માતાનામઢમાં રવિવારે શ્રદ્ધાળુનો ઘોડાપુર ઉમટ્યો

0
61

  • અજ આશાપુરાજી આઈ રમધા રાસ જડેં… ડસીં દેવી જો દરબાર

પરોઢે ચાર વાગ્યાથી લાંબી લાઈનો લાગી, લાખો માઈભક્તો શીશ નમાવ્યું : જાગીર શાખાની ગેટ નં.૩-૪ પાસે ગટર ઉભરાતા ભાવિકોમાં રોષ : પ્રાંત અધિકારી મા.મઢની મુલાકાત લીધી

આજે ઘટ સ્થાપના સાથે નવરાત્રિના મંગલાચરણ થશે : સોમવારે ઓસ્માણ મીર રાસ-ગરબાની રમઝટ બોલાવશે : મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યો : ચોથા નોરતે મોદી આરતીના દર્શન કરશે : વાહનોના ખડકલાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ

નખત્રાણા : માતાનામઢે આજે રવિવાર રજાનો દિવસ હોતા સરકારી કર્મચારી રજાને ધ્યાને લઈ આજે માતાનામઢે સવારથી જ લાખો માઈભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો. અમાસના રેકોર્ડ બ્રેક ધારણા મુજબની શ્રદ્ધાળુની સંખ્યા ઉમટી પડતા માતાજીનો પરિસર શ્રદ્ધાળુથી છલકાઈ ગયો હતો. માતાજીના દર્શને મોટી-મોટી લાઈન લાગી હતી. તો જાગીર શાખાની ગટર યોજના ગેટ નં.૩-૪ પાસે છલકાઈ જતા દુર્ગંધ મારતા યાત્રાળુને નાકે રૂમાલ બાંધવાની અને પગે વસ્ત્ર થોડા ઉંચા કરવાની ફરજ પડી હતી. ગટર યોજના લઈ શ્રદ્ધાળુમાં રીતસર નારાજગી જોવા મળી હતી.
આ બાબતે સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાને પૂછતા તેમણે કહ્યું કે, જાગીર શાખાની ગટર છે પણ ગ્રા.પં. માનવતાની દૃષ્ટીએ તેમના સફાઈ કામદારની ટીમ લગાડીને યુદ્ધના ધોરણે કામ આદર્યું છે. બપોર પછી સફળતા મળે તેવી વકી છે. બાકી ગેટ નં.૩-૪ ઉપર નદીના પાણીનો વહેણ સતત અડચણ ઉભી કરે છે. ભવિષ્યમાં આ બાબતે વિચારણા કરીને જાગીર શાખા, ગ્રા.પં. સાથે સંકલન સાધી કાયમી ઉકેલ લાગે તે જરૂરી છે અને જાગીર શાખાએ પણ સફાઈ કામદારની ટીમ સ્ટેન્ડ બાય રાખવી જોઈએ જેથી આવા પ્રોબ્લમ ઉભા થાય તો તાકિદે સાંધા આપી શકાય.આજે માતાનામઢની પ્રાંત અધિકારી ડો. મેહુલકુમાર બરસરા મુલાકાત લીધી હતી અને ગ્રા.પં. સહિત તમામ કચેરી આરોગ્ય, એસ.ટી., પોલીસ, પંચાયત, મહેસુલ, માર્ગ-મકાના તમામ કચેરીની કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો. સુંદર આયોજન માટે ગ્રા.પં.ની ટીમ તથા કચેરીના સ્ટાફનો આભાર માન્યો હતો.આજે રાત્રે ઘટ સ્થાપના સાથે નવરાત્રિ મહોત્સવનો વિધિવત પ્રારંભ થશે. રાજાબાવા યોગેન્દ્રસિંહજી જાગીર શાખા ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, વિનુભાઈ સોલંકી સહિત ઉપસ્થિતમાં ઘટ સ્થાપના થશે. સોમવારે રાત્રે ઓસ્માણ મીર દ્વારા રાસ-ગરબાની રમઝટ જામશે. ગેટ નં.પ ગ્રા.પં.ના મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. જેનું પ્રાંત અધિકારી સહિત ટીમે નિરીક્ષણ કર્યું હતું. તેવું તલાટી અજયસિંહ ગોહિલે કહ્યું હતું. મામલતદાર પાર્થ જયસ્વાલ, દિનેશ મહેશ્વરી, રોનક જોષી વગેરે સાથે રહ્યા હતા. ચોથા નોરતે તા.ર૯/૯ના વડાપ્રધાન ગુજરાત મુલાકામે છે તેમાં જીએમડીસી ખાતે વાઈબ્રન્ટ મહાઆરતીનું આયોજન થયું છે તે સાથે માતાનામઢ મંદિરે વડાપ્રધાન ટેકનોલોજીના માધ્યમથી મહાઆરતીના દર્શનનો લાભ લેશે. તે માટે કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યા છે. રોશનીથી ઝબકતા મંદિરનો રાત્રી નજારો અનેરી આભામાં નિરખી રહ્યો છે. માતાજીના અન્નક્ષેત્રમાં ર૪ કલાક મહાપ્રસાદ ભોજન પીરસાઈ રહ્યો છે. રસોઈયા, કાર્યકરોની ટીમ ખડેપગે સેવા આપે છે. ટ્રાફિકની સમસ્યા સર્જાતા પોલીસ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય માતાજીના દર્શન કર્યા હતા. જાગીર શાખા, ગ્રા.પં. તેમનું સન્માન કર્યું હતું.

