ક્રાઈમ કોર્નર

ધ્રબમાં ખાટલે સૂતેલા યુવાનને ટ્રેલરે કચડતા મોત

મુંદરા : તાલુકાના ધ્રબમાં ખાટલા પર સૂતેલા યુવાન પર ટ્રેલર ચાલકે વાહન ચડાવી દેતા મોત નીપજ્યું હતું. હતભાગીના ભાઈ નિર્મલસિંગ સુખમિંદરસિંગ બરાડએ મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમના ભાઈ કરમસિંગ જનરલસિંગ ગીલને જીજે. ૧ર. બીડબ્લ્યુ. ૩પ૩૯ નંબરના ટ્રેલર ચાલકે હડફેટમાં લેતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે ફરાર થઈ ગયેલા ટ્રેલર ચાલક સંદિપ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જવાહરનગરમાં પેપર પ્લાન્ટમાં રીલ પડતા મહિલાનું મોત

ગાંધીધામ : જવાહરનગર પાસે આવેલ તિરૂપતિ કાસ્ટ પેપર પ્લાન્ટમાં પેપરની રીલ પડતા કામદાર મહિલાનું મોત નીપજ્યું હતું. આદિપુરના દુબઈ ટેક્સટાઈલમાં રહેતી ર૬ વર્ષિય કોમલ ધર્મરાજ બુધ્ધીલાલ મીનાને બનાવમાં ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. હતભાગી પર પેપરની રીલ પડતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ હતી, પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વ જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામના શખ્સને પીટ તળે કરાયો ફીટ

ગાંધીધામ : અહીંના સોનલનગરમાં રહેતા શખ્સને પોલીસે પીટ હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલ્યો છે. એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ પી.એન. ઝીઝુવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપી રોનક પ્રવીણભાઈ ઠક્કર વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ પાંચ ગુના દાખલ થયા હતા. જેને કારણે આરોપી વિરૂધ્ધ પીટ હેઠળની દરખાસ્ત કરાતા ઉચ્ચસ્તરીય મંજૂરી મળ્યે કાર્યવાહી હાથ ધરાઈ છે.

માંડવીના બાગ ગામે શ્રમિક પર હુમલો

માંડવી : તાલુકાના બાગ ગામે જામોતર ફળિયામાં બાઈક પર બેસીને મોબાઈલ પર વાત કરતા નૂરમામદ ઓસ્માણ સુમરા (ઉ.વ.૪પ)ને અચાનક પાછળથી આવીને મામદ ભચુ સુમરાએ ધારિયા વડે મારમાર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ચેક રીટર્ન કેસમાં માધાપરનો ભાગેડુ ઝડપાયો

ભુજ : ચેક રીટર્ન થયાના કેસમાં નલિયા કોર્ટ દ્વારા સજાનો હુકમ થયો હોવા છતાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપ્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે આરોપી ચંદુલાલ ગોવિંદ પરગડુને બાતમીને આધારે પકડી પાડી નલિયા કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

લાકડીયામાં વીમો પકવવા ડમ્પર ચોરીનું તરકટ

ભચાઉ : તાલુકાના લાકડીયામાં ચાર દિવસ પૂર્વે થયેલી ડમ્પર ચોરીની ફરિયાદ વીમાની રકમ મેળવવા ખોટી રીતે કરાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે ૩ વિરૂધ્ધ વિવિધ કલમો તળે ગુનો નોંધાયો છે. પીએસઆઈ વી.એલ. પરમારે આરોપી રણજીતસિંહ મોકાજી જાડેજા, વિક્રમસિંહ મોકાજી જાડેજા અને પ્રવીણ ભરવાડ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ડમ્પર ચાલકની પૂછતાછમાં ભાંડો ફૂટ્યા બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે.

ખાવડામાં મહિલા સહિત ૩ પર છરી-કુહાડીથી હુમલો

ભુજ : તાલુકાના મોટા દિનારામાં રહેતો નવાબ મુકીમ સમા ખાવડામાં ખરીદી કરવા ગયો હતો. ત્યારે સિધિક જુણસ સમા, અસલમ જુણસ સમા નામના બે યુવકોએ છરીથી હુમલો કર્યો હતો. જ્યારે અબાસ મામદ રહિમ સમા અને જુબેદાબેન મુકીમ સમા ઘરે હતા ત્યારે હનીફ જુણસ સમા, ઈબ્રાહીમ અબ્દુલ કરીમ સમાએ લોખંડના પાઈપ અને કુહાડીથી હુમલો કરતા ત્રણેયને ભુજની જીકેમાં સારવાર માટે ખસેડાયા હતા. ખાવડા પોલીસે બનાવને પગલે તપાસ હાથ ધરી છે.