બન્નીને રેવન્યુ વિલેજ અપાવવા ચાલતા સંનિષ્ઠ પ્રયાસો- વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્ય

0
38

હોડકો ખાતે વિધાનસભા અધ્યક્ષ શ્રી ડો. નીમાબેન આચાર્યએ રુ.૩૫૮.૩૧ લાખના ખર્ચે વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું

બન્નીને રેવન્યુ વિલેજ અપાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. અહીંના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તેમજ તમામ પ્રકારની સુખ અને સુવિધાઓ પ્રાપ્ત થાય અને માલધારીઓની સ્થળાંતરની સમસ્યા દૂર કરી શકાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. એવું હોડકો ખાતે રુ.૩૫૮.૩૧ લાખના ખર્ચે આ વિસ્તારના વિવિધ રસ્તા ના ખાતમુહૂત પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું.
હોડકોથી શેઠિયાવાડ રોડ, હોડકો થી બન્ની માલધારી સંગઠન ઓફિસ એપ્રોચ રોડ, હોડકો થી શિવ મંદિર રોડ, વાંંધુરા એપ્રોચ રોડ, લુણા થી વાંઢા કોલીવાસ માધવ નગર એપ્રોચ રોડ, ભીટારાથી વાઢા કોલીવાસ રામકૃષ્ણનગર એપ્રોચ રોડના ખાતમુહૂત પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રીએ માલધારીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સફેદ રણને વિશ્વના નકશામાં મૂકી દીધું છે જેના કારણે આ વિસ્તારનો વિકાસ જેટ ગતિએ થયો છે. પશુપાલનના વ્યવસાય સાથે ટુરિઝમ વધતાં અહીંના લોકોની રોજગારી પણ વધી છે ,આ સાથે સરકાર અહીંના લોકો માટે પ્રાથમિક સુખ- સુવિધાઓ વધે તે માટે પણ સતત પ્રયત્નશીલ છે. બન્ની એ દરેકના દિલમાં વસી ગયું છે. નર્મદાના પાણી આજે અહીંનો સમગ્ર વિસ્તાર પી રહ્યો છે જે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરદ્રષ્ટિ આભારી છે. આ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ થી લઈને અન્ય પ્રોજેક્ટ પણ આવ્યા છે જેના કારણે બન્ની- પચ્છમની રોજગારીમાં વધારો થશે, લાઇટની સમસ્યાથી લઈને અન્ય સમસ્યાઓ પણ હલ થઈ જશે. તેમણે બન્નીના ઘાસ થી લઈને અહીંની હસ્તકલા અને માલધારીઓની જિંદાદિલીને પણ બિરદાવી હતી. તેમણે પ્રવાસીઓને આકર્ષવા માટે ભીરંડિયારાની માવા માર્કેટને વધુ વ્યવસ્થિત અને ડસ્ટ ફ્રી બનાવવા માટે પણ માલધારીઓને જણાવ્યું હતું.


આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી પારુલબેન કારાએ જણાવ્યું હતું કે, દાયકાઓ પહેલા અહીંનો વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતો પરંતુ આજે અહીં રોજગારીથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે .પશુપાલનના વ્યવસાય ને પ્રોત્સાહન મળવા સાથે અહીં પ્રવાસન વધતા રોજગારીમાં પણ વધારો થયો છે. અને આ માટે જ રોડ કનેક્ટિવિટી ખૂબ જરૂરીયાત છે જે અંતર્ગત જ સરકાર અહીં કરોડો રૂપિયા ફાળવીને રસ્તાઓ બનાવવા માટે કામગીરી કરી રહી છે. તેમણે અહીંની બહેનોના આંગળીના ટેરવે નીપજતી હસ્તકલાને બિરદાવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું માલધારી સમાજ તથા વિવિધ સમાજના આગેવાનશ્રીઓ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સર્વશ્રી આગેવાનશ્રીઓમાં સાલેમામદ ફકીર મામદ, હરિભાઈ આહીર, જયેશભાઈ ભાનુશાલી, ફકીર મામદ રાયસીપોત્રા ,દામજીભાઈ, રમજાનભાઇ જુડીયા, મિયા હુસેનભાઇ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.