ક્રાઈમ કોર્નર

ગાંધીધામમાં છરીની અણીએ મોબાઈલની લૂંટ

ગાંધીધામ : ગોપાલપુરીની પાછળ આવેલા ગેટ પાસે સર્વિસ રોડ ઉપર પગપાળા જતા યુવાનને છરી બતાવીને બે શખ્સોએ રૂા.રર,૯૯૦ની કિંમતના મોબાઈલની લૂંટ ચલાવી હતી. ચંદનકુમાર રામનરેશ ગૌતમે લૂંટના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શિપિંગ કંપનીમાં નોકરી કરતો યુવાન બાસમાંથી ઉતરીને પગપાળા જઈ રહ્યો હતો. ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા યુવાનોએ ફરિયાદીના ગળા પર છરી રાખીને મોબાઈલની લૂંટ ચલાવી હતી.

મુંબઈમાં રોકાણકારો સાથે છેતરપીંડી કરનાર વધુ એક કચ્છી ઝડપાયો

ભુજ : મુંબઈમાં અનેક કચ્છીઓ સાથે કચ્છના જ મુંબઈવાસીએ છેતરપીંડી કરી હતી. અનેક રોકાણકારોને શીશામાં ઉતાર્યા બાદ નોંધાયેલી ફરિયાદને પગલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાએ વધુ એક કચ્છીની ધરપકડ કરી છે. પોલીસે આર.એચ. એસોસિએટસ પેઢી સાથે સંલગ્ન જયેશ દેઢિયાની બોરીવલી સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. આ કેસમાં કુલ ૮ આરોપીઓ પૈકી હજુ પણ બે આરોપીઓ ફરાર છે.

રેલવેનો સફાઈ કામદાર પ્લેટફોર્મ પરથી દારૂ સાથે જબ્બે

ભુજ : અહીંના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ઉપરથી સફાઈ કામદાર દારૂની ૮ બોટલ સાથે ઝડપાયો હતો. આરોપી વિરૂધ્ધ ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આરોપી પવનેશકુમાર રામલખન ચમાર રેલવેમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે અને તે તેની પાસેની સ્કૂલબેગમાં દારૂની બોટલ સાથે ઝડપાતા રેલવે પોલીસે તેની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો.

પરિણીતાને ગોંધી રાખી બળાત્કાર ગુજારનાર નાગિયારીના શખ્સ સામે ગુનો

ભુજ : તાલુકાના ભારાસર ગામની પરિણીતાને ફિલ્મી ઢબે બાઈક ઉપર ઉઠાવી તેને રપ દિવસ ગોંધી રાખી બળાત્કાર ગુજારાયો હતો. આ ચકચારી બનાવમાં નાગિયારી ગામના શખ્સ સામે અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. યુવાન પરિણીતાને નાગિયારીનો ઈકબાલ રમજુ કાયા બાફણ અપહરણ કરીને લઈ ગયો હતો અને ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચરતા માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ભોગ બનનાર અને તેની ત્રણેય દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અપહરણ કરાયું હતું. બનાવને પગલે માનકુવા પોલીસે તપાસ હાથ ધરી છે.