ક્રાઈમ કોર્નર

ભુજમાં નિવૃત્ત શિક્ષક દંપત્તિના ઘરમાંથી ૪.૩૭ લાખની ચોરી

ભુજ : શહેરના જ્યુબિલી સર્કલ નજીક આવેલ અક્ષ્યરાજ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપત્તી અમૃતાબેન જયંતીલાલ કોલરાના ઘરમાંથી ૪.૩૭ લાખની ચોરી થઈ હતી. બનાવને પગલે શકદાર આરોપી તરીકે રસોઈ કરવા માટે આવતી ભારતીબેન સલાટ નામની મહિલા વિરૂદ્ધ ગુનો નોંધાવાયો હતો. ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે દંપત્તીના ફ્લેટમાંથી ૧.૭૩ ગ્રામ વજનના સોના-ચાંદીના દાગીના, ૪૦ હજારની રોકડ રકમ, બે મોબાઈલ ફોન મળીને ૪,૩૬,પ૦૦ની માલમત્તા ચોરાઈ હતી. બનાવને પગલે ભુજ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભુજના ન્યુ સ્ટેશન રોડ પર દિનદહાળે દુકાનમાંથી ચોરી

ભુજ : શહેરના ધમધમતા ન્યુ સ્ટેશન રોડ પર આવેલ ક્રિષ્ના એન્ટપ્રાઈઝ નામની પેઢીમાંથી ધોળા દિવસે ૧૦ હજારની ચોરી થઈ હતી. રઘુવંશીનગરમાં રહેતા મુળ રાજસ્થાનના વતની દિનેશ મોતીરામ ચૌધરીએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી પોતાની દુકાનના એલ્યુમિનિયમ સેક્શનનો દરવાજો બંધ કરી જમવા માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ દરવાજાનું તાળુ તોડી કાઉન્ટરમાં રખાયેલા રોકડા રૂા.૧૦ હજાર તફડાવી ગયા હતા. બનાવને પગલે ભુજ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કેસમાં સમાધાન મુદ્દે ભુજમાં યુવાન પર હુમલો

ભુજ : શહેરના લખુરાઈ ચાર રસ્તા નજીક અગાઉ થયેલા કેસમાં સમાધાન કરવાના મુદ્દે યુવાન ઉપર ધારિયા અને પાઈપ વડે હુમલો કરાયો હતો. લખુરાઈ ચાર રસ્તા વિસ્તારમાં રહેતા મુસ્તાક જુશબ મ્યાત્રા, કરીમ મામદ કુંભાર, કાસમ હાજી અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે ગફુર સુમાર કુંભાર પર હુમલો કર્યો હતો. બનાવને પગલે ગફુરે ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.

ગળપાદરમાં ૮૮ હજારના શરાબ સાથે એક શખ્સ જબ્બે

ગાંધીધામ : તાલુકાના ગળપાદરમાં ભવાનીનગરમાં આવેલા એક રહેણાક મકાનમાં પોલીસે દરોડો પાડીને ૮૮,ર૦૦ના શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે પપ્પુગિરિ શંભુગિરિના મકાનમાં છાપો માર્યો હતો. જેમાંથી રપર બોટલ કબજે કરાઈ હતી. તેમજ આરોપીની અટક કરાઈ હતી. તો અન્ય બે શખ્સો વિશાલ મીયાત્રા તેમજ અશ્વિન લક્ષ્મણદાસ સાધુ નામના શખ્સો પોલીસને હાથ લાગ્યા ન હતા.

અંતરજાળમાં વિવાદી જમીન પર ખોદકામ કરાતા ફરિયાદ

ગાંધીધામ : તાલુકાના અંતરજાળમાં કબ્રસ્તાનની જમીન અંગે કોર્ટમાં કેસ ચાલુ હોવાનું મનદુઃખ રાખીને ત્રણ શખ્સોએ જેસીબી વડે ખોદકામ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.મસ્જિદની બાજુમાં વીજુખાનાનું કામ ચાલુ હતું ત્યારે ગામના કાનો જાડેજા, મોહન ધનજી મરંડ નામના શખ્સો જેસીબી વડે આવીને ખોદકામ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મોહન ધનજી મરંડે કિશન બાવાજીના કહેવાથી વિવાદી જમની ઉપર ખોદકામ કર્યું હતું ત્યારે આ મામલે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાતા તપાસ હાથ ધરી છે.

અંતરજાળના તરૂણનું પરિણામ નબળું આવતા આપઘાત

ગાંધીધામ : તાલુકાના અંતરજાળના વિનાયકનગરમાં રહેતા ૧૭ વર્ષિય તરૂણે ધો.૧રમા પરિણામ નબળું આવતા આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વરૂણ ગણપતિ ગેમન્તીએ પોતાના ઘેર પંખામાં દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવને પગલે અદિપુર પોલીસે અકસ્માત-મોતનો ગુનો નોંધતા પીએસઆઈ એસ.એચ.તીવારીએ આગળની તપાસ હાથ ધરી છે.