છેલ્લા બે વર્ષથી યુવાપેઢી રવાડે ચડી હતી, અંતે પશ્ચિમ કચ્છ પોલીસની ટીમે જથ્થો પકડી પાડયો

0
80

અમદાવાદથી કારના ગીયર બોક્ષમાં સંતાડી એમ.ડી. ડ્રગ્સ લઈ આવેલા ત્રણ યુવક પકડાયા

એસઓજીની ટુકડીએ માધાપર હાઈવે પરથી કારને લઈ સ્નીફર ડોગની મદદથી ડ્રગ્સ શોધી કાઢયો : ર.૮૦ લાખનો ર૮ ગ્રામ જથ્થો અને પાંચ લાખની કાર કબજે કરાઈ

ભુજ :  છેલ્લા બે વર્ષથી કચ્છની યુવા પેઢી એમ.ડી. ડ્રગ્સના રવાડે ચડી છે, જાે કે બે વર્ષ દરમિયાન પુર્વ કે પશ્ચિમ કચ્છ પોલીસને એકેય એમ.ડી. ડ્રગ્સનો કેશ મળ્યો ન હતો. અંતે પશ્ચિમ કચ્છ એસ.પી.ની રાહબરી હેઠળ એસ.ઓ.જી.ની ટુકડીને અમદાવાદથી કારના ગીયર બોક્સમાં સંતાડી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો ભુજ લઈ આવતા ત્રણ યુવકને સ્નીફર ડોગની મદદથી ર.૮૦ લાખના ર૮ ગ્રામ જથ્થા સાથે પકડી લીધા હતા.

અમદાવાદથી ભચાઉ અને ભુજ સુધી વિસ્તરેલી એમ.ડી. ડ્રગ્સની બદી અંગે થોડા સમય પુર્વે જ કચ્છ ઉદયમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અમુક સમયે પ્રાઈવેટ એમ્બ્યુલન્સ તેમજ કારમાં અમદાવાદથી ભુજ સુધી જથ્થો આવતો હોવા અંગે અગાઉ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ સીંઘની રાહબરી હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. વી. વી. ભોલાના માર્ગદર્શન હેઠળ ટુકડીએ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો. એસ.ઓ.જી.ના પો. હેડ કોન્સ રઘુવીરસિંહ ઉદુભા જાડેજાને મળેલી બાતમી આધારે માધાપર હાઈવે તરફથી આવતી બલેનો કારને રોકાવી એસ.ઓ.જી. કચેરી ખાતે લઈ આવ્યા હતા. અકરમ અબ્દુલગની સંધીસમા (રહે. અમન નગર ચાર રસ્તા ભુજ), નદીમ નુરમામદ સમા (રહે. રાજેન્દ્ર નગર કેમ્પ એરીયા ભુજ) અને સાવન ચંદુલાલ પટેલ (રહે. વાલદાસ નગર શેરી નંબર ૧, ભુજ)વાળાના કબજામાં મળી આવેલી કારના ગિયર બોક્સમાં સંતાડાયેલી એમ.ડી. ડ્રગ્સની ત્રણ પડીકી મળી આવી હતી. સ્નીફર ડોગની મદદથી ડ્રગ્સનો આ જથ્થો મળી આવ્યા બાદ આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. એ ડિવિજન પોલીસ મથકે ત્રણેય સામે એસ.ઓ.જી.ની ટુકડીએ ગુનો નોંધાવી તેમના પાસેથી ર૮ ગ્રામ કિંમત ર.૮૦ લાખનો ડ્રગ્સનો જથ્થો, બલેનો કાર નંબર જીજે ૧ર ડીએમ ૧૧૩૦ કિંમત પાંચ લાખ, ત્રણ મોબાઈલ ૩૦ હજાર, રોકડા ૮૮૦ રુપીયા મળી કુલ ૮,૧૦,૮૮૦ રુપીયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

અમારી છ મહિનાની મહેનત રંગ લાવી : વી. વી. ભોલા

એસ.ઓ.જી.ના પી.આઈ વી. વી. ભોલાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા છ મહિનાથી એમ.ડી. ડ્રગ્સની બદીને નાશ કરવા માટે શોધમાં જ હતા. અમારી છ મહિનાની મહેનત રંગ લાવી હતી અને મળેલી બાતમી આધારે કારને રોકાવી સ્નીફર ડોગની મદદથી ગીયર બોકસમા રહેલો જથ્થો કબજે કર્યો હતો. આ જથ્થો ત્રણેય શખસો અમદાવાદથી કાર વડે ભુજ લઈ આવતા હતા અને તેમના પંટરોને વેચવા માટે આપવાના હતા. આ શખ્સો અગાઉ બે વખત અમદાવાદથી ભુજ માલ વેંચવા માટે લાવ્યા હોવાની કેફીયત પણ આપી હતી.  અમદાવાદના શખસોના નામ અને મોબાઈલ નંબરની કેફીયત પણ અપાઈ છે એટલે આગળની તપાસ એ ડીવીજન પોલીસને સોંપી દેવાઈ છે.

અકરમના પંટરીયાઓને પણ પાંજરે પુરવા જાેઈએ

બલેનો કારમાં અમદાવાદથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈ આવેલા ત્રણ શખસો પૈકી અકરમ પોતાના પંટરીયાઓને બે-પાંચ ગ્રામની પડીકી બનાવી આપી દેતો હતો. અકરમના પંટરીયાઓ યુવા વર્ગને આ ડ્રગ્સના રવાડે ચડાવી તેમને ખંખેરતા હતા. ૧૦૦૦ રુપીયાના એક ગ્રામનો જથ્થો ભુજમાં ૩પ૦૦ રુપીયા ગ્રામમાં વેંચાણ કરતા હતા. આમ, અકરમ છેલ્લા કેટલા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરતો હતો અને ભુજમાં તેના કેટલા પંટરીયા તેના માટે કામ કરતા હતા તે તમામને પણ પાંજરે પુરવા જાેઈએ.

તમાકુની પડીકીમાં નાખીને ડ્રગ્સ લેતા હોવાથી ભુજમાં પકડવા મુશ્કેલી

એમ.ડી. ડ્રગ્સના વ્યસનીઓ તમાકુની બ્લુ કલરની પડીકીમાં આ અડધો ગ્રામ જથ્થો નાખીને ખાતા હતા. તમાકુની પડીકીમાં નાખીને ખાતા હોવાથી કોઈને શક વ્હેમ પણ ન જાય. એક અધિકારીએ જણાવ્યું હતું કે, એમ.ડી. ડ્રગ્સનું વ્યસન ભુજમાં તમાકુની પડીકીમાં થતુ હોવાથી તેમને પકડવા મુશ્કેલ જ હતા. જથ્થો ભુજ લવાતો હોય ત્યારે જ પકડી શકાય એમ છે અને એસ.ઓ.જી.ની. ટુકડીએ જથ્થો ભુજમાં પહોંચે તે પુર્વે જ પકડી લીધો હતો. હજુ મુંબઈથી ભુજની ટ્રેન મારફતે પણ અમુક શખસો જથ્થો લાવી રહ્યા છે તેમના પર વોચ રાખી તેમને દબોચી લેવાય તો સંપુર્ણપણે આ બદીનો નાશ થઈ જાય તેમ છે.