રાપરમાં કોંગ્રેસની થશે પુનઃ ભવ્ય જીત : ભચુભાઈ આરેઠિયાનો હુંકાર

0
79

નામાંકન પત્ર ભરતા પૂર્વે રાપરમાં પાટીદાર સમાજવાડી ખાતે યોજાયેલી સભામાં માનવ મહેરામણ ઉમટી પડતા ખુરશીઓ ખુટી પડી : કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ફરી પંજાને જીતાડવા માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા આહવાન : ગત ટર્મમાં મળેલી ૧૭ હજારની લીડ વધીને આ વખતે ૩૦ હજારને પાર થશે તેવો વ્યક્ત કરાયો વિશ્વાસ

રાપર : કચ્છ જિલ્લાની છ બેઠકો પૈકી છઠ્ઠા નંબરની અને કોંગ્રેસનો ગઢ ગણાતી રાપર વિધાનસભા બેઠક પર આજે કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાએ પ્રચંડ જન સમર્થન સાથે રાપર મામલતદાર કચેરીમાં પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. આ વેળાએ ઉપસ્થિત લોકોએ ફરી એકવાર રાપરમાં કોંગ્રેસ આવે છે, તેવો બુલંદ નારો લગાવ્યો હતો. ફરી એકવાર રાપરમાં કોંગ્રેસની ભવ્ય જીત થશે. ગત ટર્મમાં સંતોકબેનને ૧૭ હજાર મતોની લીડ મળી હતી. આ વખતે ૩૦ હજારથી વધુ મતોની સરસાઈ સાથે ફરી એકવાર આ બેઠક પર પંજાનો પ્રભુત્વ થશે તેવો વિજય હુંકાર ઉમેદવાર ભચુભાઈ આરેઠીયા દ્વારા વ્યકત કરાયો હતો.આ અંગેની વિગતો મુજબ રાપર વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ દ્વારા માંડવી – મુંદરાના પૂર્વ ધારાસભ્ય અને ભચાઉના સ્થાનિક ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકીટ આપવામાં આવી છે, જેની સામે કોંગ્રેસ પક્ષે કદાવર નેતા અને પટેલ સમાજના મોભી અને પૂર્વ ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠીયાને મેન્ડેટ અપાયું છે. શરૂઆતથી આ બેઠક પર ભચુભાઈ આરેઠીયાનું નામ પાકું મનાતું હતું અને તેમને જ તક અપાતા આ વિસ્તારના કાર્યકરો અને મતદારોમાં ખુશીનો પાર રહ્યો નથી. આજે ફોર્મ ભરતા પૂર્વે રાપર ગુરૂકુળ રોડ પર આવેલી પટેલ સમાજવાડીમાં સભા યોજવામાં આવી હતી. આ સભામાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહેતા સભામંડપ પણ ટુંકો પડયો હતો. દિપ પ્રાગટય બાદ સભામાં ઉદ્‌બોધન કરતા કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાએ જણાવ્યું કે, રાપર વિધાનસભાના મતદારોએ મારી પર બીજી વખત વિશ્વાસ મુકયો છે. આ વિશ્વાસને હું નિભાવીશ. દરેક સમાજનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે. પાંચ વર્ષમાં લોકોના મહત્તમ પ્રશ્નો નિવારવા અને ખુટતી કડીની પૂર્તતા માટેના પ્રયાસો કર્યા છે અને આગળ પણ આ પ્રયાસો જારી રહેશે. ગત ટર્મમાં મારા પત્નિ સંતોકબેનને ૧૭ હજારથી વધુ મતોની લીડ મળી હતી. આ ચૂંટણીમાં આ લીડ વધીને ૩૦ હજારને આંબી જશે તેવો વિજય હુંકાર શ્રી આરેઠીયાએ વ્યકત કર્યો હતો. ભચુભાઈ આરેઠીયાએ પ્રજાજનોને નિખાલશ અનુરોધ કરતા કહ્યુ હતુ કે, મેં ગત પાંચ વર્ષમા ંઆખાય રાપર વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓથી માંડીને અનેકવીધ વિકાસકામો કર્યા છે. શ્રી આરેઠીયાએ ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, સૌથી વધારે વિકાસકામો રાપર વિસ્તારમાં થવા પામ્યા છે જેના આંકડાઓ પણ બોલી રહ્યા છે. તેઓએ કહ્યુ કે, આ વિસ્તારમાં રોડ રસ્તા, પાણી, વિજળી, સહિતના મામલે જે કામો પાંચ વર્ષમાં અમારા દ્વારા કરવામાં આવ્યા છે તેને જોઈને રાપરની જનતા મને ચોકકસથી ફરીથી વિજયી બનાવશે તેવો વિશ્વાસ પણ વ્યકત કરવામાં આવ્યો હતો. આ તબક્કે તેઓએ વિસ્તારના સૌ જુના કોંગી આગેવાનોને પણ યાદ કર્યા હતા. સભામાં ભરતભાઈ છગનભાઈ ઠક્કરે આ વખતે પણ કોંગ્રેસના જ ઉમેદવારને વિજેતા બનાવવા માટે મંડપમાં હાજર લોકોને અપીલ કરી હતી. બળુભા જાડેજાએ ભચુભાઈ આરેઠીયા પરિવારની કામગીરીને બિરદાવી હતી. ભુરાભાઈ મકવાણાએ કહ્યું કે, કોંગ્રેસ પક્ષે હંમેશા રાપર વિધાનસભા ક્ષેત્રની ચિંતા કરી છે ત્યારે આપણે તેમને ફરી તક આપીએ તેવું કહ્યું હતું. નાનજીભાઈ પીરાણાએ કોંગ્રેસ તરફી મતદાન કરવા હાકલ કરી હતી. સભાનું સંચાલન વસંતભાઈ મહેશ્વરી અને ખીમજીભાઈ આરેઠીયાએ કર્યું હતું. આભારવિધિ ભચુભાઈ આરેઠીયા અને ભીખુભાઈ સોલંકીએ કરી હતી. સભા બાદ રાપર મામલતદાર કચેરી ખાતે વિજય મુર્હૂતમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. આજ રોજ યોજાયેલા કાર્યકર્તા સ્નેહમિલનમાં ભરતભાઈ ઠક્કર, બળુભા જાડેજા, ગણેશાભાઈ ઉંદરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, આમદભાઈ, વશંતભાઈ મહેશ્વરી, ભીખુભાઈ રાજપુત, વિનયભાઈ પરસોંડ પ્રમુખ શહેર કોંગ્રેસ, દેવાભાઈ ડોડીયા, ભુરાભાઈ મકજવાણા, બહાદુરભાઈ પરમાર, ધારાભાઈ ભરવાડ, કાન્તીલાલ ઠક્કર, રમજુભાઈ રાઉમા, અજીતસિંહ પરમાર, મહેશભાઈ ઠાકોર, રમેશભાઈ પટેલ, રણછોડભાઈ આહિર, મમુભા જાડેજા, વાલજીભાઈ આહિર, દિલીપસિંહ જાડેજા, ઉદેસિંહ જાડેજા, ભાવનાબેન ઠાકોર, નવલબેન બાભણીયા, ઉકાભાઈ મુરાડીયા, નરેન્દ્રભાઈ રાજપુત, બાબુ મારાજ ,ધર્મેન્દ્રસિંહ પરમાર, બળુભા જાડેજા, બહાદુરસિંહ રાજપુત, રમેશભાઈ ચાવડા ઉપસ્થિત
રહ્યા હતા.