પોલીસ વિભાગ દ્વારા ચૂંટણી લક્ષી પાસા અને તડીપારનો ગાણવો તૈયાર

0
31

કલેકટર કક્ષાએથી ઓર્ડર આવતા જ પોલીસ દ્વારા ઉઠાવી કાર્યવાહી કરાશે

ભુજ : વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે ત્યારે હવે પોલીસ વિભાગ દ્વારા પણ કામગીરી શરુ કરી દેવાઈ છે. પાસા અને તડીપાર તળે કાર્યવાહી કરવા માટે પોલીસ વિભાગ દ્વારા પણ ગાણવો તૈયાર કરી દેવાયો છે, જિલ્લા કલેકટર કક્ષાએથી આદેશ વછૂટતા જ પોલીસ દ્વારા ઉઠાવી લઈ કાર્યવાહી કરાશે.

શરીર સબંધી ગુના તેમજ ગુનાહિત પ્રવૃત્તી સાથે સંકળાયેલા હોઈ તેવા શખસો પર ચૂંટણી ટાણે પાસા અને તડીપારની કાર્યવાહી કરાતી હોય છે. ચૂંટણી ટાણે પારદર્શી મતદાન થઈ શકે તે માટે આવા લોકો સામે પગલા ભરાતા હોય છે. સ્થાનિક પોલીસ દ્વારા અધિક્ષકની કચેરીએ તેમજ જિલ્લા કલેકટર કચેરીએ પાસા અને તડીપાર કરવા માટે ફાઈલો મોકલી દેવાઈ છે. પાસા અને તડીપાર કરવાના હોય તેના પર જિલ્લા કલેકટર દ્વારા નામ પર મોહર લગાવાય છે, જેના ઓર્ડર મંજુર થાય તેની જાણ એલસીબીને કરવામાં આવે છે. એલસીબી દ્વારા પાસાનો વોરંટ બજવી તેની અટકાયત કરી અન્ય જિલ્લાની જેલમાં ધકેલી દેવાય છે. દર વર્ષે ચૂંટણી ટાણે પાસાની કાર્યવાહી કરાતી હોય છે તેમજ સ્થાનિક પોલીસ દ્વારા તડીપાર પણ કરાય છે. આવનારા દિવસોમાં આદેશ વછુટતા જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

છેલ્લા થોડા સમયથી એકેય પાસા તળે અટકાયત નહીં

ચાલુ વર્ષે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા હોય તેવા શખસોને પાસા તળે અટકાયત કરી અન્ય જિલ્લાની જેલમાં ધકેલી દેવાયા છે. છેલ્લા થોડા સમયથી એકેય શખસ સામે પાસા કે તડીપારનો સકંજાે કસાયો નથી. એકાદ-બે સપ્તાહમાં ચુંટણીલક્ષી ગાણવો તૈયાર થતા જ એકસામટે તમામને વોરંટ બજવી પાસા તળે અટકાયત કરવામાં આવશે.