તહેવારોની સિઝન શરૂ : ખાદ્ય તેલમાં તેજી..

0
32

સિંગતેલનો ડબ્બો ૩ હજારને પાર : કપાસીયા તેલમાં ભાવ વધ્યા અને પામતેલમાં ઘટ્યા

ભુજ : તહેવારોની સિઝન શરૂ થવાની સાથે ખાદ્ય તેલમાં પણ તેજી જાેવા મળી રહી છે. ખરીફ સિઝનના પ્રારંભે સામાન્ય રીતે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વખતે તેની વિપરીત અસર જાેવા મળી છે. કારણ કે, તેલના ભાવમાં વધારો થતા આ વખતે તહેવારોની મજા મોંઘી બનશે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. મગફળીનો પાક સારો ન હોતો હોવાથી માંગમાં વધારો થતા અચાનક ભાવ આસમાનને આંબી ગયા છે. કપાસીયામાં પણ રૂ. ૫૦થી ૭૦નો વધારો થયો છે તો પામોલીન તેલમાં ૩૦થ ૪૦નો ઘટાડો નોંધાયો છે.

આ અંગે વિગત આપતા તેલના હોલસેલ વેપારી ભાવિનભાઈએ જણાવ્યું કે, સિઝનના પ્રારંભે જ માલની ખેંચતાણ ઉભી થતા અને તહેવારોની ડિમાન્ડ વધતા ભાવમાં તેજી નોંધાઈ છે. સૌરાષ્ટ્ર બાજુ વરસાદી માહોલના કારણે મગફળીના આવકમાં પણ બ્રેક લાગી ગયો છે. જે હાલ કાચો માલ આવી રહ્યો છે તે અનુકૂળ ન હોતા ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. હાલ સીંગતેલનો ૧૫ કિલાનો ડબ્બો ૩ હજારને પાર પહોંચી ગયો છે.

ગઈકાલે ૨,૯૯૦ હતા પરંતુ આજે ૧૦નો વધારો થતા ૩ હજારને આંબી ગયો છે. તહેવારો સુધી સપ્લાયની ખેંચ યથાવત હોવાથી દિવાળી સુધી તેલના ભાવમાં ઘટાડો થશે નહીં તહેવારોની સિઝન પૂર્ણ થયા બાદ જ સારા પ્રમાણમાં મગફળીની આવક થતા જ રૂ. ૧૦૦થી ૨૦૦ સુધીનો ઘટાડો થઈ જશે. કપાસીયા તેલમાં પણ રૂ. ૫૦થી ૭૦નો વધારો થયો છે. થોડા દિવસ પૂર્વે ૨૪૩૦માં વેંચાતો કપાસીયા તેલનો ડબ્બો હાલ ૨૫૦૦માં ગ્રાહકોને ખરીદવો પડે છે. તો પામોલીન તેલના ભાવ ૧૫૯૦થી ઘટીને ૧૫૬૦ પર પહોંચી ગયો છે.

અત્રે નોંધનીય છે કે, તહેવારોને ટાંકણે જ ખાદ્ય તેલ તેમજ અન્ય વસ્તુઓમાં પણ વધારો થતો હોય છે જેની સિધી અસર આમ આદમીના ખિસ્સા પર પડે છે. દિવસેને દિવસે મોંઘવારી વધતી જતી હોઈ ઘર ચલાવવું પણ સામાન્ય માણસને અઘરૂં પડી રહ્યું છે.