દિપાવલી પર્વ : કચ્છની ટ્રેનોમાં હાઉસફુલના પાટિયા

0
42

એડવાન્સ બુકીંગ માટે અત્યારથી ભારે ધસારો : વેકેશન ઉપરાંત તહેવારોના પગલે કચ્છ મુંબઈ વચ્ચે દોડતી કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી સહિતની ટ્રેનોમાં વધતું વેઈટીંગ : નવરાત્રીને પગલે મુંબઈગરાઓ માદરે વતન આવ્યા હોઈ અત્યારથી ટ્રેનોમાં જોવા મળી રહ્યો છે ટ્રાફિક : હવાઈ મુસાફરોની સંખ્યામાં સારો એવો વધારો

ભુજ : નવલા નોરતાની સાથે તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. દિવાળીને આડે એક માસ કરતા ઓછો સમય બાકી રહ્યો હોઈ દિપોત્સવી, નૂતન વર્ષ સહિતના પર્વો માટે પણ લોકો સજ્જ બની રહ્યા છે. દિવાળીની સાથે કચ્છમાં પ્રવાસન ઉદ્યોગની મોસમ પણ શરૂ થશે ત્યારે અત્યારથી જ આ માટે બુકીંગ શરૂ થઈ ગયા હોઈ કચ્છની ટ્રેનોમાં દિપોત્સવી પર્વ દરમ્યાન હાઉસફુલના પાટિયા જોવા મળી રહ્યા છે. એડવાન્સ બુકીંગ માટે ભારે ધસારો હોઈ કચ્છ એકસપ્રેસ, સયાજીનગરી સહિતની ટ્રેનોમાં વેઈટીંગ વધતું જઈ રહ્યું છે.આ અંગેની વિગતો મુજબ કચ્છીજનો ધંધા – રોજગાર અર્થે દાયકાઓથી મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા છે. અન્ય રાજ્યોમાં પણ કચ્છીઓની સંખ્યા નોંધપાત્ર છે. વાર તહેવારો તેમજ વેકેશન દરમ્યાન આ લોકો માદરે વતન આવતા હોય છે. તેવી જ રીતે કચ્છમાં સ્થાયી થયેલા પરપ્રાંતિય લોકો પણ પોતાના વતન તરફ ડગ માંડતા હોય છે. જેના લીધે ઉનાળુ તેમજ દિવાળી વેકેશન દરમ્યાન કચ્છની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળતો હોય છે. આ સરહદી જિલ્લો પર્યટન ઉદ્યોગના હબ તરીકે ઉપસી આવ્યો છે ત્યારે દર વર્ષે દિપોત્સવી પર્વની સાથોસાથ પર્યટન ઉદ્યોગના મહાપર્વ એવા રણોત્સવનો પણ
પ્રારંભ થતો હોઈ પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં કચ્છની મુલાકાતે આવતા હોય છે. આગામી ર૧ ઓકટોબરથી દિપોત્સવીના પંચપર્વનો પ્રારંભ થશે. તો ર૬ ઓકટોબરથી રણોત્સવનો પણ ધમધમાટ શરૂ થશે.દિપોત્સવી પર્વ ઉપરાંત પર્યટનની મોસમના પગલે અત્યારથી જ બુકીંગ શરૂ થઈ ગયા હોઈ કચ્છથી મુંબઈ જતી તેમજ અન્ય વિસ્તારોને જોડતી ટ્રેનોમાં બુકીંગ માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દિપોત્સવી પર્વના દિવસોમાં તો વેઈટીંગની સ્થિતિ પણ સર્જાઈ છે. ટ્રેન ઉપરાંત હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ અત્યારથી જ વધારો થયો છે. નવરાત્રીને પગલે મુંબઈગરાઓ માદરે વતન આવ્યા હોઈ અત્યારથી ટ્રેનોમાં સારા પ્રમાણમાં ટ્રાફિક મળી રહ્યો છે.