ભુજ આઈકોનિક બસપોર્ટના લોકાર્પણ આડે રાજકીય ઈચ્છાશક્તિનું ‘ગ્રહણ’

0
32

હંગામી બસ મથકે અસુવિધાઓ સતત વધી રહી હોઈ પ્રવાસીઓનો નિકળતો ખો : ચૂંટણી પૂર્વેના અંતિમ ખાતમુહૂર્ત – લોકાર્પણના કામોમાં ભુજ બસ પોર્ટનું પણ સમાવેશ થાય તેવી શક્યતા

નિર્માણકાર્ય મહદઅંશે પૂર્ણ થઈ ગયું હોઈ એસટી તંત્ર ઉદ્‌ઘાટનની રાહમાં : વિધાનસભા ચૂંટણી માથે હોઈ પાલિકા કોમ્પલેક્ષની દુકાનો હટાવવાનું નગરપાલિકાના જવાબદારો નથી માની રહ્યા મુનાસીબ

ભુજ : શહેરમાં કરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલા આઈકોનિક બસપોર્ટનું કામ મહદઅંશે પૂર્ણ થઈ ગયું છે. નવા બસપોર્ટનું સત્વરે લોકાર્પણ કરી ત્યાંથી ઓપરેશન શરૂ થાય તે માટે એસટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે પરંતુ વિધાનસભા ચૂંટણી માથે હોઈ પાલિકા કોમ્પલેક્ષની દુકાનો તોડવાનો નિર્ણય જાેખમકારક સાબિત થઈ શકે તેમ હોવાથી વોટબેંક સાચવવા માટે બસપોર્ટના લોકાર્પણ આડે રાજકીય ઈચ્છાશક્તિનું ગ્રહણ નડી રહ્યું છે.

આ અંગેની વિગતો મુજબ શહેરમાં ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સામે આવેલું એસટી મથક ભૂકંપમાં જર્જરીત બન્યા બાદ છેલ્લા દોઢ દાયકા કરતા વધુ સમય પછી જુનું બસ મથક તોડી તેની જગ્યાએ આઈકોનિક બસ પોર્ટના નિર્માણનો નિર્ણય લેવાયો હતો. ર૦૧૭ માં તેનો ખાતમુહૂર્ત કરાયું હતું. કોરોનાના પગલે ડેડલાઈન સતત પછી ઠેલાયા બાદ અંતે હવે કાર્ય મહદઅંશે પૂર્ણ થઈ ગયું છે. જાે કે હવે ચૂંટણી માથે હોઈ કયાંકને કયાંક લોકાર્પણ પાછું ઠેલાઈ રહ્યું હોવાનું ગણગણાટ ઉઠી રહ્યો છે.

એસટી વિભાગના વિશ્વસનીય સુત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આઈકોનિક બસપોર્ટનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. એલીવેશનના ગ્લાસ ફીટીંગ, નાનું મોટું કલર કામ સહિતની કામગીરી હવે બાકી છે. સ્મૃતિવન સાથે બસપોર્ટના લોકાર્પણની પણ શક્યતા હતી, પણ તેનો સમાવેશ થયો ન હતો. બસપોર્ટના ઈન-આઉટ ગેટ પાસેની દુકાનો નડતરરૂપ હોઈ તેને દૂર કરવા પાલિકાને અનેકવખત જાણ કરાઈ હોવા છતાં કોઈ જ નીર્ણય લેવામાં આવ્યો નથી. ર૦૧૮ થી હંગામી બસ મથકમાં ઓપરેશન ચાલી રહ્યું છે. હંગામી બસ મથકમાં હવે અસુવિધાઓ સતત વધી રહી હોઈ પ્રવાસીઓની સાથોસાથ એસટી વિભાગના કર્મચારીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. જેના લીધે આઈકોનિક બસપોર્ટ શરૂ થાય તે હવે જરૂરી બન્યું છે. લોકાર્પણ થયા બાદ એકાદ મહિનામાં જ ઓપરેશન પણ શરૂ કરી દેવું પડે તેમ છે. પરંતુ દુકાનો દૂર કરવાથી વેપારીઓમાં નારાજગી પ્રવર્તે તેમ હોઈ સંભવતઃ ચૂંટણી બાદ જ દુકાનો મુદ્દે નિર્ણય લેવાય તેવી પાલિકાની ગણતરી હોવાનું લાગી રહ્યું છે. જાે કે, ચૂંટણી પુર્વેના અંતિમ લોકાર્પણ ખાતમુહૂર્તના કામોમાં આઈકોનીક બસપોર્ટનો પણ સમાવેશ કરાય તેવી શક્યતાઓ પણ વ્યકત થઈ રહી છે.