ક્રાઈમ કોર્નર

ગાંધીધામના યુવાન અને ગઢશીશાની પરિણીતાનો આપઘાત

ગાંધીધામ : શહેરના ઈફ્કો ઉદયનગરમાં રહેતા રર વર્ષિય યુવાન આશુતોષસિંહ ઘનશ્યામસિંહ કુર્મીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. પોતાના રૂમમાં ગમછા વડે ગળે ફાંસો ખાઈને યુવાને આ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી. તો ગઢશીશામાં અગાઉ ઝેરી દવા પી લેનાર પરિણીતાએ દમ તોડ્યો હતો. રર વર્ષિય ક્રિષ્નાબેન દિનેશ પેથા જોગી નામની પરિણીતાએ દવા પીધી હતી. તેના દિકરાને તાવ આવતા તેને દવાખાને ન લઈ જવાતા પરિણીતાને તેના પતિ દિનેશે ઠપકો આપતા મનમાં લાગી આવવાથી ઝેરી દવા ગટગટાવી હતી. જેણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

ગાંધીધામમાં છરીની અણીએ કરાયેલી લૂંટનો આરોપી જબ્બે

ગાંધીધામ : શહેરના ગોપાલપુરી નજીક પગપાળા જતા શિપિંગ કંપનીના મિકેનિકના ગળામાં છરી રાખી બે શખ્સોએ રર હજારના મોબાઈલની લૂંટ કરી હતી. જે બનાવમાં પોલીસે ચૂંગીનાકા પાસેથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. મૂળ રાપરના શિરાનીવાંઢના અને હાલ નવી સુંદરપુરીમાં રહેતા દિલીપ ઉર્ફે દિપો રામજી મકવાણાને પોલીસે ઝડપી પાડી તેના કબ્જામાંથી ૭ મોબાઈલ, લૂંટમાં વપરાયેલી બાઈક અને છરી મળીને કુલ ૧,ર૯,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જ્યારે બીજો આરોપી યાસિન હાજી હજુ પોલીસ પકડથી દૂર છે.

ગાંધીધામમાં રેલવે મિકેનિકના ઘરમાંથી મોબાઈલની ચોરી

ગાંધીધામ : શહેરના વોર્ડ ૯/બીમાં રહેતા રેલવેના મિકેનિકના ઘરના દરવાજાનો નચુકો તોડીને રૂા.ર૮ હજારના બે મોબાઈલ ચોરાયા હતા. બનાવને પગલે ૩૦ વર્ષિય વિષ્ણુભાઈ રાણાભાઈ પ્રજાપતિએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રાત્રિ દરમ્યાન ઘરધણીએ જાગીને જોતા દરવાજો ખુલ્લો હતો. કોઈ અજાણ્યો ઈસમ સીડી પાસે ઉભો હતો. દરમિયાન હાકોટો કરાતા તે નાશી ગયો હતો. દરમિયાન ઘરમાં જોતા બે મોબાઈલની ચોરી થઈ હોવાનું માલૂમ પડતા ગુનો નોંધાવાયો હતો.

માધાપરમાં કાર હડફેટે ૩ યુવાનોને ઈજા

ભુજ : માધાપરમાં ટ્રીટોપ હોટલ સામેના રોડ પર કારે બાઈકને હડફેટમાં લેતા ત્રણ યુવાનોને ઈજા પહોંચી હતી. બનાવમાં કેશરબાગ કોલીવાસમાં રહેતા કરશન રમેશ કોલી (ઉ.વ.ર૪), મહેશ જખુ કોલી (ઉ.વ.૧૯) અને રૂપેશ રમેશ કોલી (ઉ.વ.ર૧)ને ઈજાઓ પહોંચી હતી. ત્રણેય યુવાનો બાઈકથી વિરાંગના સર્કલ ક્રોસ કરતા હતા ત્યારે પૂરપાટ વેગે આવતી કારે તેમને હડફેટમાં લેતા ઈજાઓ પહોંચી હતી.

ભુજ અને નખત્રાણામાં બાઈક ચોરાતા ફરિયાદ

ભુજ : શહેરના લાલટેકરી વિસ્તારમાં નિર્મલ એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલ રૂા.ર૦ હજારની બાઈક ચોરાઈ હતી. જે અંગે દિપકભાઈ લવજીભાઈ દરજીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો નખત્રાણાના ખીરસરા (રોહા) ગામે રહેતા નરશીભાઈ પટેલના ઘરની બહાર પાર્ક કરાયેલી બાઈક કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા ગુનો નોંધાયો હતો.