ઉદ્યોગપતિઓનો વિકાસ એ કચ્છનો વિકાસ ગણાય નહીં : શક્તિસિંહ ગોહિલ

0
68

અંજાર ખાતે કોંગ્રેસની સંકલ્પ પરિવર્તન યાત્રામાં રાજ્યસભા સાંસદના ભાજપ પર આકરા પ્રહાર : કચ્છવાસીઓના સાચા અર્થમાં વિકાસ માટે સકારાત્મક એજન્ડા સાથે કોંગ્રેસ કરશે પ્રયાસ : રાજ્યમાં સત્તા પરિવર્તન માટે અંજારવાસીઓને કર્યું આહવાન

અંજાર : છેલ્લા બે દાયકાથી વધુનો સમય થયો છે. રાજ્યમાં ભાજપની સરકાર બેઠી છે. સરકાર વિકાસના અનેક પોકળ દાવાઓ કરે છે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ભાજપના શાસનમાં માત્ર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે. પણ કચ્છવાસીઓ વિકાસથી વંચિત રહ્યા છે તેવું રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અંજાર ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ ગાત્રા દરમ્યાન સંબોધન કરતાં જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો કચ્છમાં ગરીબો અને શ્રીમંતો વચ્ચે વધી ગયેલા અંતરને ઓછુ કરવામાં આવશે. સકારાત્મક એજન્ડા સાથે કોંગ્રેસ કચ્છીમાડુઓની સ્થિતિમાં સુધાર માટે સતત પ્રયત્નશીલ રહેશે. કચ્છમાં દરેક ખેતર સુધી નર્મદાના નીર પહોંચે તે માટે પણ પ્રયાસો કરશે. આ પ્રસંગે તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચાતેલની કિંમતો ઘટી હોવા છતાં પ્રજાજનો ઉંચી કિંમતે ઈંધણ ખરીદવા મજબૂર બને છે. કેન્દ્રમા જયારે કોંગ્રેસનું શાસન હતુ, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડઓઈલના ભાવ ભડકે બળતાં હતા, છતાં કયારેેય પેટ્રોલની કિંમતો ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ન હતી. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમણે સત્તા પરિવર્તન કરી કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા આજે બીજા દિવસે અંજાર ખાતે પહોંચી હતી. કોંગ્રેસના આગેવાનોએ શહેરના બકુલેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. શહેરના વિવિધ માર્ગો પર પરિવર્તન સંકલ્પ યાત્રા પસાર થઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ ભરપુર પ્રેમ, સાથ અને સમર્થન બદલ અંજારવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના ડો. દિનેશ પરમાર, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વી.કે. હુંબલ, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ સોલંકી,દિલીપસિંહ ઝાલા, રમેશ ડાંગર, અલ્પેશ દરજી, અરજણભાઈ ખાટરિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા સહિત અંજાર શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.