ચૂંટણી તૈયારી પુરજોશમાં : કચ્છમાં પોલીંગ બુથ માટે ૯૩૦૦ નો સ્ટાફ રહેશે તૈનાત

0
30

સંવેદનશીલ બુથોની કલેક્ટર અને પોલીસ અધિકારીઓ દ્વારા તપાસણી : વીડિયોગ્રાફી-સર્વેલન્સ સ્ટાફ માટે યોજાશે તાલીમ : ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ અને સ્ટાફ માટે ડેટાબેઝ તૈયાર : એસએમએસ મોનીટરીંગ શરૂ કરાશે : ગત ચૂંટણીની સાપેક્ષમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો

(બ્યુરો દ્વારા)ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ ઇલેકશન મોડમાં આવી ગયેલ છે. કચ્છ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કચ્છ જિલ્લામાં પોલીંગ બુથ માટે ૯૩૦૦ નો સ્ટાફ તૈનાત કરાશે.આ અંગેની વિગતો મુજબ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દિવાળી બાદ યોજાવાની છે. ચૂંટણી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. રાજકીય પક્ષોની સાથોસાથ ચૂંટણી પંચ પણ એકશન મોડમાં આવી ગયું હોઈ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ખાસ આયોજન પણ ઘડાઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં પોલીંગ, સુરક્ષા સહિતના સ્ટાફની જરૂર રહેતી હોય છે. જિલ્લામાં વિધાનસભાની છ બેઠકો આવેલી છે. હાલમાં જ ચૂંટણી તંત્ર દ્વારા સંક્ષીપ્ત મતદાર યાદી સુધારણા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ કામગીરી દરમ્યાન હજારો નવા મતદારોનો ઉમેરો થયો છે. આગામી દિવસોમાં નવી મતદાર યાદી પણ પ્રસિધ્ધ કરવામાં આવશે. જિલ્લાના ૧૮૬૦ મતદાન મથકો પર ૯૩૦૦ જેટલા પોલીંગ સ્ટાફને મુકવામાં આવશે. હાલે ચૂંટણી તંત્ર વિવિધ વિભાગો પાસેથી કર્મચારીઓની માહિતી લઈ ડેટાબેઝને અંતિમ ઓપ આપી રહ્યું છે.તેની સાથોસાથ ચૂંટણી માટે વાહનો, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ અંગે ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ છે. ચૂંટણીની સુચારુ વ્યવસ્થા માટે એસએમએસ મોનીટરીંગ પણ શરુ કરાશે. ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે રોકડ અને દારુની હેરફેર થતી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે ત્યારે આ વખતે આવી ઘટનાઓ ન ઘટે તે માટે વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાની સાથે જ તંત્ર દ્વારા ચેકપોસ્ટો ચાલુ કરી દેવામાં આવશે. ફરજ બજાવનાર સર્વેલન્સ સ્ટાફ
પોલીસ સ્ટાફ માટે ટ્રેનીંગ (તાલીમ) વર્ગ પણ શરુ થશે. આ ઉપરાંત શહેર-જિલ્લામાં જે મતદાન બૂથો સંવેદનશીલની યાદીમાં આવતા હશે તેની તપાસણી પણ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત ચૂંટણી કરતાં આ વખતે મતદાનનો રેશિયો વધે તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ૭૦ ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવી રહયો છે. વડીલો, દિવ્યાંગો અને યુવાનો વધુને વધુ મતદાન કરે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે. આ માટે શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો પણ આગામી સમયમાં આયોજીત કરવામાં આવશે.