જિ.પં.ની સામાન્ય સભામાં સમિતિઓના સદસ્યો વરાયા : ચેરમેનોની વરણી બાકી

વિવિધ આઠ સમિતિઓની અઢી વર્ષ માટેની રચનાને સદસ્યો દ્વારા અપાઈ બહાલી : સામાન્ય સભામાં વિપક્ષે ધારદાર પ્રશ્નોતરી કરી

ભુજ : આજરોજ કચ્છ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિવિધ સમિતિઓના સદસ્યોની વરણી કરવામાં આવી હતી. જો કે ચેરમેનોની વરણી બાકી રાખવામાં આવી છે. જિલ્લા પંચાયત દ્વારા વિવિધ આઠ સમિતિઓની અઢી વર્ષ માટેની રચનાને સદસ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયતમાં પ્રમુખ પારૂલબેન કારાના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ વણવીરભાઈ રાજપુત અને સચિવ ભવ્ય વર્માની હાજરીમાં આ સામાન્ય યોજાઈ હતી. જેમાં અગાઉની સામાન્ય સભામાં થયેલી કાર્ય નોંધને બહાલી આપવામાં આવી હતી. બાદમાં પ્રશ્નોતરી કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગના પ્રશ્નો વિપક્ષના સદસ્યોએ પુછયા હતા. જેનો જવાબદારો દ્વારા જવાબ અપાયો હતો. બાદમાં પંચાયત દ્વારા જે પગલાઓ લેવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવી હતી. આજની આ સામાન્ય સભામાં કારોબારી સમિતિ, સામાજીક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિની સમિતિ રચના કરાઈ હતી. મહત્વની બાબત એ છે કે, આ સમિતિઓમાં માત્ર સદસ્યોની વરણી કરવામાં આવી છે. ચેરમેનોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આગામી સમયમાં સમિતિઓના અધ્યક્ષની વરણી કરવામાં આવશે.જિલ્લા ભાજપના મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, આજની સામાન્ય સભામાં સમિતિઓના સદસ્યો વરાયા છે. પંચાયત અધિનિયમ પ્રમાણે આ સમિતિઓના સદસ્યો મિટીંગ યોજી ચેરમેનની વરણી આગામી સમયમાં કરશે તેવું ઉમેર્યું હતું.

જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સદસ્યોની યાદી

કારોબારી સમિતિ : મ્યાઝરભાઈ અરજણભાઈ છાંગા, મહેન્દ્રભાઈ નારાયણ ગઢવી, મારવાડા પુરસોત્તમ મગનલાલ, નયનાબેન ધીરજલાલ પટેલ, દામજીભાઈ કરશનભાઈ ચાડ, વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવી, રાણીબેન નવીનભાઈ ઝરૂ, ભચુભાઈ ભોજાભાઈ વૈધ, રબારી મશરૂભાઈ રીણાભાઈ
સામાજિક ન્યાય સમિતિ : કુંવરબેન પ્રકાશભાઈ મહેશ્વરી, કેશવજીભાઈ વાંછીયાભાઈ રોશિયા, મારવાડા પુરૂષોત્તમ મગનલાલ, લીલાબેન પ્રવિણભાઈ રાઠવા, કંચનબેન વાઘેલા,
શિક્ષણ સમિતિ : જયશ્રીબા રાજુભા જાડેજા, જયાબેન બાબુભાઈ ચોપડા, લીલાબેન પ્રવીણભાઈ રાઠવા, નીતાબેન નરેન્દ્રદાન ગઢવી, જનકસિંહ બળવંતસિંહ જાડેજા, મનીષાબેન અરવિંદભાઈ વેલાણી, મારવાડા પુરસોત્તમ મગનલાલ, કિરીટસિંહ જાડેજા, કૈલાસબેન ભટ્ટ
જાહેર આરોગ્ય સમિતિ : કરશનજી બાબુભા જાડેજા, સોનબાઈ ખેતશીભાઈ થરિયા, રહીમાબાઈ જાની રાયશી, કૈલાસબા પ્રદ્યુમનસિંહ જાડેજા, ભચુભાઈ ભોજાભાઈ વૈધ
અપીલ સમિતિ : પારૂલબેન રમેશભાઈ કારા, વાગવીરભાઈ ભોજાભાઈ રાજપૂત, મહેન્દ્રભાઈ નારાણ ગઢવી, રૂપેશભાઈ રણમલભાઈ છાંગા
જાહેર બાંધકામ સમિતિ : વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવી, જનકસિંહ બળવંતસિંહ જાડેજા, મનીષાબેન અરવિંદભાઈ વેલાણી, હરી હીરાભાઈ જાટીયા, ગંગાબેન કલ્યાણજી સેંઘાણી
મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ : ગંગાબેન કલ્યાણજી સેંઘાણી, કંકુબેન ભગાભાઈ આહિર, જયશ્રીબા રાજુભા જાડેજા, કુંવરબેન પ્રકાશભાઈ મહેશ્વરી, લક્ષ્મીબેન દેવશી પાતારિયા
ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ : ઘેલાભાઈ દાનાભાઈ ચાવડા, ધનજીભાઈ નારાણભાઈ હુંબલ, રાજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, મહાવીરસિંહ મહાદેવભાઈ જોગુ, મ્યાઝરભાઈ અરજણભાઈ છાંગા

