કચ્છમાં પણ વિકાસ, નોટબંધી અને ગેરેન્ટી કાર્ડની જ બોલબાલા : સ્થાનિક મુદ્દાઓ વિસરાયા

0
42

  • વિધાનસભા ચૂંટણી ર૦રર : રાજકીય પક્ષો એકબીજાને ‘ટ્રેપ’ કરવામાં જ વ્યસ્ત

ભાજપ મોદી અને વિકાસના નામે, કોંગ્રેસ કુશાસનના નામે તો ‘આપ’ ગેરંટી કાર્ડના આધારે માગે છે મત : ભાજપ દ્વારા ધુંઆધાર પ્રચાર, કોંગ્રેસની ગાડી માંડ પાટે ચડી, આપનું લશ્કર માત્ર કેજરીવાલના આધારે

ભુજ : ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી હોવા છતા સ્થાનિક મુદદ્દાઓ વિસરાઈ રહ્યા છે અને ભાજપ-કોંગ્રેસ-આપ સહિતના રાજકિય પક્ષો પ્રચારમાં એકબીજાને ‘ટ્રેપ’માં લેવા પ્રયત્નશીલ છે. સ્થાનિક સમસ્યાઓ ઉકેલવાના વચનો આપવાના બદલે ક્યા પક્ષના સ્ટાર પ્રચારક શું બોલ્યા તેના ઉપર વધુ ધ્યાન આપી વિવાદ ઉભા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. કચ્છની વાત કરીએ તો કચ્છની છ બેઠકો પર ચૂંટણી પ્રચારમાં પણ પ્રાદેશીક અને રાષ્ટ્રીય મુદ્દાઓ જ ચૂંટણી સભાઓમાં ગાજી રહ્યા છે. દરેક રાજકીય પક્ષોએ પોતાના મેનીફેસ્ટોમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે અનેકવિધ મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. પરંતુ ચૂંટણી પ્રચારમાં તો ગણ્યા ગાંઠયા રાષ્ટ્રીય મુદ્દાઓ જ છવાયેલા જોવા મળી રહ્યા છે. બીજીતરફ સ્થાનિક સમસ્યાઓના નામે મત માંગવાની હિંમત વિપક્ષી પાર્ટીઓ પણ કરી રહી નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રચારમાં સ્થાનિક સમસ્યાઓને વાચા મળતી નજરે ચડતી નથી. વિધાનસભા ચૂંટણી જાહેર થયા પૂર્વે રાજયમાં ખેડૂતો, સરકારી કર્મચારીઓ, શિક્ષકો સહિતનાઓની લડતોનો સીલસીલો ચાલી રહ્યો હતો. ચૂંટણી જાહેર થતા જ જાણે તે મુદ્દાઓ રાજકીય પટલ પરથી અલોપ થઈ ગયા હોય તેવું ચિત્ર ચૂંટણી પ્રચાર ટાંણે જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ૨૭ વર્ષથી સતાસ્થાને રહેલ ભાજપે ફરી સતા મેળવવા અને રેકર્ડબ્રેક બેઠકો મેળવી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનો મજબુત પાયો નાખવા પ્રચારક્ષેત્રે રીતસર આક્રમણ કરી દીધુ છે. ચૂંટણી જાહેર થયા પૂર્વે અનેક જાહેરસભાઓ યોજનાર વડાપ્રધાન ચૂંટણી જાહેર થયા બાદ ફરી પ્રચારમાં ઝંપલાવ્યું છે અને જાહેરસભાઓની વણજાર સર્જી દીધી છે. જો કે, પ્રચાર દરમિયાન વડાપ્રધાન પોતે કરેલા વિકાસ કામોનો હિસાબ આપી રહ્યા છે. પરંતુ અન્ય નેતાઓ માત્ર વડાપ્રધાન મોદીના નામે મત માંગી રહ્યા છે. સ્થાનિક મુદ્દાઓ સમસ્યાઓનો ઉલ્લેખ ખુબ જ ઓછા પ્રમાણમાં થઈ રહ્યો છે અને ક્યાંક પ્રચારનો અતિરેક પણ દેખાઈ રહ્યો છે. જ્યારે અત્યાર સુધી વેરવિખેર રહેલી કોંગ્રેસ પાસે ભાજપ સામે લડવા ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, પેપરકાંડ સહિતના અનેક મુદ્દા છે. પરંતુ તે મુદ્દાઓને અસરકારક રીતે હજુ સુધી કોંગ્રેસ ઉઠાવી શકી નથી. આજે પણ કોંગ્રેસની રેલીઓમાં નોટબંધી અને જીએસટીના મુદ્દા છવાયેલા રહે છે. નોટબંધી અને જીએસટી લાગુ થયા બાદ દેશમાં અનેક ચૂંટણીઓમાં કોંગ્રેસને પછડાટ મળી છે તેમ છતાં હજુ સુધી કોંગ્રેસ આ બે મુદ્દાઓના આધારે ચૂંટણીની નૌકા પાર લગાવવાની ઉમ્મીદ રાખીને બેઠી છે. ગુજરાત કોંગ્રેસ પાસે મતદારો ઉપર પ્રભાવ પાડી શકે તેવા નેતાની ખોટ હોવાથી રાજસ્થાનના મુખ્યમંત્રી અને પ્રધાનોને મોરચો સોંપવામાં આવ્યો છે.મતદાનનો દિવસ નજીક આવ્યો છે ત્યારે કોંગ્રેેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની હવે પ્રચારમાં એન્ટ્રી થઈ છે અને તેમણે જાહેરસભા યોજી પ્રચારનો પ્રારંભ કર્યો છે. બીજી તરફ ભાજપ-કોંગ્રેસ માટે માથાના દુઃખાવા રૂપ બની ગયેલી આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલ અને અગાઉ વિતરણ કરાયેલ ગેરન્ટી કાર્ડના આધારે લોકો પાસે મત માંગી રહી છે. ‘આપ’ના નેતાઓ ભાજપની નબળાઈઓ ઉપર સારી રીતે પ્રહાર કરી રહ્યા છે. પરંતુ ‘આપ’ પાસે રાજ્યભરના મતદારો ઉપર પ્રભાવ પાડી શકે તેવા ચહેરાની ઉણપ દેખાય છે. અને સ્થાનિક કક્ષાએ પણ નેતાઓની ખોટ જણાઈ રહી છે. આપનું સમગ્ર પ્રચારતંત્ર કેજરીવાલથી શરૂ થઈ કેજરીવાલ સુધીમાં પુરુ થઈ જાય છે.