૧૪ નામજાેગ સહિત ર૪ જણા સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ફોજદારી દર્જ : માંડવીના ખાખર ગામે પોલીસ સાથે મારકુટ કરી બાઈક-કારમાં તોડફોડ કરાઈ

0
33

એલસીબીના કર્મચારી શરાબની બાતમી આધારે ગામમાં પેટ્રોલિંગમાં ગયા હતા : બિદડા ઓપીના કર્મચારી આવતા તેને મારમારી સરકારી બાઈકમાં નુકસાન કર્યુ

માંડવી : તાલુકાના ખાખર ગામે બુટલેગર પોતાની કારમાં શરાબનો જથ્થો લઈને ગામમાં સંતાડવા ફરતો હોવાની બાતમી આધારે એલસીબીની ટુકડી પેટ્રોલિંગમાં ફરી રહી હતી, ત્યારે માંડવીના બિદડા ઓપીના જમાદારને જાણ કરતા તેના કોન્સ્ટેબલ પણ પોતાની બાઈક લઈ ગામમાં પહોંચ્યા હતા. દરમિયાન કારમાં સવાર બુટલેગર ચકમો આપી નાસી છુટયા હતા, તેમજ ગામમાં ર૪થી વધુ લોકોનુ ટોળુ એકત્ર થઈ પોલીસ સાથે મારકુટ કરી બાઈક તેમજ કારમાં નુકસાન પહોંચાડયુ હતું. બિદડા ઓપીના પોલીસ કર્મચારીએ ફરજમાં રૂકાવટ, માર મારવા તેમજ સરકારી બાઈક અને સાહેદની કારના કાચ તોડી નુકસાન પહોંચાડયા અંગેની ૧૪ જણા સામે નામજાેગ અને ૧૦ અજાણયા ઈસમો સામે ફરીયાદ નોંધાવી હતી.

માંડવી પોલીસ મથકે બિદડા ઓ.પી.ના પોલીસ કોન્સ્ટેબલ ગીરીશભાઈ ચૌધરીએ ખાખર ગામના પ્રદીપસીંહ ગનુભા જાડેજા, અર્જુનસીંહ લગીધરસિંહ જાડેજા, રઘુવીરસીંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, કારૂભા જાડેજા, સહદેવસિંહ જાડેજા, કરણસિંહ દીલીપસિંહ, રવી જાડેજા, ઋષી જાડેજા, જુવાનસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, જુવાનસિંહ દીલીપસિંહ, ઋપસીંહ, જયદીપસિંહ જાડેજા, ભોરારાનો શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ ૧૦થી ૧ર અજાણયા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી. સાહેદ એલસીબીના પોલીસ કર્મચાર વાલાભાઈ દાનાભાઈ ગોયલને બાતમી મળી હતી કે બુટલેગર રઘુવીરસીંહ જાડેજા પોતાની મહીન્દ્રા એકસયુવી ગાડીમાં શરાબનો જથ્થો લઈ આવેલો છે અને ગાડી ંસંતાડવા માટે ગામમા ફરે છે. બુટલેગર ગાડી સંતાડવા ફરતા હતો હતો ત્યારે વાલાભાઈ પોતાની ક્રેટા કાર લઈને ગામમાં પહોંચી ગયા હતા અને પેટ્રોલિંગ કરી હતી. દરમિયાન ગામ લોકો એકસંપ થઈ જઈ હુલ્લડ કરવા જતા બિદડા ઓપીના જમાદારને ફોન કર્યો હતો જેથી જમાદારે ફરિયાદી ગીરીશભાઈ ચૌધરીને બાઈકથી ખાખર ગામે મુકયો હતો. ફરિયાદી ત્યાં પહોંચતા તમામ આરોપીઓ એક સંપ થઈ જઈ હુલ્લડ કર્યો હતો અને  તમે કેમ અહીં વારંવાર આવો છો તેમજ અમારી સામે દારૂ અને જુગારમાં ગણા કેસ કરો છો તેમ કહી ફરીયાદીને મારકુટ કરી હતી, ટી-શર્ટ ફાળી નાખ્યો હતો. તો સરકારી મોટર સાઈકલને આગળના ભાગે પથ્થરા મારી તોડફોડ ત્રણ હજારનુ નુકસાન કર્યુ હતું. જયારે સાહેદ વાલાભાઈ ગોયલની ક્રેટા કારમાં પત્થરા મારી કાચ તોડી ર૦ હજારનું નુકસાન કર્યું હતું. ફરિયાદીએ તમામ સામે જાહેરમાં હુલ્લડ કરી ફરજમાં અડચણ ઉભી કરી રૂકાવટ કરી, મારમારી, નુકસાન પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો.

બુટલેગરને ભગાડવા માટે ગ્રામ લોકો એકત્ર થઈ ગયા

રઘુવીરસિંહ પોતાની કારમાં દારૂનો જથ્થો લઈને ફરતો હોવાની બાતમી આધારે એલસીબીના કર્મચારીઓ ક્રેટાથી તેની પાછળ પાછળ ફરી રહ્યા હતા, દરમિયાન ફિલ્મી ઢબે રઘુવીરસીંહ કાર હંકારી રહ્યો હતો તે વેળાએ ગ્રામ લોકો એકત્ર થઈ ટોળે વળી હુલ્લડ કરી બુટલેગરને ભગાડવા માટે પ્રયાસ કર્યો હતો અને બુટલેગરને નાસી જવામાં સફળતા મળી હતી.