મફત ડોઝની અવધી પૂર્ણતા ભણી : પ્રિકોશન ડોઝ લેવામાં કચ્છીઓ નિરસ

0
30

જિલ્લામાં અત્યાર સુધી માત્ર ર,૬૯,૦પ૮ પુખ્ત વયના લોકોએ જ મુકાવી ત્રીજી રસી : પ્રથમ અને બીજા ડોઝની સરખામણીએ આંકડો ખુબ જ નીચો : તમામ પુખ્ત વયના લોકોને ૧૫ જુલાઈથી કોરોના રસીના મફત પ્રિકોશન ડોઝ આપવાની શરૂ કરાયેલ ૭પ દિવસની ઝુંબેશ ૩૦મીએ થશે પૂર્ણ

(બ્યુરો દ્વારા)ભુજ : ભારત સરકારે ૧૫ જુલાઈથી તમામ પુખ્ત વયના લોકોને કોરોના રસીના મફત પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કર્યું. આ ૭૫ દિવસનું મફત રસીકરણ અભિયાન હતું, જે અંતર્ગત ૧૮-૫૯ વર્ષની વયના લોકોનું કોવિડ રસીકરણ ચાલી રહ્યું છે. આ અભિયાનનો સમયગાળો ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે. સરકારે જ્યારે ફ્રી પ્રિકોશન ડોઝ અભિયાન શરૂ કર્યું ત્યારે એવી અપેક્ષા હતી કે મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લેશે અને રસી મેળવશે, પરંતુ એવું થયું નહીં. અન્ય વિસ્તારોની જેમ કચ્છમાં પણ પ્રથમ અને બીજા ડોઝની સરખામણીએ ત્રીજા ડોઝની ટકાવારી ખુબ જ નીચી રહેવા પામી છે, તેમાં પણ સીનીયર સીટીઝનોની સરખામણીએ ૧૮ થી પ૯ વર્ષની વયજુથનો આંકડો તો એનાથીય પણ ઘણો જ નીચો જોવા મળી રહ્યો છે.આ અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રવિન્દ્ર ફુલમાળીએ કચ્છઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કચ્છમાં ગઈકાલ સુધી ૧૭,૯૬,૬૬પ લોકોએ પ્રથમ જ્યારે ૧૭,રર,ર૭૩ લોકોએ બે ડોઝ મુકાવી લીધા છે. પ્રિકોશન ડોઝ લેનારાઓની સંખ્યા ૩,૯૯,ર૦૯ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી માત્ર ર૬ ટકા લોકોએ જ પ્રિકોશન ડોઝ લીધેલ છે. ૧૮ થી પ૯ વર્ષની વયજૂથ વિશે તેમણે કહ્યું કે, ૧૩,૩૧,૯૩ર ના ટાર્ગેટ સામે માત્ર ર,૬૯,૦પ૮ લોકોએ રસી મુકાવતા આ વયજુથની રસીની ટકાવારી માત્ર ર૦ ટકા થાય છે. રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ કચ્છમાં પણ પ્રિકોશન ડોઝ લેવામાં લોકોમાં નિરસતા જોવા મળી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, હજુ કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી. રાજ્યના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ એકલ – દોકલ કેસો દેખા દઈ રહ્યા છે, ત્યારે આ મહામારી સામે રક્ષણ મેળવવા પ્રથમ અને બીજા ડોઝની જેમ પ્રિકોશન એટલે કે, ત્રીજો ડોઝ પણ અતિ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

લોકો રસી લેવા માટે શા માટે અચકાય છે?

ભુજ : સાવચેતીના ડોઝ લેતા લોકોની ઓછી સંખ્યા અંગે, જાણકારો એવું જણાવી રહ્યા છે કે, હવે કોરોનાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ચેપની તીવ્રતા ઘટી છે. આ જ કારણ છે કે લોકો કોરોના રસીકરણને બિનજરૂરી માનવા લાગ્યા છે. જ્યારે કોવિડના કેસ વધે છે, ત્યારે રસીકરણના આંકડામાં ઉછાળો આવે છે. લોકો રસીકરણને લઈને પણ ખચકાટ અનુભવે છે કારણ કે તેઓ જોઈ રહ્યા છે કે જેમણે બંને ડોઝ લીધા છે તેમને પણ કોરોના થઈ રહ્યો છે.

મફત ડોઝની મુદ્દત વધવાની સંભાવના

ભુજ : કોરોના મહામારીથી બચવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનના બે ડોઝ લઈ લીધેલા હોય તેમને મફત ત્રીજો ડોઝ એટલે કે પ્રીકોશન ડોઝ આપવાની શરૂઆત ૭૧ દિવસ પહેલા કરવામાં આવી છતા લોકોના મનમાંથી કોરોનાનો ડર નિકળી ગયો હોય તેમ ફોન તેમજ મેસેજ કરવા છતા લોકો ત્રીજો ડોઝ લેવા આવતા નથી. સરકારે આપેલ મુદત પૂર્ણ થવાના આરે ફક્ત ત્રણ દિવસ બાકી હોય છતા આજ સુધીમાં નોંધનીય કામગીરી થઈ ન હોઈ સરકાર દ્વારા મુદત વધારવાની તૈયારીઓ આરંભાઈ છે. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ બીજો ડોઝ લીધેલા તમામ લોકોને લગભગ છ મહિનાનો સમય થઈ ગયેલ હોય સરકાર કાયમી ધોરણે આરોગ્ય કેન્દ્ર ખાતેથી પ્રીકોશન ડોઝ આપશે, તેવું લાગી રહ્યું છે.