જખૌ બંદરે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી જારી

0
40

તંત્ર દ્વારા ૨૦થી ૨૫ દબાણો કરાયા દૂર : નોટીસનો સમયગાળો પુર્ણ થતા અમુક ધંધાર્થીઓ દ્વારા સ્વૈચ્છાએ દબાણો હટાવવી નાખ્યા : મોટો પોલીસ કાફલો સ્થાનિક અને અન્ય સ્થાનેથી જખૌબંદર ખડકી દેવાયો

નલિયા : જખૌ મત્સ્યબંદરે રાષ્ટ્રીય સુરક્ષાને નડતરરૂપ દબાણો હટાવવા માટે દબાણકારોને નલિયા મામલતદાર દ્વારા ત્રણ દિવસની નોટીશો આપવામા આવેલ તેનો ગઈકાલે અંતિમ દિવસ હોઈ ગઈકાલથી જ અમુક દબાણકારો દ્વારા સ્વૈચ્છાએ દબાણો દુર કરવાનું શરૂ કરાયું હતું તો તંત્ર દ્વારા સ્થાનિક અને અન્ય સ્થાનેથી પોલીસ કાફલો જખૌબંદરે તૈનાત કરી દેવાયો હતો. આજે સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા સવારથી શરૂ કરી દેવાઈ હતી. છેલ્લા એક વર્ષથી જખૌબંદરે રાષ્ટ્રીય સુરક્ષાને નડતરરૂપ દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા સર્વે કરી દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લે તંત્રની કાર્યવાહી સામે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ તંત્રને માનવીય અભિગમ અપનાવવા જાહેર કાર્યક્રમમાં તાકીદ કરતા થોડા સમય કાર્યવાહી અટકી હતી પરંતુ ત્યારબાદ કાર્યવાહીમાં છેલ્લા અઠવાડિયાથી વેગ આવ્યો છેે. છેલ્લે નલિયા મામલતદાર એચ.એમ. સોલંકી દ્વારા ત્રણ દિવસમાં દબાણકારોને હટી જવા અંતિમ નોટીસ આપવામાં આવી હતી જેના અંતિમ દિવસે અમુક દબાણકારો દ્વારા સ્વૈચ્છાએ દબાણો દુર કરાયા હતા.તંત્ર પણ દબાણો હટાવવા મક્કમ હોય તેમ સ્થાનિક અને અન્ય સ્થાનેથી પોલીસનો મોટો કાફલો તથા દબાણ હટાવની મશીનરી હસ્તગત કરીને ગુરૂવાર સવારથી કામગીરી શરૂ કરાઈ હતી. આ લખાય છે ત્યારે તંત્ર દ્વારા ૨૦થી ૨૫ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દરમ્યાન બુધવારે જખૌબંદર સાથે તંત્ર દ્વારા મોહાડી ગામે દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મોહાડીના દરિયાકિનારે પગડીયા માછીમારો દ્વારા અને વેપારીઓ દ્વારા ઉભા કરાયેલા દબાણો તંત્ર દ્વારા વગર નોટીસે તોડી પાડવામાં આવ્યા હતા. આશરે ર૦૦ જેટલા પગડીયા માછીમારોની રોજીરોટી તેના લીધે અવલંબીત થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આમ દરિયાકિનારાના દબાણો પર અંતે તંત્ર કડક થઈને કામગીરી કરી રહ્યું છે. તંત્ર દબાણ હટાવવાની કામગીરી કરે પરંતુ બીજી તરફ માનવતા દાખવે તે પણ જરૂરી છે કારણ કે સવારથી જ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે જેમાં તંત્ર દ્વારા પાણી, વૈકલ્પીક ધોરણે રહેવાની વ્યવસ્થા કરવામાં ન આવતા માછીમાર પરિવારોમાં કચવાટ ફેલાયો છે. વાવાઝોડામાં જે રીતે તંત્રએ અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપી તે જ રીતે આ સમયમાં પણ તંત્ર વ્યવસ્થા કરે તેવી માંગ પણ કરાઈ હતી. આ કામગીરીમાં નલિયા ડીવાયએસપી બી.બી. ભગોરા, જખૌ મરીન પીઆઈ શ્રીઈસરાણી, લખપત મામલતદાર પાલ જેશવાલ તથા તેમની ટીમ, રેવન્યૂ ડિપાર્ટમેન્ટ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની ટીમો તૈનાત કરવામાં આવી છે. કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તકીશા બાવા તેમજ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત લઈને તંત્રને પાણી, ભોજન, રહેવા સહિતની માછીમારોના પરિવારો માટે વ્યવસ્થા કરવા અપીલ કરી હતી.

