નગરપાલીકાના ભ્રષ્ટાચારના કારણે : ગાંધીધામમાં કેજરીવાલની સભાને ઐતિહાસીક સફળતા

0
44

  • ગાંધીધામમાં કેજરીવાલની જનસભામાં જનસૈલાબ ઉમટયો :કંડલા કોમ્પલેક્ષમાં આપ તરફના જોરદાર અન્ડરકરંટના દર્શન

  • ગુજરાતનો ગઢ ફતેહ કરવા કેજરીવાલનો ગાંધીધામમાં શંખનાદ

ગુજરાતની સરકાર અમારાથી કે, આમઆદમી પાર્ટી કે પછી કેજરીવાલથી નથી ગભરાતી કે ડરતી, પરંતુ આવી સભાઓમાં આટલી વિશાળ સંખ્યામાં જે આપ બધાય સ્વયં ભુ હાજર રહો છો ને, તેનાથી વધારે ડરે છે,
વૃક્ષ પણ પાંદડા વરસમાં એક વાર ખંખેરી નાખે છે, તો ગુજરાતમાં તો તમે ર૭-ર૭ વર્ષથી એક જ સરકારને સાચવ બેઠા છો, એક મોકો તો આપો કેજરીવાલને..! શ્રી ભગવત માન(સીએમ પંજાબ)

કચ્છનો જે ફેંસલો હોય છે તે જ ગુજરાતને શિરોમાન્ય હોય છે, આ વખતે કચ્છવાસીઓ પરિવર્તન કરવાનો નિર્ણય લઈ દેખાડજો : ઈશુદાનભાઈ ગઢવી

આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગાંધીધામમાં વિશાળ જનસભા સંબોધી : સત્તાધારી ભાજપ પક્ષ પર બન્ને મુખ્યમંત્રીઓએ વરસાવ્યા શાબ્દીક ચાબખા : બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો, ખેડૂતોની સમસ્યા સહિતના મુદ્દે સરકારને ઘેરી : ઈશુદાનભાઈ ગઢવી, માંડવી બેઠકના ઉમેદવાર કૈલાશભાઈ ગઢવી-યુવરાજસિહ જાડેજાએ પણ ઉદબોધનમાં ભાજપ પર વરસાવ્યા શાબ્દીક ચાબખાં

ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સામાન્ય ચૂંટણીનું એલાન પણ આગામી સમયમાં થવાનું છે ત્યારે ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે સત્તાધારી ભાજપ પક્ષ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. આપના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે ત્યારે તેમણે આ પ્રવાસનો પ્રારંભ કચ્છ જિલ્લાથી કરી જિલ્લાના ઔદ્યોગીક પાટનગર એવા ગાંધીધામમાં વિશાળ જનસભાને સંબોધી સતાધારી ભાજપ પક્ષને બરાબરના આડેહાથ લીધા હતા.ગાંધીધામની સથવારા કોલોની ખાતેની માર્કેટ (ડીપીટી) ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધતા આપના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા શાબ્દીક પ્રહારો કરતા જણાવ્યું કે, ગુજરાત રાજયમાં અઢી દાયકા કરતા વધુ સમયથી ભાજપનું શાસન છે છતાં લોકોની સુખાકારીમાં કોઈ જ વધારો થયો નથી. શિક્ષણ, આરોગ્ય, રોજગારી સહિતના મુદ્દે આમ પ્રજાને હાલાકી જ ભોગવવી પડી રહી છે. ભાજપના રાજમાં માત્રને માત્ર ગણ્યા ગાંઠયા ઉદ્યોગપતિઓનો જ વિકાસ થયો છે. પ્રજાના ટેકસના પૈસાથી માનીતાઓ લાભ મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં સરકાર બનતા જ મોટી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. તમામ ભરતીમાં વેઈટીંગ લીસ્ટ બનાવીશું જે એક વર્ષ માટે ચાલુ રહેશે. તમામ સરકારી પરીક્ષા આપવા જનાર ઉમેદવારો માટે સરકારી બસ ફીની વ્યવસ્થા કરાશે. રાજ્યમાં ૮૦ ટકા પ્રાઈવેટ નોકરીઓ ગુજરાતના બાળકો માટ રિઝર્વ રાખવામાં આવશે. રાજ્યમાં હાલે ચાલી રહેલા કર્મચારી આંદોલનો વિશે તેમણે કહ્યું કે, કર્મચારીઓ આંદોલન કરીને બદલાવ ઈચ્છી રહ્યા છે. કોઈપણ રાજ્યમાં સરકાર લાવી કે હરાવી તે કર્મચારીઓના હાથમાં છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. આપની સરકારમાં તમામ વર્ગ અને ક્ષેત્રના લોકોને ન્યાય આપવામાં આવશે.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સભાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી જે વચન આપે છે તે પૂર્ણ કરે છે. દિલ્હી અને પંજાબના લોકોએ તે જોયું છે. ભાજપ પર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા જે વચનો અપાય છે તેને ભાજપના લોકો રેવડી કહે છે. લોકોના ટેકસના પૈસા લોકો માટે વપરાય તો તે ફ્રીની રેવડી કેવી રીતે કહેવાય. ? તેવો વળતો પ્રહાર કર્યો હતો. શિક્ષકો દેશના બાળકોનું ભવિષ્ય ઘડે છે પરંતુ ગુજરાતના શિક્ષકોનું જ ભવિષ્ય સુરક્ષિત નથી. અંગ્રેજોએ ર૦૦ વર્ષમાં નથી લૂંટ્યો એટલો આઝાદી પછી આપણા લોકોએ જ દેશને લૂંટ્યો છે. દરેક વ્યક્તિના ખાતામાં ૧પ લાખ આપવાનો પાપડ કોણે વહેંચ્યો હતો ? તેવો સવાલ કરી તેમણે આડકતરી રીતે ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેઓએ કહ્યુ કે, આ ગુજરાતની સરકાર અમારાથી નહી, કેજરીવાલથી નહી, પણ જંગી સભાઓ યોજાય, લોકો વિશાળ સંખ્યામાં હાજર રહે છે તેનાથી ડરે છે. ર૭ વર્ષથી ગુજરાતમા લોકેાનુ કામ નથી થતુ તો કેમ ભાજપને હજુય સાચવો છો? વૃક્ષ પણ પત બદલી નાખે છે તો આ વખતે ગુજરાતની પ્રજા પણ પરીવર્તન કરી દેખાડે. શ્રી માને પંજાબી લોકો જે હાજર હતા તેઓએ પણ આગવી ભાષામાં સંબોધન કર્યુ હતુ. ગુલામીમાથી આઝાદ થવુ હોય તો અમને મત આપજો, નહી તો ભાજપને જ હજુય મતો આપજો તેમ શ્રી માને કહ્યુ હતુ.