૪પ૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત માતાનામઢમાં બે વાર પતરી ઝીલાઈ

0
38

પ્રથમ હનુવંતસિંહજી ત્યારબાદ મહારાણી પ્રીતીદેવીએ પતરી પ્રસાદ મેળવ્યો : હનુવંતસિંહે રાજાબાવાના આશિર્વાદ લીધા : સાતમના હવનમાં બીડું હોમાતા મઢમાં નવરાત્રી મહોત્સવની સમાપ્તી છતાં ભાવિકોની ભીડ અવિરત

નખત્રાણા : શક્તિ ઉપાસનાના ધામ માતાનામઢમાં ૪પ૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસે રાજપરિવારના બે પ્રતિનિધિઓએ પતરી પ્રસાદ ઝીલ્યો હોવાની ઘટના બની છે. ગત વર્ષે મહારાણીએ પતરી ઝીલી હતી, આ વર્ષે પ્રથમ સવારે ૬-૩૦ વાગ્યે સ્વ. મહારાવ પ્રાગમલજીના નાના ભાઈ હનુવંતસિંહે પતરીવિધિનો લાભ લીધો હતો. ત્યારબાદ જાહેર કરનાર સમયમાં ૯ વાગ્યે સ્વ. મહારાવના પત્ની મહારાણી પ્રીતિદેવીએ પણ પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો.

ભુજમાં પાંચમના મહારાણી ચામરવિધિ કરાઈ હતી તો છઠ્ઠના કુ. હનુવંતસિંહ જાડેજા પરિવાર ચામરવીધી કરી હતી. બંને પક્ષો  ચામરવિધિ યોજાઈ તેવી રીતે બંને પક્ષો મા.મઢે પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો. સવારે બંને પક્ષો દ્વારા ચાચરા કુંડ ખાતે ચામરવિધિની પરંપરા થઈ હતી, ચામરયાત્રા પણ નીકળી હતી. બાદમાં પતરીનો પ્રસાદ ગણતરીની સેકન્ડોમાં માતાજીએ આપ્યો હતો. હનુવંતસિંહે રાજાબાવાના આશિર્વાદ લીધા હતા. ત્યારે ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, પ્રવિણસિંહ વાઢેર ઉપસ્થિત રહ્યા હતા. રાજાબાવાએ હનુવંતસિંહજીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. તે પૂર્વ સાતમના મોડી રાત્રે આદ્યશક્તિના જયઘોષ સાથે રાજાબાવાના હસ્તે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યારે મંદિર પરિસર જયમાતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. બાદમાં હિંગલાજ મંદિરે આરતી ઉતારી હતી. આ સાથે માતાનામઢે નવરાત્રિ મહોત્સવ સંપન્ન થયો હતો. ગ્રા.પં.ના સરપંચ સુરેન્દ્રસિંહજી તમામ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

શું..છે માતાનામઢે ચામર અને પતરીવિધિનો મહિમા !

માતાનામઢ ખાતે આઠમમાં યોજાતી ચામર અને પતરીવિધિના ઈતિહાસ પર ડોકિયું કરીએ તો કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા અથવા તેમના નિમેલા પરિવાર-પ્રતિનિધિ હવનપૂર્ણ થયા બાદ આઠમા નોરતે ચાચર કુંડમાં સ્નાન કરે છે અને સ્નાન બાદ ચાચર ભવાની અને ગણેશની વિશેષ પૂજા કરે છે. પૂજા બાદ ચામર લઈ અને પગપાળા વાજતે-ગાજતે નિજ મંદિરમાં પ્રવેશ કરે છે તેઓ ચાચર માની પૂજાવિધિ કરે છે ત્યારબાદ માના પૂજારી માના જમણા ખભા ઉપર પતરી મુકે છે અને આ પતરી નામની વનસ્પતી માતાજીના ફૂલ માનવામાં આવે છે. આ વનસ્પતી ૧ર મહિનામાં માત્ર એક જ વાર માતાનામઢની સીમમાં થાય છે. પતરી માતાના ખંભે મુકયા બાદ મંદિરના પૂજારી ઝાઝર, પખવાજ, ડાકલા વગાડવાની આજ્ઞા આપે છે અને કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા અથવા તેમના નીમેલા પ્રતિનિધિ જમણા પગે ઉભા રહી અને પતરી ઝીલે છે. માતાજી રાજી હોય તો તત્કાલ પતરી મળી જાય છે અથવા ૧૦થી ૧ર મીનીટનો સમય લાગે છે અને પતરી પહેલા માના ખભા પરથી રથી ૩ ઈંચ ઉપર જાય છે અને ત્યારબાદ કચ્છ મહારાવ પતરી ધારણ કરે છે. અહીં રાજવી પરિવાર અથવા તેમને નીમેલા તેમના પ્રતિનિધિ સિવાય કોઈ પતરી ઝીલી શકતું નથી. તેવી શ્રદ્ધા-આસ્થા આજે પણ અકબંધ છે.

આશાપુરાજીનો ચમત્કાર નહી તો બીજું શું ?

હવનની સાંજે માતાજી મંદિરે રાજવી પરિવાર અનાયાસે ભેગા થઈ ગયા

નખત્રાણા : લાખો માઈભક્તોની આશા પુરી કરનાર આશાપુરાજીના પરચા અપરંપાર છે ત્યારે પતરીવિધિ માટે વિવાદમાં રહેનાર રાજવી પરિવાર રવિવારે સાંજે મા આશાપુરાજીના સંધ્યા આરતીના દર્શનમાં રાજવી પરિવાર બંને પક્ષ મ.કુ. હનુવંતસિંહજીના પરિવાર અને મહારાણી પ્રીતીદેવીનો પરિવાર અનાયાસે મા આશાપુરાજીના ચમત્કારથી બંને પરિવાર (કચ્છી તળપદી ભાષામાં કહીએ તો દેરાણી – જેઠાણી) સાથે માતાજીને શીશ નમાવી દર્શનનો લ્હાવો લીધો હતો ત્યારે ઉપસ્થિત હજારો માઈભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા અમુક માઈભક્તો કહ્યું કે, રાજ પરિવારનો સાચો પ્રેમ જાેવા મળ્યો છે.

મા.મઢે રાજવી પરિવારના વિવાદમાં ક્ષત્રિય મોટામાથા અળગા રહ્યા !

માતાનામઢે પતરીવિધિમાં રાજવી પરિવારના વિવાદના લીધે આજે ભાવિકોની પાંખી હાજરી હતી. તો ક્ષત્રિય સમાજના કહેવાતા મોટા માથા, ધાર્મિક, રાજકીય, સામાજીક ક્ષેત્રના અગ્રણીઓએ અળગા રહેવાનું મુનાસીબ માન્યું હતું. આવી ચર્ચાએ મા.મઢે ચર્ચા જગાવી હતી.

ર૦૦૯માં એક પણ પક્ષે પતરી ઝીલી ન હતી

૪પ૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આજે બે વાર પતરી ઝીલાઈ છે, ત્યારે જૂના ઈતિહાસ પર નજર કરીએ તો વર્ષ ર૦૦૯માં માતાનામઢમાં એક પણ વ્યક્તિએ પતરી ઝીલી ન હતી.

વહીવટી તંત્રએ મોડી રાત્રે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો

દરમિયાન બંને રાજવી પરિવારો વચ્ચે વિવાદ પરાકાષ્ટાએ પહોંચતા ગત મોડી રાત્રે વહિવટી તંત્ર દ્વારા મધ્યસ્થીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મઢમાં બંને પરિવારો એક સંપ થઈને પતરી વિધિનો લાભ મેળવે તે માટે બેઠક યોજીને મધ્યસ્થી કરવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જાે કે આજે સવારે બંને પક્ષોએ પતરી ઝીલી હતી.

૪પ૦ વર્ષની પરંપરા તુટી એ દુઃખદ : ઈન્દ્રજીતસિંંહ જાડેજા

માતાનામઢ : આજે માતાનામઢ ખાતે  બન્ને પક્ષે યોજાયેલી પત્રી વિધી બાદ વિવાદ વધુ ,ઘેરાયો હતો. આ બાબતે મહારાણી પરિવાર સાથે સંકળાયેલા ઈન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે વહીવટી તંત્રએ બન્ને પક્ષે સમાધાન કરવાનો પ્રયાસ કર્યાે હતો. પરંતુ સામા પક્ષના કોઈ પણ પ્રતિનિધી મોડી રાત સુધી આવ્યા ન હતા. મહારાણીજીએ નિયમ મુજબ પાંચમના ચામર પુજા કરી હતી તેમજ  જાગીર તરફથી જે સમય જાહેર કરાયો ત્યારે આવીને પત્રી ઝીલી હતી.