  • જખૌ પાસે માછીમારોની સામે તંત્ર સુરૂં અને કંપનીઓના ઘુંટણીયે પડયું..!

તો અલ્ટ્રાટેક સહિતની કંપની સામે કાર્યવાહી કેમ નહીં ?ઃ ૬૦૦ એકર જમીન પર દબાણ : કેમ દેખાતું નથી ?

મોહાડી જેટી પર જતા રસ્તા માટે અલ્ટ્રાટેક દ્વારા ૬૦૦ એકર ગૌચર જમીન પર થયેલ દબાણ હટાવવાની ગ્રામજનોની અરજી પર તંત્ર કાર્યવાહી નહીં કરતું હોવા સાથે મોહાડીની ર હજાર એકર જમીન પર વેલબ્રાઈન કંપનીના દબાણ સામે પંચાયતમાં ઠરાવ સાથે કાર્યવાહી કરવા મામલતદારને કરેલી અરજીઓ ધુળ ખાઈ રહી છે : મુબારક ભારા જત

અમે કોઈ જ દબાણ નથી કર્યુ, સરકારી કચેરીઓમાં આ સંદભેની પ્રક્રીયાઓ ચાલી રહી છે, એથી વિશેષ કંઈ જ નહી કહી શકુ : શ્રી મૈથી(અલ્ટ્રાટ્રેક કંપનીના જવાબદાર)

જાગૃત નાગરીકે દ્વારા અપાયેલી અરજીઓ મામલતદાર નલીયા, પ્રાંત અધિકારી અબડાસા સહિતના કચેરીઓમાં કેમ લાંબા સમયથી પડી છે પડતર? કંપનીવાળાઓ એવુ તો કયું દબાણ આ ફાઈલો પર મુકે છે? કે પછી અધિકારીઓના મોઢે એવા તો કયા ડુચ્ચા મારે છે કે, કંઈ બોલવા જ કોઈ તૈયાર નથી થતુ..?

નલિયા : મોહાડીના દરિયા કિનારે પગડીયા માછીમારો અને વેપારીઓ દ્વારા ગઈકાલે તંત્ર દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવ કામગીરીમાં રાષ્ટ્રીય સુરક્ષાનુ હિત જોઈ માછીમારો અને ગ્રામજનો દ્વારા સહકાર આપી દબાણો શાંતિપુર્ણ રીતે દુર કરવા દેવામાં આવ્યા હતા ત્યારે હવે વૈકલ્પિક વ્યવસ્થામાં તંત્ર સહકાર આપે તેવી માંગ અગ્રણી મુબારક ભારા જત દ્વારા કરવા સાથે પગડીયા માછીમારોના દબાણો સાથે કાર્યવાહી થઈ તો અલ્ટ્રાટેક અને વેલબ્રાઈન કંપની સામે કેમ તંત્ર કામગીરી કરતું નથી ? તેવો સવાલ તેમણે કર્યો હતો.મુબારક ભારાભાઈ જતના જણાવ્યા મુજબ અલ્ટ્રાટેક કંપનીની જેટી પર જતા રસ્તામાં ગૌચરની ૬૦૦ એકર જમીન પર કંપની દ્વારા દબાણ કરાયુ છે.અલ્ટ્રાટેકની ગેરકાયદે ઓફીસો દબાણો દુર કરાયા તેની નજીક છે તેને છોડી મુકાઈ છે.કંપનીની કોલોની મંજુરી વગર ગેરકાયદેસર ઉભી છે.વેલબ્રાઈન મીઠાની કંપની દ્વારા આશરે ર હજાર એકર જમીન ગેરકાયદેસર કબજો છે તેના સામે કાર્યવાહી કરવા તથા ઉપરોક્ત અલ્ટ્રાટેકની ગેરરીતીઓ સામે પગલા લેવા પંચાયતના ઠરાવો સાથે નલીયાની મામલતદાર કચેરીમાં રજુઆત કરાઈ છે પણ તંત્રને માત્ર ગરીબ માછીમારોના દબાણો દેખાય છે તેવી અન્યાયી નીતી સામે મુબારક ભારા જતે દુઃખ જતાવી તંત્ર સર્વેને એક દ્રષ્ટિએ જુએ અને વ્હાલા – દવલાની નીતી બંધ કરી કંપનીઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. જો કંપનીઓ સામે કાર્યવાહી નહીં થાય તો માછીમારો નલિયાની મામલતદાર કચેરીએ પોતાના પરિવાર સાથે બેસી ધરણા કરશે.છતા જો નિવેડો નહીં આવે તો પુનઃ દબાણો કરી બેસી જશે તેવી ચીમકી પણ ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે. બીજીતરફ આ બાબતે અલટ્રાટેક કંપનીના શ્રી મૈથીની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, અમે કોઈ જ સરકારી દબાણ નથી કર્યુ. આ સંદર્ભેની પ્રક્રીયાઓ સરકારી તંત્ર કક્ષાએ ચાલી રહી છે. એથી વિશેષ કંઈ જ નહી કહી શકુ તેમ શ્રી મૈથીએ જણાવ્યુ હતુ.