આ તબક્કે ગુજરાત આમઆદમી પાર્ટીના ઈશુદાનભાઈ ગઢવીએ પ્રવચનમાં કહ્યુ હતુ કે, જે નિર્ણય કચ્છ લે છે તે જ ગુજરાતનો હોય છે. એટલે આ વખતે ગુજરાતમાં પરીવર્તન જરૂરથી લાવજો. ઈશુદાને કહ્યુ કે, જો આપની સરકાર બની તો કચ્છમાં સારામાં સારી હોસ્પિટલનું નિર્માણ કરવમાં આવશે. માંડવી-મુંદરા વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર એવા કૈલાસદાન ગઢવીએ સભામાં સત્તાધારી પક્ષ ભાજપ પર ચાબખા વરસાવતા જણાવ્યું કે, ગુજરાતમાં સત્તા સ્થાને બેઠેલી ભાજપ સરકાર રાજ્યના વિકાસ મોડેલને દેશભરમાં પ્રોજેકટ કરી કેન્દ્રમાં પણ શાસન ધુરા હસ્તગત કરી લીધી છે. દરેક ચૂંટણીમાં ગુજરાતને જ આગળ કરી મતો માંગવામાં આવતા હોય છે. જો કે, અત્યંત જરૂરી અને ભાવિ પેઢીના ઘડતર માટે મહત્વના એવા શિક્ષણ ક્ષેત્રે જ અનેકવિધ ત્રુટીઓ જણાઈ રહી છે. શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. ગુજરાતને દેશનું અને કચ્છને ગુજરાતનું ગ્રોથ એન્જીન ગણાવાઈ રહ્યું છે, પરંતુ આ સરહદી જિલ્લામાં શિક્ષણની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઈ રહી છે. ગુજરાતમાં પાછલા અઢી દાયકા કરતા વધુ સમયથી ભાજપનું શાસન છે. ભાજપના શાસનમાં પાછલા લાંબા સમયથી સરકારી શાળાઓની સરખામણીએ ખાનગી શાળા અને કોલેજોને વધુ પડતું પ્રાધાન્ય અપાતું જઈ રહ્યું હોઈ શિક્ષણનું પણ દિન પ્રતિદિન ખાનગીકરણ થઈ રહ્યું છે. શ્રી ગઢવીએ વધુમાં કહ્યું કે, બાળકોને ઈન્જીનીયર, ડોકટર, સીએ, આઈએએસ, આઈપીએસ બનાવવા માંગતા હો તો આમ આદમી પાર્ટીને જ મત આપજો. આપ દ્વારા લોકહિતાર્થના અપાતા વચનોને ભાજપ રેવડી કહે છે, જે કેટલા અંશે યોગ્ય કહી શકાય ? તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. આરોગ્ય, શિક્ષણ, રોજગાર સહિતના મુદ્દે પણ તેમણે ભાજપને આડેહાથ લીધી હતી. કૈલાસદાનભાઈએ ઉમેર્યું કે, આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં જે પણ વચનો આપ્યા હતા તે પુરા કરી રહી છે. ભાજપ સરકારના રાજમાં ઉદ્યોગપતિઓને પાણીના ભાવે પધરાવી લાગતા વળગતાઓને કરોડોનો ફાયદો કરાવ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ભ્રષ્ટાચારીઓ સામે કડક હાથે કામ લઈ રાજ્યની પ્રજાને વધુમાં વધુ ફાયદો થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. વધુમાં શ્રી ગઢવીએ નર્મદા મુદ્દે કહ્યું કે, નર્મદાના નામે વર્ષોથી રાજનીતિ ચાલી રહી છે. દર ચૂંટણી વખતે એકાદી કેનાલનું ઉદ્‌ઘાટન કરી ધરતીપુત્રો સહિત કચ્છીલોકોને ઉંધા ચશ્મા પહેરાવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતને નર્મદાનું વધારાનું પાણી મળી ગયું છે પરંતુ કચ્છ માટે માત્રને માત્ર વાતો જ થઈ રહી છે. જિલ્લામાં પેટા કેનાલ અને માઈનોર કેનાલના કામો થઈ ગયા ન હોઈ સિંચાઈ માટે ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહ્યું નથી, જેના લીધે નર્મદા નીરનો ઉપયોગ કરી શકતા નથી. આયોજનની કમીના લીધે આ સ્થિતિ સર્જાઈ છે. કેનાલ નિર્માણમાં નબળું કામ કરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારના લીધે જ પાણી છોડાતા કેનાલો તુટી પડે છે. કેનાલ નિર્માણથી સરકાર અને તેના મળતિયાને ફાયદો થયો છે. રાજયમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ર૦ર૪ પહેલા કચ્છમાં નર્મદાનું વધારાનું પાણી લઈ આવવાનો ટાર્ગેટ રહેશે તેવું ઉમેર્યું હતું.યુવરાજસિંહ જાડેજાએ ભાજપ સરકાર પર ચાબખા વરસાવતા જણાવ્યું કે, રાજ્યમાં ડબલ એન્જીન નહીં પરંતુ ડબલ રીમોટથી ચાલનારી સરકાર છે. રાજ્ય સરકારના જવાબદારો ચીઠ્ઠીના ચાકર છે. કેન્દ્રમાંથી જે આદેશ મળે છે તેને જ અનુસરવામાં આવે છે. પેપરકાંડ વિશે કહ્યું કે, ર૦૧૪ થી પેપર ફુટવાની શરૂઆત થઈ હતી, જે હજુ સુધી ચાલુ છે. પેપરકાંડ મુદ્દે રાજ્ય સરકાર જ જવાબદાર હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આ સભામાં નીલેશ મહેતા, જીતુભાઈ, સંજય સરીયાલા, કાયનાથ અંસારી, છાયા ચૌહાણ, પીયુષ ગજ્જર સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો ઉપરાંત આમ પ્રજા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.