રાપરના સેલારીથી અમદાવાદ પરણેલી યુવતીના ચારિત્ર્ય અંગે શંકા સેવી અપાયો ત્રાસ

પરિણીતાનો પુત્ર તેના પતિ સિવાય અન્ય કોઈનો હોવાની શંકાએ ઘરમાંથી બહાર કાઢી મુકતા નવ સામે ફોજદારી

(ક્રાઈમ પ્રતિનિધિ)રાપર : તાલુકાના સેલારી ગામની યુવતીના લગ્ન અમદાવાદના ઘાટલોડિયામાં થયા હતા. યુવતીના સાસરિયાઓ દ્વારા તેના ચારિત્ર્ય અંગે ખોટા શક વ્હેમ રાખી શારીરિક – માનસિક ત્રાસ આપી ઘરમાંથી બહાર કાઢી મુકતા રાપર પોલીસ મથકે અમદાવાદ, પાટણ અને મુંબઈમાં રહેતા સાસરિયા પરિવારના નવ સભ્યો સામે ગુનો નોંધાયો
હતો.પ્રાપ્ત વિગતો મુજબ કૈલાસબેન કાર્તિકભાઈ ઉમરાણીયા (ઉ.વ.ર૯) નામની પરિણીતાએ તેના પતિ કાર્તિક ચમનલાલ ઉમરાણીયા, સાસુ – સસરા હીરાબેન અને ચમનલાલ ઉમરાણીયા, ચંદ્રિકાબેન કરશનભાઈ ઉમરાણીયા, મુન્નાભાઈ ઉમરાણીયા (રહે. પાંચેય ઘાટલોડીયા, ડમરૂ સર્કલ, અમદાવાદ) તેમજ મુળ ફતેહગઢના અને અંધેરી મુંબઈમાં રહેતા જયશ્રીબેન સંતોકભાઈ તેમજ સંતોકભાઈ અને પાટણમાં રહેતા પધુબેન દિનેશભાઈ તેમજ દિનેશભાઈ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યોે હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી બહેન સેલારી જેવા નાનકડા ગામના હોઈ તેના ચારિત્ર્ય બાબતે શંકા સેવીને અવારનવાર શારીરિક – માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ તેનો પુત્ર દેવાંશ જે તેના પતિ સિવાય અન્ય કોઈનો પુત્ર હોવાની શંકાએ પરિણીતાને માર મારી ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી હતી. બનાવને પગલે ભોગગ્રસ્ત પરિણીતાએ રાપર પોલીસ મથકે ગુનો નોંધાવતા પીએસઆઈ એચ. એમ. પટેલે આગળની તપાસ હાથ ધરી છે.