અબડાસા બેઠક પર કોંગ્રેસનો ઘોડો આગળ : ભાજપ માટે કપરા ચઢાણ

0
72

નો રીપીટ થીયરીનું મેંણું ભાંગનારા પ્રદ્યુમનસિંહ જાડેજાની જીતની હેટ્રીક રોકવા કોંગ્રેસે લઘુમતી આગેવાનને મેદાને ઉતારી પાસા ફેંકવામાં સફળ થયાનું ઉપસતું ચિત્ર : ભાજપની વોટબેંકમાં ગાબડું પાડી શકે તેવા અપક્ષો પણ ઉતર્યા છે મેદાને : ગુજરાતની પ્રથમ ક્રમની વિધાનસભા બેઠક પર રાજકીય માહોલ ચરમચીમાએ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ફોર્મ ભરતી વેળાએ ખુદ ઉપસ્થિત રહ્યા જેના પરથી આ બેઠકનું મહત્વ કેટલું છે તે સ્પષ્ટપણે જણાય છે : કચ્છમાં ઉમેદવારના ફોર્મ ભરતી વેળાએ સીએમ ઉપસ્થિત રહ્યા હોય તે આ પ્રથમ બનાવ

ભુજ : લોકશાહીના મહાપર્વ એવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ રાજકીય ઉત્કંઠા ચરમસીમાએ પહોંચી રહી છે. ચૂંટણીને લઈને અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ ગરમાવો તેજ બની ગયો છે. કચ્છ જિલ્લો આમ તો ભાજપના ગઢ સમાન માનવામાં આવે છે પરંતુ વિધાનસભાની પ્રથમ ક્રમની એવી અબડાસા બેઠક ભાજપ હોય કે કોંગ્રેસ દરેક માટે દર વખતે આંચકો આપનારી બની રહેતી હોય છે. અબડાસા બેઠક પર ૧૯૬ર થી લઈ ર૦૧૭ સુધી એક પણ ઉમેદવારે સતત બીજી વખત જીત નોંધાવી ન હતી. રાજકીય પક્ષો દ્વારા ભલે ઉમેદવારને રીપીટ કરાયો હોય પરંતુ આ બેઠકના મતદારોએ તો હરહંમેશ નો રીપીટ થીયરી જ અપનાવી છે. જો કે, નો રિપીટ થીયરીનું મેણું પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાંગ્યું હતું ત્યારે આ વખતે તેમના જીતની હેટ્રીક રોકવા કોંગ્રેસે પીઢ અને સબળ લઘુમતી આગેવાન મામદ જુંગ જતને ટિકીટ ફાળવી પાસા ફેંકવામાં સફળ થયાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આ અંગેની વિગતો મુજબ ર૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં અબડાસા બેઠક પરથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી પ્રદ્યુમનસિંહ જાડેજા વિજયી બન્યા હતા. જો કે, ર૦ર૧ માં ગુજરાતના અન્ય ધારાસભ્યોની સાથે પ્રદ્યુમનસિંહે પણ રાજીનામુ આપી ભાજપ સાથે જોડાયા હતા. પેટા ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકીટ આપી મેદાને ઉતાર્યા હતા. પીએમ જાડેજાએ પણ દમખમ દેખાડી ઐતિહાસિક લીડ સાથે જીત મેળવી નો રીપીટ થીયરીનું મેંણું ભાંગ્યું હતું. આ વખતે ભાજપે પુનઃ પ્રદ્યુમનસિંહને ટિકીટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. અબડાસા બેઠક પર લઘુમતી મતદારોનો વર્ચસ્વ હોઈ કોંગ્રેસે જિલ્લા પંચાયતના સદસ્ય, પીઢ આગેવાન અને તમામ સમાજોને સાથે લઈને ચાલનારા મામદ જુંગ જતને ટિકીટ ફાળવી ભાજપની જીતને રોકવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વખતે આમ આદમી પાર્ટીએ પટેલ ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યો છે. આ ઉપરાંત અન્ય સબળ અપક્ષ ઉમેદવારો પણ મેદાને હોઈ ભાજપને નુકશાન થાય તેવા સમીકરણો રચાયા છે. કોંગ્રેસ પક્ષે મુસ્લિમ આગેવાન પર કળશ ઢોળયા બાદથી જ મુસ્લિમ સમાજના લોકો એકજુટ બન્યા હોઈ આ બેઠક પર અત્યારથી મામદ જુંગ જતનો ઘોડો વીન તરફ જતો દેખાઈ રહ્યો છે. અબડાસા વિધાનસભા બેઠકમાં અબડાસા, લખપત તેમજ નખત્રાણા તાલુકાનો સમાવેશ થાય છે. ગત વિધાનસભાની ચૂંટણી બાદ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય સમીકરણોમાં મોટા ઉલટફેર જોવા મળ્યા હતા. લખપતની સાથોસાથ અબડાસા તાલુકા પંચાયત પર પણ કોંગ્રેસે કબજો જમાવ્યો હતો. પાછલા દોઢ બે વર્ષ દરમ્યાન આ બેઠક પર રાજકીય સમીકરણોમાં ઝડપભેર ઉલટફેર થયા છે ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં તેના પડઘા પડે તેમ હોઈ ભાજપ માટે સ્યોર સીટ બની ગયેલી અબડાસા બેઠક પર હાલ તુરંત કેસરીયા બ્રિગેડ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે.

