ટાગોર રોડ પર અકસ્માત સર્જનારા પટેલ ટ્રાવેલ્સના ચાલક સામે ફરિયાદ

0
29

શ્રમીક પરિવારના ત્રણ સંતાનો નોંધારા બન્યા

ગાંધીધામ : બે દિવસ પૂર્વે ગાંધીધામના ટાગોર રોડ પર બીએસએનએલની ઓફિસ સામે પટેલ ટ્રાવેલ્સની બસ નં.એનએલ-૦૧બી-રર૪રના ચાલકે પૂર ઝડપે બસ હંકારી ફરિયાદી અંબાજીના કાળાભાઈ લશમાભાઈ પરમારના ભાઈને હડફેટમાં લઈ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મરણજનાર પાવરાભાઈ થાવરાભાઈ (ઉ.વ. ૪૦)એ આજથી ૮ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરી ગાંધીધામ સ્થાઈ થયા હતા. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જોકે, પત્ની કોઈની સાથે ભાગી ગઈ હતી. જેથી ત્રણ સંતાનો અને થાવરાભાઈ થોડા સમય વતનમાં રહ્યા બાદ મહિના પહેલાં ગાંધીધામ આવ્યા હતા. ફરિયાદી કાળાભાઈ પોતાના ઘરે હતા ત્યારે અંબાજી પોલીસમાંથી ફોન આવ્યો કે, તમારા ભાઈનું અકસ્માત થયું છે. જેથી તેઓ અહીં આવ્યા ત્યારે જીઆઈડીસીમાં રહેતા ભાઈના ઘરે પહોંચ્યા અને પોલીસને મળ્યા બાદ જાણવા મળ્યું કે, પટેલ ટ્રાવેલ્સની બસના ચાલકે ટક્કર મારતા ભાઈનું મોત થયું છે ત્યારે ૮ વર્ષના દીકરા અર્જુનને ઈજાઓ થઈ હતી. જેથી બાળકો અને લાશનો કબજો સંભાળી લીધા બાદ ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.