ઈંગ્લેન્ડ બન્યું ટી૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન

0
41

 

  • ફાઈનલમાં પાકિસ્તાનને ૫ વિકેટે આપ્યો પરાજય

પાકિસ્તાનને હરાવીને ઈંગ્લેન્ડે ટી૨૦ વર્લ્ડ કપ જીતી લીધો છે. ઈંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને ૫ વિકેટે પરાજય આપ્યો હતો.ઈંગ્લેન્ડ ટી૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. રવિવારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રમાયેલી ટી૨૦ની ફાઈનલ મેચમાં બેન સ્ટોક્સની ધમાકેદાર ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ૫ વિકેટ હરાવીને ટાઈટલ જીતી લીધું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ નિર્ધારીત ૨૦ ઓવરમાં ૧૩૭ રન બનાવી શકી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે ૫ વિકેટ ગુમાવીને ૧૩૮ રન બનાવી લીધા હતા. પાકિસ્તાન વતી કેપ્ટન બાબર આઝમે ૩૨ અને શાન મસૂદે ૩૮ રન બનાવ્યાં હતા. આ બે સિવાય બીજા કોઈ ખેલાડીઓ ખાસ કંઈ ઉકાળી શક્યા નહોતા.

બેન સ્ટોક્સની ધમાકેદાર ઈનિંગથી ઈંગ્લેન્ડે ૩૦ વર્ષ જુનો હિસાબ ચૂકતે કર્યો
ઓસ્ટ્રેલિયામાં ૩૦ વર્ષ જુના સંજોગનું પુનરાવર્તન કરીને ફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે છેલ્લી ઘડીએ બધું બદલાઈ ગયું. મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ૩૦૯ વર્ષ પહેલા ૧૯૯૨ની સાલમાં જોરદાર વાપસી કરીને ઈંગ્લેન્ડને હરાવીને વિશ્વ ચેમ્પિયન બનનાર પાકિસ્તાન ફરી એક વાર રેકોર્ડ કરવા જઈ રહ્યું હતું પરંતુ ઈંગ્લેન્ડે તેની આશાઓ પર પાણી ફેરવી દીધું અને પાકિસ્તાનના હાથમાં આવેલા કોળિયો છીનવી લીધો હતો. લોર્ડ્સમાં ત્રણ વર્ષ પહેલા ઈંગ્લેન્ડને વનડે ક્રિકેટના વિશ્વ ચેમ્પિયન બનાવનાર બેન સ્ટોક્સે ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ધમાકેદાર ઈનિંગ ખેલીને પોતાના દેશને ટી૨૦ વર્લ્ડ કપ અપાવી દીધો હતો. મેલબોર્નમાં ૩૦ વર્ષ બાદ ફરી બંને ટીમો વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશી હતી. બાબર આઝમની ટીમે ૧૯૯૨ના વર્લ્ડ કપના પાકિસ્તાની ધુરંધરોની જેમ પુનરાગમન કર્યું હતું અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે ઇંગ્લેન્ડે પણ આ જ રીતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એમસીજીમાં ફરી એકવાર બંને વચ્ચે મજબૂત ફાઇનલની અપેક્ષા રાખવામાં આવી રહી હતી અને પાકિસ્તાની ફેન્સ માની રહ્યા હતા કે પછી ૩૦ વર્ષ જુનો સંયોગ દોહરાશે અને તેની ટીમ વર્લ્ડ કપ જીતી જશે પરંતુ તેમની આ આશા અધૂરી રહી ગઈ અને ઇંગ્લેન્ડે છેલ્લી ઘડીએ સ્ક્રિપ્ટમાં ફેરફાર કર્યો અને ૫ વિકેટથી જીત સાથે વર્લ્ડ કપ જીતી લીધો.