ક્રાઈમ કોર્નર

ગઢશીશામાં જીએમડીસીના મિકેનિકે બીમારીથી કંટાળી કર્યો આપઘાત

માંડવી : ગઢશીશામાં કાર્યરત ગુજરાત ખનિજ વિકાસ નિગમ સંચાલિત બોક્સાઈટ પ્લાન્ટમાં મિકેનિક તરીકે ફરજ બજાવતા મૂળ પાટણના નટવરલાલ વેણીશંકર દવે (ઉ.વ.પ૬)એ બીમારીથી કંટાળીને ગળે ફાંસો ખાધો હતો. હતભાગીએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં બનાવ પછવાડે પોતાની માનસિક બીમારી કારણભૂત ગણાવી હતી. પ્લાન્ટના યંત્રાલયમાં હતભાગીએ ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું.

વરસાણા નજીકથી ૧૩ વર્ષિય તરૂણીનું અપહરણ

અંજાર : તાલુકાના વરસાણા નજીકથી ૧૩ વર્ષિય તરૂણીનું લગ્નની લાલચે અપહરણ કરાયું હતું. બનાવના પગલે ભોગગ્રસ્તના પિતાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી સંદિપ જીનાભાઈએ ફરિયાદીની સગીર વયની દિકરીનું વાલીપણામાંથી અપહરણ કર્યાનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટ્રેનનો સફાઈ કામદાર દારૂ સાથે ઝડપાયો

ગાંધીધામ : અહીંના રેલ્વે સ્ટેશન પર આવેલી બ્રાન્દ્રા-ભુજ એક્સપ્રેસ ટ્રેનના સફાઈ કામદારને આરપીએફએ પ હજારના વિદેશી શરાબ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીને આધારે સાગર લક્ષ્મણભાઈ નેટાવરને અલગ અલગ બ્રાન્ડના દારૂ-બીયરના રૂા પર૯૦ના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

અંજારમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી તસ્કરી

અંજાર : અહીંના મોમાયનગર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાંથી તસ્કરોએ ધોળા દિવસે તાળા તોડી ર૯ હજારની તસ્કરી કરી હતી. બનાવને પગલે દવેન્દ્રકુમાર ગમ્મતસિંહ લોદીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવાન પોતાના કામે વેલ્સપન કંપનીમાં ગયો હતો. દરમિયાન ગત બપોરના અરસામાં અજાણ્યા તસ્કરોએ રૂા.રર હજારની સોનાની બંગળી અને મોબાઈલ ફોન મળીને ર૯,૦૦૦ની માલમતા તફડાવી હતી.

હાલોલનો પોકસો-અપહરણનો વોન્ટેડ શખ્સ કચ્છથી ઝડપાયો

ભુજ : પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ મથકે નોંધાયેલા એટ્રોસિટી, પોકસો અને અપહરણના ગુનોનો આરોપી કચ્છમાંથી ઝડપાયો હતો. પશ્ચિમ કચ્છ એસઓજીએ બાતમીને આધારે આરોપીને મંગવાણા નજીકથી ઝડપી પાડ્યો હતો. આરોપી યોગેશ રમેશ બારિયાને એસઓજીએ ઝડપી પાડી હાલોલ પોલીસને જાણ કરતા પોલીસ તેનો કબ્જો લેવા આવી હતી.

સાંઘી સિમેન્ટ કંપનીમાંથી ૬૮ જોડી લોખંડના રોલરની ચોરી

નલિયા : અબડાસા-લખપતના તાલુકાને જોડતા વાયોર પોલીસ મથકની હદમાં આવેલ સાંઘી સિમેન્ટ કંપનીમાંથી કન્વેયર બેલ્ટના ૬૮ જોડી લોખંડના રોલરની ચોરી થઈ હતી. બનાવને પગલે કંપનીના અધિકારી વિશ્વભર શિવનંદન ઝા દ્વારા વાયોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બેલ્ટના લોખંડના ૬૮ જોડી રોલર જેની કિંમત અંદાજે રૂા.૩૪,૦૦૦ની ચોરી થયાનો ગુનો નોંધાવાતા તપાસ હાથ ધરાઈ છે.