોને રોજગાર આપવામાં આવશે, જેથી સ્થાનિક લોકોનું જીવનસ્તર ઉંચુ આવશે.કચ્છના માંડવી તાલુકામાં સૂચિત જીએચસીએલના સોડા એશ પ્લાન્ટ સામે સ્થાનિકે કેટલાક વિરોધના સૂર ઉઠી રહ્યા છે. સૂચિત પ્લાન્ટથી ભારે નુકસાન થશે. ખેતીલાયક જમીન, માછીમારી અને પશુપાલન જેવા પરંપરાગત વ્યવસાયને નુકસાન થશે તેવી ભીતિ વ્યક્ત કરી અમુક લોકો પ્લાન્ટને કચ્છમાં મંજૂરી ન આપવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે, તે સંદર્ભે કંપની જવાબદારો અને જ્યાં આ કંપની ચાલી રહી છે ત્યાંના વ્યક્તિઓના પ્રતિભાવ જાણ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સુત્રપાડા પાસે પણ જીએચસીએલનો સોડા એશ પ્લાન્ટ છેલ્લા ૩૮ વર્ષથી કાર્યરત છે, ત્યારે સોડા એશ પ્લાન્ટથી થતા નફા-નુકસાન અંગે સંપૂર્ણ વિગતો ચકાસણી કરવા સુત્રપાડાના સ્થાનિકો ઉપરાંત કંપનીના જવાબદારો સાથે સંપર્ક સ્થાપિત કરી વિગતો મેળવવામાં આવી હતી. ખાસ કરીને સ્થાનિકે રોજગાર, પરંપરાગત વ્યવસાયોને થતી આડઅસર, વેસ્ટ વોટરના નિકલા, સોડા એશના પરિવહન વગેરે જેવા મુદ્દાઓને લઈ વિગતો માંગવામાં આવી હતી.