ભુજના મતદારોમાં લોકશાહીના પર્વની ઉજવણી માટે પ્રારંભથી જ ઉત્સાહ

0
107

સવારથી જ મતદારોના અવિરત પ્રવાહથી મતદાન મથકોમાં લાઈનો દેખાઈ : શહેરની સાથે આસપાસના ગ્રામીણ વિસ્તારમાં પણ ઉત્સાહભેર મતદાન થયું : ૧૧ વાગ્યા સુધીમાં ૩૪ હજાર પુરુષો અને રપ હજાર મહિલાઓએ મતાધિકારનો કર્યો ઉપયોગ

ભુજ : આજે સવારથી ભુજ વિધાનસભાના મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે ૧૧ વાગ્યા સુધીમાં ભુજ બેઠક પર ર૦ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ર૩ ટકા પુરુષો અને ૧૭ ટકા સ્ત્રી મતદારોએ બપોર સુધીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હજુ પણ કેન્દ્રો પર મતદારોની કતાર હોવાથી આ વખતે ભુજ બેઠક પર સૌથી વધુ મતદાન થાય તેવી આશા જાગી રહી છે.પ્રમુખસ્વામીનગર ખાતે આવેલી પંચાયતી પ્રાથમિક શાળામાં ૧ર૭ર જેટલા મતદારો છે ત્યારે સવારે ૧૧ વાગ્યા સુધી ૧૬૬ જેટલા લોકોએ લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. તો તાલુકાના કુકમા ગામે આવેલી પ્રાથમિક શાળામાં કુલ ૮૪પ જેટલા મતદારો છે. જે પૈકી ૪૩૮ પુરુષો અને ૪૦૭ મહિલાઓ સવારના ૧૧ વાગ્યા સુધી ૧૩૭ જેટલા લોકોએ મતદાન કર્યું હતું. તો સામત્રા પ્રાથમિક શાળામાં ૧૦ વાગ્યા સુધી ૧૧ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. તો ભુજ તાલુકાની ગ્રૂપ શાળા નં.૧ ખાતે સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. હાથીસ્થાન કુમાર પ્રાથમિક શાળામાં સવારથી જ મંદ ગતીએ વોટીંગ ચાલી રહ્યું હતું. તો કેમ્પ ખાતે આવેલી પ્રાથમિક શાળા નં.૧૧, જેષ્ઠાનગર પ્રાથમિક શાળા નં.૯, શાળા નં.ર૧, ભીડ ખાતે આવેલી પ્રાથમિક શાળા નં.૩, હિતેન ધોળકિયા વિદ્યાલય, ભુજ પ્રાથમિક શાળા નં.૧૮ તથા આઝાદનગર પંચાયતી શાળા નં.૧૯ ખાતે સવારથી જ લાંબી કતારો લાગી હતી અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રમુખસ્વામીનગર ખાતે આવેલી મા આશાપુરા સ્કૂલ ખાતે લકવાગ્રસ્ત દર્દી તથા નગર સેવક ધર્મેશભાઈ ગોર, રવિન્દ્રભાઈ ત્રવાડી, સુરેશભાઈ બિજલાણી તેમજ ૩૯ વર્ષિય દિવ્યાંગ ચેતનાબેન અને અગ્રણીઓએ પણ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિરે પણ મતદાન કર્યું હતું. તાલુકાની સાંયરા (યક્ષ) પ્રાથમિક શાળા ખાતે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કુનરિયા ખાતે ૧૧ વાગ્યા સુધી ૩૧૦ જેટલા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. માધાપર ખાતે હિતેશભાઈ ખંડોલ, દાદુભા ચૌહાણ અને દિનેશભાઈ ઠક્કરે મતદાન કર્યું હતું.

કેશુભાઈ પટેલ દ્વારા ભુજ વિધાનસભાના મતદારોને રાષ્ટ્રની શાંતિ-સલામતી અને વિકાસને ધ્યાનમાં રાખી મતદાન કરવા અપીલ

ભુજ : આજે રહેલ લોકશાહીના મહાપર્વ સમા મતદાનના દિવસે ભુજ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલે મતદારોને ખુબ વ્યાપક પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે મતદાતાઓને વિનંતી કરતા જણાવ્યું હતુ કે, કોઈપણ મતદાર તેના મતાધિકારને સામાન્ય ન સમજે. છેક છેવાડાના ગામડામાં વસતા સામાન્ય નાગરિકનો એક મત પણ દેશના ભાગ્ય અને દિશાને બદલી નાખવા માટે સક્ષમ છે ત્યારે કોઈ પણ જાતની ચુક કે આળસ વિના દરેકે દરેક વ્યકિતએ ચોકકસ મતદાન કરવું જોઈએ. દેશની શાંતિ, સુરક્ષા, દેશના વિકાસ તેમજ દેશના ગૌરવને ધ્યાનમાં રાખીને જ સૌએ મતદાન કરવું જોઈએ. કોઈના દોરવાયા દોરાઈ જવાના બદલે ગુજરાત અને ભારતના વિકાસ માટે જ મતદાન ખૂબ મોટી સંખ્યામાં કરવું જોઈએ.બહેનોએ એક દિવસ માટે ઘરકામને થોડું પાછું ઠેલીને પણ મતદાન તો ફરજિયાત કરવું જ જોઈએ. આ ઉપરાંત તેમણે કિસાનો, શ્રમિકો તેમજ નાના મોટા તમામ ધંધાર્થીઓને પણ એક દિવસ પુરતું કામકાજ બંધ રાખીને અવશ્ય મતદાન કરવા વિનંતી કરી હતી.

એક-એક મત કિંમતી, સર્વે મતદારો અચૂકથી મતાધિકારનો કરે ઉપયોગ : અરજણભાઈ ભુડિયા

ભુજ : વિધાનસભાના કોંગ્રેસી ઉમેદવાર અરજણભાઈ ભુડિયાએ આજે સવારે પરિવાર સાથે માધાપરમાં મતાધિકારનો ઉપયોગ કરી સર્વે ભુજવાસીઓને જંગી મતદાન કરવા માટે આહ્‌વાન કર્યું હતું.આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને બપોર સુધીમાં દરેક મતદાન મથકો પર સારી એવી ટકાવારીમાં મતદાન થયું છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારે સૌ મતદારોને તેમની પવિત્ર ફરજ અદા કરવા માટે જણાવ્યું હતું. વધુમાં અરજણભાઈ કહે છે કે, સવારથી જ ભુજ શહેર અને બન્ની-પચ્છમ, પટેલ ચોવીસી સહિતના ગ્રામીણ વિસ્તારમાં આવેલા મતદાન મથકો પર મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ વખતે ખુબ જ જાગૃત્તા આવી હોય તેવો માહોલ સર્જાયો છે. યુવાનોની સાથે મહિલાઓ, વૃદ્ધો સૌ કોઈ લોકશાહીના પર્વમાં સહભાગી બનીને મતદાન કરી રહ્યા છે. લોકો મતદાનની પવિત્ર ફરજ અદા કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી રહ્યા છે. કોંગી ઉમેદવારે વિવિધ બુથ પર જઈને મતદારોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.