હાઈ પ્રોફાઈલ રાપર બેઠક પર વહેલી સવારથી મતદાનનો ધમધમાટ

0
112

ઠંડીના માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારના બુથો પર પ્રારંભથી જ દેખાઈ લાઈનો : રાજકીય – સામાજીક આગેવાનોની સાથોસાથ સંતો – મહંતોએ મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવ્યો : પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોમાં દેખાયો ઉત્સાહ : મુંબઈગરા કચ્છીઓએ માદરે વતનમાં કર્યું મતદાન : સંવેદનશીલ મતદાન મથકો પર દેખાયો ચુસ્ત બંદોબસ્ત : ર૯૩ મતદાન મથકો પર ૧,ર૯,૬૮૩ પુરૂષ અને ૧,૧૭,૭૭૯ સ્ત્રી મળી કુલ્લ ર,૪૭,૪૬૩ મતદારો ૧૧ ઉમેદવારોનું ભાવિ કરી રહ્યા છે ઈવીએમમાં સીલ : ૧૧ કલાક સુધી ૧૮.૧૩ ટકા થયું મતદાન

રાપર : રાપર-૦૬ વિધાનસભા બેઠક પર માંડવી-મુંદરાના ધારાસભ્ય અને હરીફ ઉમેદવાર તરીકે વર્તમાન ધારાસભ્યના પતિ વચ્ચે સીધો ચૂંટણી જંગ હોઈ આ બેઠક ઉમેદવારો જાહેર થયા બાદથી જ હાઈપ્રોફાઈલ બની ગઈ હતી. ચૂંટણી પ્રચાર દરમ્યાન પણ જિલ્લાના અન્ય વિસ્તારોની તુલનાએ અહીં ભારે ઉત્સાહ અને પ્રમાણમાં કાંટે કી ટક્કર સમાન માહોલ જોવા મળી રહ્યો છે. વાગડના મતદારોની તાસીર પારખવી સામાન્ય રીતે ઉમેદવારો અને પક્ષો માટે અટપટી બની રહેતી હોય છે, ત્યારે આજે લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં મતરૂપી આહૂતિ આપવા માટે રાપર બેઠકના મતદારોમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ એક કલાકમાં ૪.૩પ ટકા મતદાન થયું હતું.રાપર વિધાનસભા બેઠક પર ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. આ બેઠક કબજે કરવા માટે ભાજપે ક્ષત્રિય સમાજના કદાવર નેતા એવા માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે તો બીજીતરફ કોંગ્રેસે પોતાની વિજયગાથા આગળ ધપાવવા માટે આ બેઠકના વર્તમાન ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠીયાને ટિકીટ ફાળવતા બળુકા ઉમેદવારોના પગલે આ બેઠક ભારે હાઈ પ્રોફાઈલ બની ગઈ છે. રાપર બેઠક પર મુંબઈગરા કચ્છી મતદારોનું પણ પ્રભુત્વ સારા પ્રમાણમાં હોઈ મુંબઈ વસતા મતદારોને આકર્ષવા માટે પણ એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. જિલ્લામાં રાજકીય ગરમાવા વચ્ચે ઠંડી પણ પક્કડ જમાવી રહી છે, ત્યારે આજે સવારના આઠ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થવા સાથે જ શહેરી બુથોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારના બુથો પર મતદારોની હાજરી વધુ જોવા મળી હતી. રાજકીય – સામાજીક આગેવાનોની સાથોસાથ સંતો – મહંતોએ મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવ્યો હતો. પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મુંબઈગરા કચ્છીઓએ માદરે વતનમાં મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવ્યું હતું. રાપર વિધાનસભાના ર૯૩ મતદાન મથકો પર ૧,ર૯,૬૮૩ પુરૂષ અને ૧,૧૭,૭૭૯ સ્ત્રી મળી કુલ્લ ર,૪૭,૪૬૩ મતદારો ભાજપ, કોંગ્રેસ, આપ સહિત મુખ્ય રાજકીય પક્ષો તેમજ અપક્ષ મળી ૧૧ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરી રહ્યા છે. સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ જંપલાવ્યું હોઈ મતદારોને આકર્ષવામાં આપ કેટલી સફળ થાય છે અને કોની વોટબેંક પર અસર પાડશે તે તો ૮મીએ જ ખબર પડશે.રાપર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના અનેક બુથો પર મતદાનના પ્રારંભથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. પ્રથમ એક કલાકમાં રાપરમાં ૮૩ર૩ પુરૂષ અને ર૪૩૯ મહિલા મળી ૧૦૭૬ર મતદારોએ મતદાન કરતા મતદાનની ટકાવારી ૪.૩પ ટકા રહી હતી.તો ૯ થી ૧૧ વાગ્યા દરમ્યાન મતદાનની ટકાવારી ઉંચકાઈને ૧૧ વાગ્યાના અંતે કુલ્લ ૧૮.૧૩ ટકા મતો પડયા હતા.રાપરના પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ અંબાવીભાઈ ધરમશી વાવિયાએ મતદાન કરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાપર સહિત ગુજરાતમાં ભગવો લહેરાશે. રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નવલબેન બાંભણીયાએ સજોડે મતદાન કર્યું હતું. રાપરના વોર્ડ નં. ૭માંથી પુનાભાઈ અદાભાઈએ રાપર હાઈસ્કૂલ મધ્યે પોતાના પરિવારના મહિલાની મદદથી ટ્રાઈસીકલ દ્વારા મતદાન કરવા પહોંચ્યા હતા અને તમામ મતદારોને અચુક મતદાન કરવા અપીલ કરી હતી. રાપર શહેરની જૂની પ્રાથમિક શાળા તથા સરકારી હાઈસ્કૂલ મધ્યે સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી.

વાગડના અટકી ગયેલા વિકાસને વેગ આપવાનો અવસર : વિરેન્દ્રસિંહ જાડેજા

કચ્છવાસીઓને ભાજપના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા કરી અપીલ

રાપર : વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાાએ વાગડ વિસ્તારના મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, લોકશાહીના મહાયજ્ઞમાં પોતાના મતરૂપી આહૂતિ આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથને મજબૂત કરીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં ફરી એક વખત જંગી બહુમતિથી ભાજપનું શાસન આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાપર વિસ્તારના અટકી ગયેલા વિકાસને વેગવાન કરવા ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે સમગ્ર કચ્છવાસીઓને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરી તમામ છ બેઠકો પર જંગી લીડ સાથે જીત અપાવવા અનુરોધ કર્યો હતો.

રાપર સહિત ગુજરાતમાં કોંગ્રેસનો જય જયકાર થશે : ભચુભાઈ આરેઠીયા

રાપર : રાપર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ ધરમશીભાઈ આરેઠીયાએ આજરોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જણાવ્યું હતું કે, રાપર સહિત ગુજરાતમાં કોંગ્રેસનો જય જયકાર થશે. કોંગ્રેસ તરફી મતદાન કરવા મતદારોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. લોકશાહીના પર્વને ઉજવવા માટે મતદાનના પ્રારંભથી જ મતદારો મતદાન મથક પર બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સંતોકબેન આરેઠીયાએ જણાવ્યું કે, રાપર સહિત ગુજરાતભરમાં કોંગ્રેસ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. રાજયમાં આગામી કોંગ્રેસની સરકાર બનશે તેવો મક્કમ વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો.