દિવાળી સુધરી : રેશન કાર્ડધારકોને સસ્તા ભાવે ખાંડ – તેલનું વિતરણ શરૂ

0
38

ખાસ તહેવાર નિમિત્તે વ્યાજબી ભાવની દુકાનો પરથી રૂા. ૧પ માં એક કિલો ખાંડ અને રૂા. ૧૦૦ માં મળી રહ્યું છે સીંગતેલ : જો કે, ઘણા સ્થળોએ કાર્ડધારકોની અજાણતા અને રાશન લેવા જતા ન હોઈ આ માલ કરી દેવાય છે સગેવગે

(બ્યુરો દ્વારા)ભુજ : સરકાર દ્વારા તહેવારો દરમ્યાન અનાજ ઉપરાંત સસ્તા ભાવે ખાંડ – તેલનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે હાલમાં દિવાળી પર્વને અનુલક્ષીને રાશનકાર્ડ ધારકોને સસ્તા ભાવે ખાંડ અને તેલનું વિતરણ કરવાની જાહેરાત કરાઈ હતી, ત્યારે તેની કચ્છ જિલ્લામાં અમલવારી શરૂ કરી દેવાઈ છે.આ અંગેની વિગતો મુજબ રાજયના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીમાં વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલ રાહતદરે વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરાઈ હતી. જેમાં અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને એક કિલો વધારાની ખાંડ અનુક્રમે રૂા. ૧પ અને રૂા. રર પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવશે. ઉપરાંત પ્રતિ કુટુંબ એક લીટર સીંગતેલ રૂા. ૧૦૦ના ભાવથી અપાશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમય મર્યાદા ત્રણ માસ એટલે કે, ડિસેમ્બર ર૦રર સુધી વધારવામાં આવતા એનએફએસએ કાર્ડ ધરાવતા લોકોને રેગ્યુલર અનાજથી સાથે પ્રતિ વ્યક્તિ દીઠ એક કિલો ઘઉં અને ૪ કિલો ચોખા વધુ આપવામાં આવશે. પણ મહત્વની વાત એ છે કે, ઘણા કાર્ડ ધારકો રાશન લેવા જતા નથી તેમજ ઘણાને જાણ હોતી નથી, જેથી તેમના ભાગનું અનાજ અને ખાંડ – તેલનો જથ્થો બારોબાર સગેવગે કરી દેવામાં આવે છે. તો ઘણી વખત રેશનકાર્ડના સંચાલકો ગરીબ અને મધ્યમ વર્ગીય વ્યક્તિ રાશન લેવા આવે ત્યારે તેલ અને ખાંડનો જથ્થો ખુટી પડયા છે તેમ કહી નિરાસ કરી ઘરે મોકલી તેમના હક્કનું અનાજ બારોબાર વેચી દેતા હોવાના કિસ્સા પણ બની ચુકયા છે. અવારનવાર સરકારી અનાજનું કૌભાંડ પકડાય છે ત્યારે દરેક કાર્ડ ધારકોએ પોતાના હક્કનો અનાજ હક્કથી મેળવવું જોઈએ અને જો અનાજ ન આપે તો ઉપલી કક્ષાએ ફરિયાદ કરવી જોઈએ તો જ ધાનની કાળાબજારી અટકશે.