બાલાપરમાંથી ૧.૪ લાખનો દારૂ ઝડપાયો

દયાપર : લખપતના છેવાડાના વિસ્તારમાં આવેલા બાલાપર ગામેથી નારાયણ સરોવર પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડીને ૧.૪ લાખનો દારૂ ઝડપ્યો હતો. પોલીસને મળેલી બાતમીને આધારે બાલપરના ભગીરથસિંહ ચનુભા સોઢાના ઘરમાં દરોડો પાડીને પોલીસે ર૯૬ બોટલ ઝડપી પાડી હતી. જ્યારે આરોપી ગભીરથસિંહ અને તેનો સાગરીત ગુમાનસિંહ સોઢા હાથમાં આવ્યા ન હતા.

દાડમ સગેવગે કરનાર લખનઉથી ઝડપાયો

ભુજ : તાલુકાના શેખપીર નજીક આવેલ ધરતી ફ્રુટ માર્કેટ દ્વારા ન્યુ આલ્ફા રોડવેઝ દ્વારા ખેડૂત હિરાલાલ પેથાભાઈ પટેલ ૬લાખના દાડમ ગાડીમાં મોકલ્યા હતા. જેમાં આરોપીએ દાડમ બારોબાર ઉલાડી નિયત સ્થળે ન પહોંચાડતા પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પોલીસે આરોપી નસીમ આસ મોહમદને લખનઉ નજીકના રોડ પરથી ગાડી સાથે ઝડપી પાડ્યો હતો.

ગળપાદરમાં મંદિરમાંથી ૧પ હજારની ચોરી

ગાંધીધામ : તાલુકાના ગળપાદરમાં આવેલ બીએસએફ કેમ્પની સામે આવેલ રામાપીરના મંદિરની બારી તોડીને ચોરી કરાઈ હતી. મંદિરમાં સેવાપૂજા કરતા રામજીભાઈ ગાભાભાઈ મહેશ્વરીએ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ મંદિરની બારી તોડીને સીસીટીવી કેમેરામાં કેદ ન થાય તે માટે તેમાં તોડફોડ કરી મૂર્તિ પર ચઢાવાયેલા દાગીના અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળીને રૂા.૧પ,૦૦૦ની માલમતા તફડાવી હતી.

અંજારથી અપહરણ કરાયેલી કિશોરી મહારાષ્ટ્રથી પરત લાવાઈ

અંજાર : અહીંની કિશોરીનું અપહરણ થયા બાદ આરોપીને સ્થાનિક પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડીને યુવતીને બચાવી હતી. વિજયનગરમાં રહેતી ૧૬ વર્ષિય કિશોરીનું સાડા ચારેક મહિના પૂર્વે અપહરણ થયું હતું. અપહરણ કરનાર આરોપી સોનુકુમાર રાજેન્દ્ર શાહ હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને ઝડપી કિશોરીને મુક્ત કરાવી હતી.

પલાંસવામાં યુવાન પર ધારિયાથી હુમલો

રાપર : તાલુકાના પલાંસવા નજીક ધોરીમાર્ગ પર આવેલા ટોલનાકા પાસે અખબારી પ્રતિનિધિને ટોલબૂથના વ્યકિતઓએ ધારિયાથી મારમારીને હુમલો કર્યો હતો. ટોલ ટેક્સની રકમ વસુલાય છે છતાંય રસ્તાની હાલત કેમ સુધરતી નથી તે બાબતે કહેતા પરેશ બાબુભાઈ દવે ઉપર ભરત બાઉ સોલંકી અને ગઢવીભાઈ ટોલગેટ વાળા તેમજ તેમની સાથેના અજાણ્યા ૪ શખ્સોએ હુમલો કરતા ગુનો નોંધાયો હતો.

લોડાઈમાં સગીરાની છેડતી કરાતા ફરિયાદ

ભુજ : તાલુકાના લોડાઈ ગામે સગીરાની યુવકે છેડતી કરતા તેના પિતાએ તેને ઠપકો આપવા જતા ૪ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે સગીરાની માતાએ પધ્ધર પોલીસ મથકે લોડાઈના આરોપી ઈસ્માઈલશા ઈબ્રાહીમશા સૈયદ, ગની આમદ કુંભાર, મુસા ઉર્ફે દાદા કુંભાર અને અલી આમદ કુંભાર વિરૂધ્ધ ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.

ભીમાસર દુષ્કર્મ કેસનો આરોપી જબ્બે

રાપર : તાલુકાના ભીમાસરમાં સગીરા ઉપર છરીની અણીએ આચરાયેલા દુષ્કર્મના આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસ સાધનોએ આપેલી વિગતો મુજબ આરોપી નરેશ ભચુ પરમાર લખાગઢના બસ સ્ટેશન પાસે હોવાની મળેલી બાતમીને આધારે પોલીસે વોંચ ગોઢવીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

દેશલપર નજીક પુલિયા નીચેથી યુવાનની લાશ મળી

નખત્રાણા : તાલુકાના દેશલપર વાંઢાયથી હાજાપર રોડ પર આવેલા પુલિયા નીચેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. હતભાગીનું મોત દારૂના વ્યસનને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં મહેશ પેથાભાઈ મારાજ (રહે. દેશલપર) વાળો વાંઢાયથી હાજાપરના રોડના પુલિયા નીચેથી નશાની હાલમાં પડેલો મળી આવતા સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબે
મૃત જાહેર કર્યો હતો.