EVMમા ગરબડી થાય છે..: ફેક લેટરથી ચૂંટણી પંચ કાળઝાળ

તમામ રાજયોને તપાસના આદેશ : ૧લી મેના રોજ જમ્મુના ઉધમપુરમાં ઇનવર્ડ થયા બાદ બહાર આવેલી વિગતોઃ રાજકોટ સહિત દરેક કલેકટર-એસપીને પણ તપાસ કરવા અને આવું કહી હોય તો સીધી ફોજદારી કરવા આદેશો

અમદાવાદ : દરેક લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં મતદાન સમયે ઉપયોગમાં લેવાતા ઇલેકટ્રોનિક વોટીંગ મશીનમાં ગરબડી થાય છે. વિશ્વસનીયતા નથી તેવો ફેક લેટર ચૂંટણી પંચના નામે ર-૪-ર૦૧૮ના રોજ ઇસ્યુ થતા અને વાયરલ થતા ભારે ખળભળાટ મચી ગયો છે અને આ લેટરમાં ઇવીએન મશીનના નામે મોટુ સ્કમ ચાલે છે. ચૂંટણીમાં વિશ્વસનીયતા નથી, ૩૦ દિવસમાં તપાસ કરો… ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગરબડી થઇ શકે, ચૂંટણી હેલ્ડ કરવી પડે વિગેરે બાબતોથી ભરેલા આ લેટરથી ચૂંટણીપંચ ચોંકી ઉઠયું છે. આ લેટર ૧લી મેના રોજ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ઇનવર્ડ થયા બાદ વિગતો બહાર આવતા ચૂંટણીપંચ ચોંકી ઉઠયું છે અને કાળઝાળ પણ બન્યું છે. પરિણામે ચૂંટણીપંચે ૧ર મેના રોજ ગુજરાત સહિત તમામ રાજયોને તાકીદનો પત્ર પાઠવી આ લેટર ફેક હોવાનું અને ઘણા એડમીનીસ્ટ્રેટીવ અને પોલીસ કચેરીમાં આ લેટર વાયરલ થયો છે તે બાબત બહુ ગંભીર છે. ચૂંટણીપંચના અન્ડર સેક્રેટરી શ્રી મધુસુદન ગુપ્તાએ આ બાબતે દરેક રાજયોના મુખ્ય ચૂંટણી અધિકારીને જાણ કરી છે કે આવી કોઇ નોટીસ કે લેટર ચૂંટણીપંચે ઇસ્યુ કરેલ નથી. પંચે સૂચના આપી છે કે દરેક રાજયોના કલેકટરો-એસપીને આવો ફેક લેટર મળ્યો હોય તો તાકીદે તપાસ કરવી અને ફોજદારી દાખલ કરી કડક પગલા ભરવા. રાજકોટ કલેકટર અને એસપીને પણ આવો આદેશ કરાયો છે અને જો કોઇ લીગલ એકશન લેવાયા હોય તો પંચને જાણ કરવા પણ સૂચના અપાઇ છે.