સરકારી ગેસ્ટ હાઉસ કે જાહેર ભવનોના ચૂંટણી સંબંધી પ્રતિબંધો જાહેર કરાયા

0
44

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચુંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

કોઇ પણ ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટ હાઉસ, ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ કે કોઇ પણ ગવર્નમેન્ટ એકોમોડેશન કે કેન્દ્ર કે રાજ્ય સરકારના પબ્લીક સેક્ટરના અંડરટેકીંગના કોઇપણ પ્રકારના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર, સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે ઉપયોગ કરી શકશે નહીં તે અંગેનું જાહેરનામુ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા બહાર પડાયું છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઇપણ એકોમોડેશન ફક્ત રહેવા અને જમવા માટે જ ફાળવી શકાશે. તે સિવાય આ એકોમોડેશન કે તેના પ્રિમાઇસીસનો ઉપયોગ કરી શકાશે નહીં.  આ એકોમોડેશનમાં રાજકીય પક્ષોના સભ્યો સામાન્ય બેઠકો પણ યોજી શકશે નહીં. જે વ્યક્તિને એકોમોડેશન ફાળવવામાં આવેલ હોય તેનું જ એક વાહન જે તે એકોમોડેશનના કમ્પાઉન્ડમાં રહી શકશે. આ એકોમોડેશન ફક્ત ૪૮ કલાક માટે જ આપી શકાશે.

જે પોલીટીકલ ફંક્શનરીને ઝેડ સ્કેલ કે તેથી ઉપરની કે તેને સમકક્ષ સિક્યોરિટી આપવામાં આવેલ હોય તેવા વ્યકિતઓને પ્રવર્તમાન જોગવાઇઓને આધારે એકોમોડેશન આપી શકાશે પરંતુ આ એકોમોડેશન જો પહેલેથી ચૂંટણી સંબંધિત અધિકારીઓ કે ઓબ્ઝર્વરોને ફાળવવામાં આવેલ હશે તો તે પોલિટીકલ ફંક્શનરીને ફાળવી શકાશે નહીં.

આ જાહેરનામાનો અમલ તા.૧૦-૧૨-૨૦૨૨ સુધી રહેશે. ઉપરોકત જાહેરનામાના ભંગ બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.