કચ્છમાં નકલી જંતુનાશક દવાનો ધૂમ વેપલો : ખેડૂતોને શીશામાં ઉતારતા લેભાગુઓ

0
43

વાતાવરણમાં પરિવર્તન સાથે એરંડા-કપાસમાં ઈયળ, રામમોલમાં ચુસીયા, ઘરો સહિતના રોગો પાકનો વાળી રહ્યા છે સોથ: મહામુલા પાકને બચાવવા ધરતીપુત્રો દ્વારા ચાલતી દવા છંટકાવની કામગીરી : બજારમાં અસલી – નકલી ના નામે વેચાતી એક જ કંપનીની જુદી જુદી દવાની કિંમતમાં જમીન આસમાનનો ફરક : પ૦૦ થી લઈ ૧પ૦૦૦ રૂપિયા લીટર સુધીની દવાઓ ધબડાવી ખેડૂતોને રીતસરનો ખંખેરવાનો ચાલે છે ખેલ : જિલ્લાવ્યાપી તપાસ થાય તો અનેક લેભાગુઓ વેપારીનોનો થાય ભાંડાફોડ

ભુજ : ચાલુ સાલે કચ્છમાં ૧૮પ ટકાથી વધુ વરસાદ નોંધાતા ખેતીનું ચિત્ર ઉજળું જાેવા મળી રહ્યું છે. જિલ્લામાં છ લાખ હેકટરથી વધુ વિસ્તારમાં કપાસ, મગફળી, દિવેલા સહિત રામમોલનું વાવેતર કરાયું છે. સચરાચર વરસાદને પગલે ચોમાસુ ઉપરાંત શિયાળુ પાક પણ સારૂં રહે તેમ હોવાથી ધરતીપુત્રો પાકનું વધુ ઉતારો મેળવવા એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. ચાર મહિનાના પાક એવા રામમોલ અને બારમાસી પાક ગણાતા કપાસ, એરંડાના ઉભા પાકમાં આંતર ખેડ, ખાતર ઉપરાંત સમયાંતરે દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવે છે. જિલ્લાના વાતાવરણમાં આવી રહેલા નાટકીય પરિવર્તનના પગલે વિવિધ પાકોમાં ઈયળ, ચુસીયા, ઘરો સહિતની જીવાત અને રોગોએ દેખા દીધા હોઈ મહામુલા પાકને બચાવવા માટે ધરતીપુત્રો ઝઝુમી રહ્યા છે ત્યારે કચ્છમાં નકલી જંતુનાશક દવાનો ધૂમ વેપલો કરી લેભાગુ વેપારીઓ દ્વારા ખેડૂતોને આંબા આંબલી દેખાડી રીતસરનાશીશામાં ઉતારાઈ રહ્યાનો ખેલ ચાલી રહ્યો છે.

આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં દર વર્ષે સામાન્ય રીતે પાછોતરો વરસાદ થતો હોઈ વાવણીકાર્ય પર પણ તેની અસર જાેવા મળતી હોય છે. ચાલુ સાલે ચોમાસાના પ્રારંભની સાથે સમયસર મેઘરાજાએ દસ્તક દેતા અષાઢ અને શ્રાવણ પ્રારંભથી જ સાર્વત્રીક વાવણીનો ધમધમાટ જાેવા મળ્યો હતો. વર્તમાને વાડી ખેતરોમાં ઉભો પાક લહેરાઈ રહ્યો છે. દરમ્યાન વાતાવરણમાં પરિવર્તન આવતા એરંડા-કપાસમાં ઈયળ, ગોવાર, મગ, મઠ, તલ સહિતના રામમોલના પાકમાં ચુસીયા, ઘરો સહિતના રોગો પાકનો સોથ વાળી રહ્યા છે. અથાગ મહેનત અને અઢળક ખર્ચ બાદ ઉભા થયેલા મહામુલા પાકને બચાવવા ધરતીપુત્રો દ્વારા સમયાંતરે દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. દવાનો ઉપાડ વધતા બજારમાં એકાએક દવાની માંગમાં ઉછાળો આવ્યો હોઈ લેભાગુ વેપારીઓ આ તકનો પુરેપુરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. ભુજ સહિતના જિલ્લાના મોટા ભાગના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓ દ્વારા જંતુનાશક દવાનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. બીજીતરફ હાલ બજારમાં અસલી – નકલી ના નામે વેચાતી એક જ કંપનીની જુદી જુદી દવાની કિંમતમાં જમીન આસમાનનો ફરક જાેવા મળી રહ્યો છે. બજારમાં એક જ પ્રકારની અને ભળતા નામ ધરાવતી દવાની કિંમતો પર નજર કરીએ તો રૂા. પ૦૦ થી લઈ ૧પ૦૦૦ રૂપિયા લીટર સુધીની દવાઓ ઉપલબ્ધ છે. અસલીના નામે ધરતીપુત્રોને નકલી દવાઓ ધબડાવી લેભાગુ વેપારીઓ ખેડૂતોને ખંખેરવાનો રીતસરનો ખેલ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અગાઉ નકલી બિયારણ ધબડાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુકયા છે. ત્યારે તંત્ર દ્વારા નકલી દવા મુદ્દે પણ જિલ્લાવ્યાપી તપાસ થાય તો અનેક લેભાગુઓ વેપારીનોનો ભાંડાફોડ થઈ શકે તેમ છે.