ક્રાઈમ કોર્નર

મેઘપર (બો) નજીક માલગાડી હડફેટે યુવાનનું મોત

અંજાર : આદિપુર જતા માર્ગ પર મેઘપર (બો) નજીકના રેલવે ફાટક પાસે માલગાડી નીચે આવી જતા અજાણ્યા ૪૦ વર્ષિય યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવમાં યુવાનના બન્ને પગ કપાઈ જતા તત્કાળ મોત નીપજ્યું હતું. બનાવને પગલે અંજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નાની વિરાણીમાં પતિ-પત્નીના ઝઘડા બાદ યુવાનનો આપઘાત

માંડવી : તાલુકાના નાની વિરાણીમાં ખેતમજૂરી કરતા પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ પત્નીને તેના માવિત્રો તેડી ગયા હતા. જેના મનદુઃખે તેના પતિ રણજીત જગદીશ નાયકાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવને પગલે ગઢશીશા પોલીસે તપાસ હાથ ધરી છે.

મીરજાપરમાં ૯ મહિલા જુગારી જબ્બે

ભુજ : શહેરની ભાગોળે મીરજાપરની હદમાં આવેલા સહજાનંદનગરમાં એક મકાનમાંથી મહિલા જુગારધામ ઝડપાયું હતું. પોલીસે બાતમીને પગલે વાસંતીબેન પ્રવીણભાઈ પુરોહિતના મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં ઘર માલિક વાસંતીબેન ઉપરાંત ઉર્મીલાબેન ઉર્ફે નનકી અશોક ઉર્ફે હરેશ સોની, ગજરાભા જોરૂભા ચૌહાણ, રૂપાબા ઉર્ફે રૂપકુંવરબા ઈન્દ્રસિંહ સોઢા, જયશ્રીબેન ઉર્ફે નીતાબેન નંદલાલ સોની, ગીતાબા ખેંગારજી જાડેજા, હમીદાબેન ઇસ્માઈલ લુહાર, ફરીદાબેન રમજુ રાયમા અને ઈબ્રાહીમ આદમ રાયમાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબ્જામાં ર૬,૪૩૦ની રોકડ રકમ કબ્જે કરાઈ હતી.

રાપરમાં દુકાનોમાં તોડફોડ કરનાર જેલમાંથી ફરાર આરોપી જબ્બે

રાપર : શહેરના જકાતનાકા પાસે ઓવેલી દુકાનોમાં તોડફોડ કરીને નાણાની વસૂલી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી આરોપીને કોર્ટમાં રજૂ કરતા રાપરની સબ જેટલમાં ધકેલાયો હતો. દરમિયાન જેલના પટ્ટાવાળા હરિભાઈ ગેલાભાઈ ચૌધરી જેલનું તાળું ખોલીને પાણીનો કેરબો રાખવા ગયા હતા ત્યારે મોકો જોઈને આરોપી કુલદીપસિંહ ધક્કો મારીને નાશી ગયો હતો. બનાવને પગલે પોલીસે જુદી-જુદી ટીમો બનાવી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.

ભચાઉમાં આંકડાનો જુગારી ઝડપાયો

ભચાઉ : શહેરના હિમ્મતપુરા વિસ્તારમાં મસ્જિદની બાજુમાં પોલીસે દરોડો પાડીને આંકડાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી ગફુર કાસમ નારેજા વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતો હતો જેને પોલીસે રોકડ રૂા. ૧૧,૩૦૦ અને અને બે નંગ મોબાઈલ મળીને કુલ ર૧,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

આદિપુરમાંથી ૧.૭૦ લાખની બે બૂલેટ ચોરાઈ

ગાંધીધામ : આદિપુરની તોલાણી કોલેજ પાસે પાર્ક કરાયેલી રૂા.૧ લાખની બૂલેટ તેમજ મહારાવ સર્કલ પાસેથી રૂા.૭૦ હજારની બુલેટની ચોરી થઈ હતી. બનાવને પગલે મેઘપર (બો)માં રહેતા યોગેન્દ્ર હરિશંકર પાટીદાર તેમજ અંજારમાં રહેતા ગોવિંદ ભાલાભાઈ ગઢવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.