ભુજ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી મેળવ્યા આશિર્વાદ

0
77

કોંગ્રેસ ભવન ખાતે ઉમેદવાર અરજણભાઈ ભુડિયાનું કરાયું ભાવભેવ સ્વાગત

ભુજ : વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ તમામ રાજકીય પક્ષો એક્શનમાં આવી ગયા છે. કચ્છની ૬ વિધાનસભા બેઠકો પર ભાજપ, આમ આદમી પાર્ટી દ્વારા બેઠકો પર ઉમેદવારોનું નામ જાહેર કરી દેવાયા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની નામનું લિસ્ટ ગુરૂવારે રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. ભુજ બેઠક પરથી માધાપરના અગ્રણી અરજણભાઈ ભુડિયાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે અરજણભાઈએ આજે સવારે સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોના દર્શન કરીને ચૂંટણી પ્રચાર પ્રસારનો પ્રારંભ કર્યો હતો. સર્વ પ્રથમ સ્વામિનારાયણ મંદિર ખાતે જઈ દર્શન કર્યા બાદ સંતોના આશિર્વાદ મેળવ્યા હતા.

પત્રકારો સાથે વાતચીત કરતા ઉમેદવાર અરજણભાઈ ભુડિયાએ જણાવ્યું કે, ભુજ વિધાનસભાના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને બહુમતિથી જીત અપાવશે. છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ આચર્યો છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટો પાસ કરવામાં આવી, કામો થયા તે પણ અધુરા થયા. ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધી ગયો. ખેડૂત હોય કે આમ આદમી તેના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવતું નથી. રાહુલ ગાંધીજીના ૮ વચનો લઈને કોંગ્રેસના ઉમેદવારો લોકો સુધી પહોંચશે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો જે વાયદાઓ કરાયા છે તે તાત્કાલિક રીતે પૂર્ણ કરાશે. શિક્ષણ, આરોગ્ય સહિતની સુવિધાઓ પણ ખુબ જ કથડી ગઈ છે. કોંગ્રેસ સરકાર આવ્યા બાદ તરત જ તમામ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી હતી.

મંદિર બાદ કાર્યાલય ખાતે કોંગ્રેસના ઉમેદવાર અરજણભાઈ ભુડિયાનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તેમને તિલક કરીને તમામ કોંગ્રેસ કાર્યકરતાઓએ આવકાર્યા હતા. આ તકે તેમની સાથે માધાપર નવાવાસના સરપંચ પ્રેમિલાબેન ભુડિયા, દિપકભાઈ ડાંગર, પી.સી. ગઢવી, રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, પ્રેમસિંહ સોઢા, રાજેશ ઠક્કર, ધિરજ રૂપાણી, માનસી શાહ, કિશોરદાન ગઢવી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જાેડાયા હતા.