જખૌ બંદરે દબાણ હટાવ બાદ જમીન કોને ફાળવાશે ?

દબાણો દુર કર્યા બાદ જમીનો ખાનગી કંપનીને ફાળવાશે ? કે અન્ય વિકલ્પ વિચારાશે ? અમુક સ્થાનિક રાજકારણીઓના આ જમીનો પર ડોળો હોવાની પણ ચર્ચા ?

નલિયા : જખૌ બંદરે હાલ તંત્ર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાના નામે દબાણો ખાલી કરાવાઈ રહ્યા છે તે જમીન હવે કોને ફાળવાશે ? તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.આ દબાણો કદાચ ભારતની મોટી કંપનીઓને ફાળવાય તેવી શક્યતા જાણકાર સુત્રોએ વ્યક્ત કરવા સાથે તે જમીનો સુરક્ષા એજન્સીઓને અપાશે કે ખાનગી ઉધોગોને તેવી કોઈ ચોખવટ તંત્ર દ્વારા હજુ સુધી કરાઈ નથી. દરિયા કિનારાની મોકાની આ જમીનો ઉપર અમુક સ્થાનિકના રાજકારણીઓનો ડોળો હોવાની ચર્ચા પણ શરૂ થઈ છે. મોટા પેટવાળા રાજકારણીઓના પેટ કદી ભરાતા નથી અને આ વખતે કોઈની રોજીરોટી છીનવી જમીનો કબજે કરવાનો કોઈ ષડયંત્ર તો નથી ને ? તેવી ચર્ચાઓ સ્થાનિક બંદર પર દિવસભર થઈ રહી હતી.

મોહાડીમાં તંત્રને સહકાર આપી દબાણો દુર કરાયા હવે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવે

વગર નોટીશે તોડાયેલા દબાણો મામલે જો વૈકલ્પિક વ્યવસ્થા ન કરાય તો પરિવાર સાથે ૧૦ દિવસમાં નલીયાની મામલતદાર કચેરીમાં ધરણા યોજશે મોહાડીના પગડીયા માછીમારો

નલિયા : જખૌબંદર પર દબાણ તોડવાની તૈયારી વચ્ચે અબડાસાના તંત્ર દ્વારા મોહાડીના દરિયા કિનારે દબાણો પોલીસ કાફલા સાથે તોડી પાડવામાં આવ્યા હતા જેના ઘેરા પ્રત્યાઘાત ગ્રામજનોમાં પડયા છે. ગ્રામજનોજન જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સુરક્ષાનું હિત જઈ પગડીયા માછીમારો અને વેપારીઓના દબાણો હટાવવા મોહાડીના સ્થાનિકો દ્વારા સહકાર આપવામાં આવેલ અને શાંતિ પુર્ણ રીતે તંત્રની કામગીરીમાં સહકાર આપવામાં આવેલ હતો.હવે તંત્રની પણ જવાબદારી બને છે કે બેકાર થયેલા મોહાડીના ર૦૦ જેટલા પગડીયા માછીમારોની રોજીરોટી પુનઃ સ્થાપિત કરવામાં સહકાર આપે.જો ૧૦ દિવસમાં તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરે તો માછીમારો નલિયાની મામલતદાર કચેરીમાં તેમના પરિવાર સાથે ધરણા પર બેસી જશે.તેમ છતા નિવેડો ન આવે તો માછીમારી સ્વૈચ્છાએ હટેલા દબાણો પર પુનઃ બેસ જશે તેવી ચીમકી પણ માછીમાર અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે.