કંડલામાં હીટ એન્ડ રનના બનાવમાં કન્સ્ટ્રકશન કંપનીના સુપરવાઈઝરનું મૃત્યુ

કંડલા ઝીરો પોઈન્ટ નજીક અજાણ્યા વાહન ચાલકે યુવાનને હડફેટમાં લઈ પેટમાં અને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા આંબ્યું મોત

ગાંધીધામ : સંકુલના કંડલા ઝીરો પોઈન્ટ સર્કલ નજીક અજાણ્યા વાહન ચાલકે કન્સ્ટ્રકશન કંપનીના સુપરવાઈઝરને હડફેટમાં લેતા ગંભીર ઈજાઓ થતા મોત નિપજયું તું. હિટ એન્ડ રનના બનાવને પગલે કંડલા મરીન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ભરતભાઈ રાજાભાઈ ડાંગરે કંડલા મરીન પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની કંપની પટેલ કન્સ્ટ્રકશનનું કામ કંડલા ઝીરો પોઈન્ટ સર્કલ પાસે બનતા પુલની સાઈડ પર ચાલુ હતું.રોડ બનાવવાની ચાલતી કામગીરી દરમ્યાન ફરિયાદીની સાથે જ સુપરવાઈઝર તરીકે કામ કરતા ર૦ વર્ષિય હરિભાઈ બાબુભાઈ લાવડીયાને અજાણ્યા વાહને હડફેટમાં લેતા શરીરમાં પેટના ભાગે અને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત નોતરીને અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હતો, જ્યારે હતભાગી યુવાને તાત્કાલિક સારવાર માટેે રામબાગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, હરિભાઈને પેટના ભાગે અને ગુપ્ત ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હોવાથી સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત આંબી ગયું હતું. બનાવને પગલે કંડલા મરીન પોલીસ મથકે ગુનો નોંધાતા પીઆઈ એ. જી. સોલંકીએ આગળની તપાસ હાથ ધરી છે.