કચ્છમાં ચૂંટણીની રાજકીય સભાઓથી ગરીબોને મળી ‘રોજગારી’

0
73

ગામડાઓમાં પ્રચાર વખતે કાર્યકરો મળતા નથી ત્યારે ખાસ તુફાન અને અન્ય વાહનો ભાડે રાખી રૂા. ૩૦૦ થી ૪૦૦ ની દાનકીએ શ્રમિક વર્ગને ભેગા કરી કરાવાઈ રહી છે ભીડ એકત્ર : દિવાળી પછી ધંધા રોજગાર મંદ હોઈ શ્રમિકો માટે ચૂંટણી ‘દિવાળી’ બનીને આવી : લગ્નગાળાની સાથે સાથે ચૂંટણીના કારણે મંડપ અને સાઉન્ડવાળાની બોલબાલા

ભુજ : વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા તમામ ઉમેદવાર પોતાના પ્રચારમાં જોતરાઈ ગયા છે. ઠેર ઠેર સભાઓ યોજાઈ રહી છે પરંતુ સભાઓમાં ભીડ એકત્ર કરવા માટે લોકોને આમદની પણ આપવી પડે છે, ત્યારે લોકો તાળીઓ પાડવા તૈયાર થાય તેવી સ્થિતિમાં રાજકારણ મુકાઈ ગયું છે. રાજકીય સભાઓ થકી ગરીબોને એકાદ પખવાડીયા સુધી રોજગારી મળી રહેશે.આ અંગેની વિગતો મુજબ ચૂંટણીની જંગી જાહેર સભાઓમાં જનમેદની કઈ રીતે એકત્ર થાય છે તે સૌ કોઈ જાણે છે. ગરીબો, રોજમદારો અને મજુરોને દાનકી આપીને ખાવા-પીવાનું પણ આપવામાં આવે છે. ત્યારે રાજકીય સભાઓમાં જનમેદની ઉમટે છે. સામાન્ય લોકોને ખ્યાલ પણ નથી આવતો. પણ સભાઓનાં આયોજનમાં વ્યવસ્થિત રીતે સેટીંગ કરાય છે. સામાન્ય લોકો તો ટીવી કે અખબારમાં સભાઓની તસ્વીરો જોઈને અંજાઈ જતા હોય છે. આ તસ્વીરો જોનારને એવું જ લાગતું હશે કે માત્ર તે પોતે જ ન પહોંચ્યા બાકી બધા જઈ આવ્યા હશે. પરંતુ એ માન્યતા વાસ્તવિકતા નથી હોતી. સભાઓમાં આવતા રોજમદારોેને ૩૦૦ થી પ૦૦ રૂપિયા દાનકી આપવામાં આવે છે. કોઈપણ પક્ષ પોતાનું રાજકીય વર્ચસ્વ સાબિત કરવા આ રીતે લોકોને બોલાવીને પોતાનો દબદબો દેખાડતા હોય છે. ત્યારે એટલું તો ચોક્કસ કહી શકાય છે, આગામી એકાદ પખવાડીયા સુધી યોજાનારી રાજકીય સભાઓમાં ગરીબોને રોજગારી મળી રહેશે. હા…પછી ભલે પાંચ વર્ષ સુધી કોઈ પુચ્છા પણ ન કરે કેમ કે ચુંટણી પત્યા પછી મોટે ભાગે તમે કોણ અને અમે કોણ જેવી સ્થિતિ સર્જાતી હોય છે. મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને રૂપિયા આપીને સભામાં બેસાડવામાં આવતા હોવાના અનેક કિસ્સા છે.