ભુજ આશાપુરા મંદિરે આજે સાંજે ઘટ સ્થાપન

આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ : પાંચમના મહારાણી પ્રીતીદેવીના હસ્તે ચામરપૂજન : સાતમના હવનનો કાર્યક્રમ યોજાશે : આઠમના રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજા પત્રી પૂજા કરશે

ભુજ : આસો નવરાત્રીના પાવન પ્રસંગે શહેરના આશાપુરા મંદિરે આજે મંદિરમાં સાંજે ૭.૧પ કલાકે ઘટ સ્થાપન કરાશે. આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ જશે. દસ દિવસ આશાપુરા મંદિરે હજારો ભક્તો માં પાસે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવશે. આજે સાંજે આશાપુરા મંદિરના મુખ્ય પૂજારી જનાર્દનભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્તવિધિથી ઘટ સ્થાપન કરવામાં આવશે. મંદિરમાં શુક્રવારે ૩૦-૯ના પાંચમાં નોરતે કચ્છ રાજવી પરિવારના મહારાણી પ્રિતીદેવીના હસ્તે સવારે ૯ વાગ્યે ચામર પૂજન કરવામાં આવશે, ત્યારબાદ ટીલામેડી પ્રાગમલ પેલેસ, દરબારગઢથી સવારે ચામર યાત્રા માતાનામઢ જવા પ્રયાણ કરશે. તા. ર-૧૦ના રવિવારે સાતમાં નોરતે પૂજારી જનાર્દનભાઈ દવેના હસ્તે સવારે ૯ વાગ્યે હવનનો પ્રારંભ કરાવાશે, જેની સાડા બાર વાગ્યે પૂર્ણાહૂતિ કરવામાં આવશે. તા. ૩-૧૦ના સોમવારે આઠમના દિવસે મહારાણી પ્રિતીદેવીના આદેશ મુજબ રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજાના હસ્તે માતાજીની પત્રી પૂજા, જાતર ચડાવવાની પૂજા વિધિ સવારે કરવામાં આવશે, ત્યાર બાદ ભાવિકોને નૈવેદ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તા. પ-૧૦ના બુધવારે વિજયાદશમીના દિવસે સાંજે સાડા છ વાગ્યે સમીપુજન કરવામાં આવશે. તા. ૯-૧૦ના શરદપૂર્ણિમાના દિવસે સુવર્ણ કળશ પાટોત્સવ મહાયજ્ઞ નિમિત્તે સવારે ૯ વાગ્યે હવનનો પ્રારંભ કરાશે. બપોરે ૧ર.૩૦ કલાકે તેની પૂર્ણાહૂતિ કરાશે તેવું આશાપુરા મંદિર ટ્રસ્ટ અને સમિતિની યાદીમાં જણાવાયું છે.