ચૂંટણીના સુચારૂ સંચાલન માટે તંત્રને ૧૪પ કોઠા કરવા પડે છે પાર

0
30

છ મહિનાના પ્લાનરના અંતે લોકશાહીના મહાપર્વની ઉજવણી થાય છે સંપન્ન : સ્ટાફના ડેટાબેઝથી આરંભાતું કામ રિઝલ્ટ પછી’ય તરત પૂરૂ નથી થતું : ૨૭ કલર કોડિંગમાં વહેંચાતી જટીલ પ્રક્રિયા, પક્ષોને વિશ્વાસમાં લઈને પ્રજાને વિશ્વાસ અપાવીને ચૂંટણી પાર પાડવાની તંત્રને જવાબદારી

(બ્યુરો દ્વારા)ભુજ : જાહેર જનતાને તો કેન્દ્રીય ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત કરે ત્યારથી પ્રત્યક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળતો હોય છે, પણ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા અને સમગ્ર પ્રક્રિયાના સંચાલન માટે ચૂંટણી તંત્ર દ્વારા છ મહિના અગાઉથી જ વિવિધ પ્રક્રિયાઓની શરૂઆત થઈ જતી હોય છે, અને આ જવાબદારી હંમેશા ચૂંટણી તંત્રની અધ્યક્ષતામાં ૠપાર પાડવાની રહેતી હોય છે. ચૂંટણી પ્રક્રિયા સરળતાથી યોજી શકાય, દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારને પસંદ કરી શકે, જ્યારે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતે ચૂંટણી લડી શકે તેમજ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ પણ અસરકારક રીતે ચૂંટણી ફરજ બજાવી શકે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એક સુવ્યવસ્થિત ઈલેકશન પ્લાનર તૈયાર કરવામાં આવ્યું છે. દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીઓની કચેરીમાં આ ઈલેકશન પ્લાનર મુકવામાં આવ્યું છે.આ ઈલેકશન પ્લાનરમાં કુલ મળીને ૧૪૫ મુદ્દાઓ આપવામાં આવ્યા છે, જેમાં દરેક મુદ્દાની પ્રક્રિયા સામાન્ય સંજોગોમાં કેટલી સમય મર્યાદામાં પૂર્ણ કરવી તે પણ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે.આ પ્લાનર મુજબ છ મહિના અગાઉ સર્વે કરવો, ડેટાબેઝ તૈયાર કરવો, ક્મ્પ્લેઈન મેનેજમેન્ટ સહિતના ચાર મુદ્દા પર કામગીરી કરવાની હોય છે. એ પછી પાંચ માસ અગાઉ જિલ્લા ચૂંટણી અધિકારીઓની તાલીમ, ઈ.વી.એમ.ની તૈયારી સિહત બે મુદ્દાની કામગીરી પૂર્ણ કરવાની હોય છે. ચાર મહિના અગાઉ ઈ.વી.એમ.નું પ્રથમ તબક્કાનું ચેકિંગ, જિલ્લા સ્વીપનો એકશન પ્લાન સહિતના સાત મુદ્દા તેમજ ત્રણ મહિના અગાઉ બજેટ તૈયાર કરવું. વિવિધ ક્ષેત્રોની ટીમની રચના, મતદાન મથકો અંગે રાજકીય પક્ષો સાથે ચર્ચા સહિતના સાત મુદ્દાની કામગીરી પૂર્ણ કરવાની હોય છે. એ પછી ચૂંટણી સંબંધિત કામગીરી વેગ પકડે છે અને બે માસ અગાઉ ચૂંટણી સામગ્રી અંગે ટેન્ડરિંગ, ચૂંટણી અધિકારીઓની તાલીમ, કાયદો-વ્યવસ્થાનું મુલ્યાંકન સહિતના બાવન મુદ્દાઓની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે.
ચૂંટણીના એકમાસ અગાઉ ચૂંટણી તંત્ર સતત સક્રિય થઈ જાય છે અને આ સમયગાળા દરમિયાન વિવિધ ૬૮ જેટલા મુદ્દાઓની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.જેમાં ઈવીએમ જાગૃતિ કાર્યક્રમથી લઈને પોલીસ તેમજ ખર્ચ નિરિક્ષકોના લાયેઝન ઓફિસરની તાલીમ સહિતના અનેક મુદ્દાઓ પર કામગીરી થતી હોય છે. એ પછી ચૂંટણીના દિવસે મતદાન સહિતના ચારથી પાંચ મુદ્દા પર કામગીરી થતી હોય છે. આમ ચૂંટણી પ્રક્રિયાના સુચારૂ સંચાલન માટે ૧૪૫ મુદ્દાઓ પર તબક્કાવાર કામગીરી કરવામાં આવે છે. આ તમામ મુદ્દાઓને અલગ અલગ ૨૭ જેટલા કલર કોડિંગમાં વહેંચી દેવામાં આવ્યા છે. પરિણામ જાહેર થયા બાદ બિલ ચૂકવણાની જફા તો વળી અલગ જ ! ચૂંટણી તંત્રના આ માઈક્રો મેનેજમેન્ટના લીધે વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશમાં આદર્શ આચારસંહિતાના માહોલમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય છે અને નાગરિકો ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ અદા કરે છે.

વિધાનસભા ચૂંટણી : કચ્છમાં ૩૭૩ર અવિલોપ્ય શાહીની બોટલ વપરાશે

છ વિધાનસભાના પ્રત્યેક મતદાન મથક દીઠ ર૦ સી.સી.ની બે બોટલ અપાશે

ભુજ : આગામી ૧ ડિસેમ્બરે કચ્છની છ વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે. જિલ્લા સમાહર્તા અને મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી રાણાના અધ્યક્ષ સ્થાને ચૂંટણીની કામગીરી સતત આગળ ધપી રહી છે. ચૂંટણી મતદાનને આડે એક પખવાડિયાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે વિવિધ સ્ટેશનરી સહિતની સામગ્રીઓ પણ સબંધીત વિધાનસભા મત વિસ્તારમાં પહોંચાડવા માટેની કવાયત હાથ ધરાઈ રહી છે ત્યારે મતદારોની આંગળી પર મતદાન થયા અંગે ખરાઈ કરવા શાહીથી નિશાન કરવામાં આવે છે. જિલ્લામાં આ વખતે ૩૭૩ર અવિલોપ્ય શાહીની બોટલનો ઉપયોગ થવાનો અંદાજ છે. જિલ્લામાં છ વિધાનસભા મત વિસ્તારના ૧૮૬૧ મતદાન મથકો આવેલા છે. આ તમામ મતદાન મથકો પર પ્રત્યેક મતદાન મથક દીઠ બે બોટલ લેખે કુલ્લ ૩૭૩ર શાહીની બોટલો ફાળવવામાં આવશે. શાહીની આ એક બોટલ ર૦ સી.સી.ની રહેશે. લોક તંત્રમાં ચૂંટણી પ્રક્રિયામાં મતદારની આંગળી પર લગાવવામાં આવતી શાહીની ભૂમિકા અત્યંત મહત્વતી બની રહેતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ર૦૦૪ સુધી મતદારની આંગળી પર શાહીનું એક જ ટપકું કરાતું હતું પરંતુ વર્ષ ર૦૦૬ થી ચૂંટણી પંચે આંગળી પર એક લાંબી લાઈન ખેચવાનો નિર્દેશ આપ્યો હોઈ તે પ્રમાણે નિયમ અનુસરવામાં આવી રહ્યો છે.