ચિત્રોડમાં ગેસની સબસિડી જમા ન થતા એજન્સી સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી

0
36

ગેસના બાટલાનો ભાવ ૧૧૦૦ને આંબી જતા લોકોનો રોષ આસમાને…

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)રાપર : હાલમાં તમામ મોરચે મોંઘવારીએ માજા મુકી છે. કોઈ પણ ક્ષેત્ર આનાથી બાકાત નથી. અધુરામાં પુરૂં કુદકેને ભુસકે વધી રહેલા રાંધણગેસના ભાવ વચ્ચે પાછલા થોડા સમયથી સબસિડી પણ બંધ કરી દેવામાં ગ્રાહકોને ગેસનો એક બાટલો ૧૧૦૦ રૂપિયાની આસપાસ મળી રહ્યો છે, ત્યારે રાપર તાલુકાના ચિત્રોડ ગામે ગેસની સબસિડી જમા ન થતા ઉશ્કેરાયેલા ગ્રાહકે સંચાલકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
નૂતન ચિત્રોડમાં રહેતા જયેન્દ્ર ધીરજલાલ રાજગોરે જણાવ્યું કે, તેના પિતાના નામે ગામમાં ઈન્ડિયન ગેસ એજન્સીનો પોઈન્ટ આવેલો છે. ગઈકાલે તે દુકાને હાજર હતો ત્યારે ગામનો જીતુ વશરામ ગોહિલ અને રામજી લગધીર ખોડ દુકાને આવ્યા અને જીતુએ કહ્યું કે, મારા ખાતામાં ગેસ સીલીન્ડરની સબસીડી કેમ આવી નથી. જેથી ફરિયાદીએ કહ્યું કે, સબસિડી સરકાર તરફથી તમારા બેંક ખાતામાં આવશે. તમને સરકારનો ટોલ ફ્રી નંબર આપું છું તેમાં ફોન કરીને તમે તપાસ કરી લેજો. જેથી જીતુ ઉશ્કેરાયો અને આવું કંઈ ન હોય અને પરિણામ ખરાબ આવશે તેમ કહીને જતો રહ્યો પણ સાંજે લાકડાનો ધોકો લઈને આવ્યો અને જીતુએ કમરના ભાગેથી છરી કાઢી ફરિયાદીને બતાવી કહયું કે તું મને ઓળખતો નથી. અમે ગમે તેનું પુરૂં કરી નાખીએ. તેમ કહી ગાળો આપી જો તું અમારી સામે આવીશ તો મારી નાખશુું તેવી ધમકી આપી હતી. આ બનાવના કારણે દુકાનની બહાર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જેથી ફરિયાદ કરવામાં આવી હતી.