ચૂંટણી ઈફેકટ : કચ્છના પર્યટન ઉદ્યોગના તોરણ રણોત્સવને ઝાંખપ

0
34

હાલે આચારસંહિતા અમલી હોઈ રાજકીય નેતા, મહાનુભાવોની મુલાકાત ન થતા મોટા ઝાઝરમાન કાર્યક્રમો પર બ્રેક : ટેન્ટસિટી તેમજ ખાનગી રિસોર્ટોમાં હાલ યોજાઈ રહ્યા છે ખાનગી કાર્યક્રમો

હાલે આચારસંહિતા અમલી હોઈ રાજકીય નેતા, મહાનુભાવોની મુલાકાત ન થતા મોટા ઝાઝરમાન કાર્યક્રમો પર બ્રેક : ટેન્ટસિટી તેમજ ખાનગી રિસોર્ટોમાં હાલ યોજાઈ રહ્યા છે ખાનગી કાર્યક્રમો

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છના પર્યટન ઉધોગને વૈશ્વિક ફલક પર પ્રકાશમાન કરવામાં રણોત્સવે પાયાના પથ્થર સમાન કાર્ય કર્યું છે. રણોત્સવના આયોજનની ખ્યાતી દર વર્ષે વધુને વધુ પ્રસરતી જતી હોઈ દેશ- વિદેશના પ્રવાસીઓ કચ્છ તરફ રીતસરના ખેંચાવા મજબૂર બન્યા છે, ત્યારે હાલે પણ રણોત્સવ ચાલી રહ્યો હોઈ સફેદ રણની મોજ માણવા પર્યટકો ઉમટી રહ્યા છે. જો કે, હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલી હોઈ રાજકીય નેતા, મહાનુભાવોની મુલાકાત બંધ જ છે. ઉપરાંત અન્ય અધિકારી, કર્મચારીઓની પણ રજા પર કાતર ફેરવાઈ હોઈ તેઓ પણ રણોત્સવની મોજ માણવા આવી રહ્યા ન હોઈ એકંદરે કચ્છના પર્યટન ઉદ્યોગના તોરણ રણોત્સવને ઝાંખપ લાગી છે.આ અંગેની વિગતો મુજબ એક સમયે કચ્છની ઓળખ દુકાળિયા અને સુકા મુલક તરીકે સમગ્ર વિશ્વમાં થતી હતી, પરંતુ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રણોત્સવના શરૂ કરેલ આયોજન બાદ પાછલા વર્ષોમાં કચ્છએ પર્યટન ક્ષેત્રના હબ તરીકે ઉપસી આવ્યું છે. પ્રતિવર્ષ રણોત્સવ દરમ્યાન દેશ- વિદેશના હજારો પર્યટકો કચ્છના મહેમાન બને છે. જેના લીધે અન્ય આનુસંગીક ધંધા – રોજગારમાં પણ વધારો થયો છે. દિવાળી વેકેશનને પગલે આ વખતે ર૬ ઓકટોબરથી રણોત્સવ શરૂ થઈ ગયો હતો અને તેનું વિધિવત ઉદ્‌ઘાટન ૩ નવેમ્બરે કરવામાં આવ્યું હતું. જો કે, ઉદ્‌ઘાટનના દિવસે જ રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર કરાતા આચારસંહિતા લાગી ગઈ હતી. આચારસંહિતા લાગુ થતા રાજકારણીઓ તેમજ મોટા ગજાના નેતાઓ ચૂંટણી કામગીરીમાં જોતરાઈ જતા તેઓની રણોત્સવની મુલાકાત બંધ થઈ ગઈ છે.દર વર્ષે રણોત્સવના પ્રારંભથી સાથે જ ન માત્ર ગુજરાત પરંતુ દેશના અન્ય રાજ્યો તેમજ કેન્દ્રના નેતાઓ તેમજ ઉચ્ચાધિકારીઓ પોતાના પરિવાર સાથે રણોત્સવની મોજ માણવા પહોંચી આવતા હોય છે જેને પગલે આવા મહાનુભાવોના મનોરંજન માટે વિવિધ કાર્યક્રમો પણ યોજાતા હોય છે, પરંતુ આ વખતે આચારસંહિતાના પગલે આવા મહાનુભાવો આવી રહ્યા ન હોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા નથી. ટેન્ટ સીટીની અંદર તેમજ અન્ય ખાનગી રિસોર્ટોમાં હાલે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા દર વર્ષે વિવિધ ગ્રુપો તેમજ ઓર્ગેનાઈઝરોને સાથે રાખી વિશાળ પાયા પર કાર્યક્રમો યોજાતા હોય છે તે આ વખતે ન હોઈ રણોત્સવની રોનક ફીકી લાગી રહી છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ રણોત્સવ પોતાનો અસલી રંગ પકડે તેવું હાલે લાગી રહ્યું છે.