કચ્છમાં કરોડોની હારજીત : પંટરો કમાયા, બુકીઓ ધોવાયા

0
45

  • ભારત – પાક.ની થ્રીલર મેચમાં

ભારતની ટપોટપ વિકેટો પડયા બાદ ભાવની ઉલટફેરે સર્જી મોટી અપસેટ : છેલ્લી ઓવરે અનેકોની કિસ્મત એકાએક ચમકાવી : મેચની હારજીતનું પરિણામ અંતિમ બોલે આવતા ક્રિકેટ રસીયાઓના શ્વાસ રહ્યા અધ્ધર

(બ્યુરો દ્વારા)ભુજ : ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ગ્રાઉન્ડ પર ગત રોજ ભારત-પાકિસ્તાન ટીમ વચ્ચે યોજાયેલી ટી-૨૦ વર્લ્ડકપમાં શ્વાસ થંભાવી દે તેવી ભારતની ભવ્ય જીત થતા પંટરો કરોડો રૂપિયા કમાયા હતા, જ્યારે બુકીઓ હાર્યા હતા. એક અંદાજ મુજબ ગઈકાલની મેચમાં રાજ્યમાં પ૦૦ કરોડથી વધુનો સટ્ટો રમાયો હતો. આ થ્રીલર સમાન મેચમાં કચ્છમાં પંટરોની દિવાળી સુધી ગઈ છે.આ અંગેની વિગતો મુજબ ભારત-પાકિસ્તાન ટીમ વચ્ચે યોજાયેલી ટી-ર૦ વર્લ્ડકપની મેચમાં જીતવા માટે ટીમ ઈન્ડિયાને બુકીબજારે ફેવરિટ ગણીને તેનો ભાવ ૪૦ પૈસા ખોલ્યો હતો. જ્યારે
પાકિસ્તાનનો ભાવ રૂ.૧.૬૦ પૈસા હતો. આ મેચમાં આઉટિંગ લાઈન મારફ્તે સટ્ટો રમવા-રમાડવાની જગ્યાએ ઓનલાઈન આઈડીના આધારે જ સટ્ટો રમવા-રમાડી લેવા પંટરો-બુકીઓ સજ્જ થયા હતા. ભારતના બોલરોએ પાકિસ્તાનની વિકેટો લેતા ભારતનો ભાવ ૩૦ પૈસા અને પાકિસ્તાનનો ભાવ રૂ.૧.૭૦ થયો હતો. ભારત બીજી બેટિંગ કરવા માટે આવતા જ ભારતની એક તબક્કે ચાર વિકેટ પડી જતા બુકીઓ ગેલમાં આવી ગયા હતા. પહેલી ચાર વિકેટો
પડતા પાકિસ્તાનનો ભાવ ૫૦ પૈસા અને ભારતનો ભાવ રૂ.૧.૫૦ થઈ ગયો હતો. પરંતુ ક્રિઝ ઉપર વિરાટ કોહલી અને હાર્દિક પંડયા છેક સુધી ઊભા રહેતા સટ્ટાબજારમાં ભાવમાં ભારતની જીતના ભાવ ૯૦ પૈસા થયો હતો અને પાકિસ્તાનની જીતનો ભાવ રૂ.૧.૧૦ પૈસા થઈ ગયો હતો. ૧૯મી ઓવરમાં હાર્દિક પંડયાની વિકેટ પડતા
પાકિસ્તાન જીતનો ભાવ ૨૦-૨૨ પૈસા અને ભારતની જીતનો ભાવ રૂ.૧.૮૦ પૈસા થઈ ગયો હતો. હાર્દિક પંડયાની વિકેટ પડતા જ બુકીઓ પણ પાકિસ્તાન જીતશે તેમ પંટરોને કહીને સોદા સરખા કરવાનું કહેતા હતા. જો કે, પંટરોએ છેલ્લા બોલ સુધી ભારતની જીતની આશા રાખીને સોદા સરખા કરાવ્યા નહોતા અને છેલ્લી ઓવરના પાંચમાં બોલે વ્હાઈટ પડયો હતો જેનો એક રન આવ્યો હતો આ પછી બીજા બોલે અશ્વિને એક રન મેળવી લેતા રોમાંચક જીત થઈ ગતી. છેક સુધી ભારતની વિકેટો પડી ત્યારે અને હાર્દિક આઉટ થયો તે વખતે પંટરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આખરે ભારતની જીતથી બુકીઓને કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું. જ્યારે પંટરોને આ થ્રીલર સમાન મેચમાં લોટરી લાગી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ડીજીટલ ઈન્ડિયાનો કોન્સ્પેટ બુકીઓએ પણ અપનાવ્યો હોય તેમ બુકી બજાર હાઈટેક બનવાની સાથોસાથ ડીજીટલ બની હોઈ સોદાઓ પણ વિવિધ એપ મારફતે લેવાતા થયા છે. છેવાડાના કચ્છ જિલ્લામાં પણ ક્રિકેટ રસીયાઓની કમી નથી. સાથોસાથ સટ્ટોડિયાનો વર્ગ પણ મોટો હોઈ અન્ય મેચોની તુલનાએ ભારત – પાક.ની મેચ પર પ્રમાણમાં વિશેષ અને કરોડોનો સટ્ટો રમાતો હોય છે. ગઈકાલે પણ કરોડો રૂપિયા આ મેચ પર દાવમાં લગાડાયા હતા, જેમાં બુકીઓ ધોવાયા હતા જ્યારે પંટરો કમાયા હતા.