ભુજ-રાજસ્થાન જેલમાં કેદ બંદીવાનને બહાર લાવી ભાજપ-કોંગ્રેસ પોતાના ચોગઠા ગોઠવશે

અબડાસામાં કોંગ્રેસ મત એકત્ર કરવા જેલમાં કેદને છોડાવવા તજવીજઃ ભુજમાં કોંગ્રેસના મત ડાયવર્ટ કરવા ભાજપ પાલારા જેલમાં કેદ યુવકને બહાર લાવવા જોર લગાવશે

ભુજ : રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને ત્યાંની જેલમાં કેદ અબડાસાના બંદીવાનને બહાર કાઢી કોંગ્રેસના મત એકત્ર કરવાની ફિરાકમાં કોંગ્રેસના અગ્રણીઓ હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસના મત અન્ય પક્ષમાં ડાયવર્ટ કરવા માટે ભાજપ એક નવી તરકીબ અપનાવે તેવા એંધાણ ઉભા થયા છે, પાલારા જેલમાં કેદ યુવકને બહાર લાવી કોંગ્રેસના મત ડાયવર્ટ કરી પોતાનો રસ્તો કલીયર કરવાની વેતરણમાં છે.અબડાસા કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારને જીતાડવા માટે રાજસ્થાનના મંત્રીઓએ ધામા નાખ્યા છે તો રાજસ્થાનની જેલમાં કેદ અબડાસાના શખસને ચુંટણી ટાણે બહાર લાવવા માટેની ગતીવિધીઓ તેજ બનાવાઈ છે જેથી કોંગ્રેસના મત એક્ત્ર કરી અને જીતાડી શકાય. બીજી તરફ, ભુજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારના મતને અન્ય પક્ષમાં ડાયવર્ટ કરવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે તેના માટે એક નવી તરકીબ અપનાવે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ભુજની પાલારા જેલમાં કેદ રહેલા એક યુવકને ચુંટણી ટાણે બહર કાઢી કોંગ્રેસના મત અન્ય પક્ષમાં ડાયવર્ટ કરાવશે જેથી ભાજપનો રસ્તો કલીયર બની જાય તેમ છે. આમ, ભુજ અને રાજસ્થાન જેલમાં કેદ રહેલા બંદીવાનને બહાર કાઢી ભાજપ કોંગ્રેસ બંને પક્ષ પોતાનો રસ્તો કલીયર કરવાની ફિરાકમાં છે. આ બંને બંદીવાન બહાર આવી ચુંટણી પ્રચારમાં જોડાશે તો ચોગઠા ગોઠવાઈ જશે.