  • વિપક્ષી ઉપનેતા તકીશા બાવાએ સામાન્ય સભામાં પ્રશ્નોની રચી હારમાળા

સામાન્ય સભાના પ્રારંભે તકીશા બાવાનું માઈક બંધ હોતા થયા ગરમ

ભુજ : જિલ્લા પંચાયતની નવી બોડીની આજે બીજી સામાન્ય સભા યોજવામાં આવી હતી ત્યારે વિપક્ષી ઉપનેતા સૈયદ તકીશા બાવા ઈબ્રાહીમશાએ પોતાના વિસ્તારના થોકબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ગત વર્ષે વરસાદના કારણે ધોવાયેલા અબડાસાના માર્ગો આજે પણ ખરાબ હોવાથી ગામોના રસ્તા બ્લોક થઈ જાય છે. જેથી રસ્તા બનાવામાં આવે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અબડાસા તાલુકામાં ૧૭ લઘુમત્તિ સહિત કચ્છમાં એકપણ મુસ્લિમને યોજનામાં સમાવાયા નથી. તેની પાછળ ટેકનિકલ ભુલ લેખાવાય છે. જેથી તાત્કાલિક સોફ્ટવેર સુધારી કચ્છના લઘુમત્તિ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવે, આયોજનની મીટિંગમાં ધારાસભ્યએ પ્રભારી મંત્રી પાસે ખોટી રજૂઆત કરી આયોજનના કામમાં ફેરફાર કર્યા હતા જે અંગે યોગ્ય કરવામાં આવે, નલિયા સીએચસીમાં ત્રણ ડોક્ટરના સેટઅપ સામે માત્ર એક જ ડોક્ટર ફરજ બજાવે છે અન્ય બે તબીબને ભરતી કરવામાં આવે, અબડાસા તાલુકામાં ૮પ ગ્રામ પંચાયતોમાં ર૬ તલાટીઓની ઘટ છે ત્યારે તલાટીઓની ભરતી થાય, અબડાસામાં માર્ગ અને મકાન વિભાગે ઝાડી કટિંગની કેટલી કમગીરી કરી તેની વિગતો માંગી હતી તો ગત વર્ષે વરસાદના કારણે મંધરા, ચરોપડી, ગોયલા ડેમ સહિતના ડેમો તુટી ગયા હતા તેનું રિપેરિંગ કામ હજુ સુધી હાથ લેવાયો નથી.અબડાસા તાલુકા પંચાયત હસ્તક હાથ ધરવામાં આવેલા મનરેગાના કામોમાં મોટાપાયે ગેરરિતીના આક્ષેપો થતા પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં તે સમયના બે ટીડીઓ અને એક મદદનીશ તાલુકા અધિકારી, સરપંચ, તલાટીઓ, કરાર આધારીત કર્મચારીઓ હાલ જામીન મુક્ત છે ત્યારે નાણાકીય ઉચ્ચાપતની રિક્વરી માટે જિલ્લા પંચાયતે શું તપાસ કરી છે. આ પ્રકરણમાં તપાસ સમિતિ રચી વિપક્ષને સાથે રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અબડાસામાં બોક્ષ કન્વટ અને પુલિયાના કેટલા કામો થયા તેની માહિતી માંગી હતી. અબડાસામાં વિન્ડ એનર્જી માટે સરકારની ઉદાર નીતીના કારણે ઘણા પ્રોજેક્ટો આવ્યા છે. તંત્રની પરવાનગીથી જમીનો મંજૂર થાય છે, પરંતુ જમીનો પર વીજ ટાવર ઊભા કરવા અને વીજ પ્રવહન માટે લાઈનો નાખવા કોઈ મંજૂરી આપવામાં આવી નથી, પવનચક્કીઓની કંપનીઓ સરકારી અને ગૌચર જમીનોમાંથી રોડ-રસ્તા બનાવે છે. જેના લીધે ગામોમાં વિવાદના બીજ રોપાયા છે. કલેક્ટર દ્વારા ફાળવાયેલી જમીનોના કરની રકમ ગ્રામ પંચાયતમાં ભરવા પાત્ર કરવેરાની રકમ ગ્રામ પંચાયતમાં ભરાતી નથી જેની કડક વસૂલાત થાય તેવી માંગણી કરાઈ છે તો જખૌમાં મીઠા ઉદ્યોગના કારણે ભૂતળના પાણી ખારા થઈ ગયા છે, બોર ફેલ થઈ ગયા છે જેથી ખેડૂતોને નુકશાન થાય તેનો વચલો રસ્તો કાઢવામાં આવે, ગૌચર વિકાસના પાયલોટ પ્રોજેક્ટમાં કચ્છમાં કેટલી કામગીરી થઈ ? અબડાસા તાલુકામાં ખેડૂત સાયની રકમ લાભાર્થી ખેડૂતને બદલે ભળતી વ્યક્તિઓના ખાતામાં જમા થઈ હોવાના ફરિયાદો બાદ તંત્રએ શું તપાસ કરી તેનો અહેવાલ માંગ્યો હતો.

જિલ્લા પંચાયતમાં અમને પણ ચેમ્બર આપો : વિપક્ષ ભૂતકાળમાં નથી આપી, આ વખતે પણ ચેમ્બર નહીં મળે : પ્રમુખ

ભુજ : જિલ્લા પંચાયતમાં વિપક્ષને પણ ચેમ્બર આપવામાં આવે તેવી માંગ ફરી એક વખત આજની સામાન્ય સભામાં કરવામાં આવી હતી.વિપક્ષી સભ્યોએ જિલ્લા પંચાયત કચેરીમાં બેસવા માટે ચેમ્બરની માંગણી કરી હતી. જોકે, પ્રમુખ પારૂલબેન કારાએ માંગણી ફગાવી કહ્યું કે, ભૂતકાળમાં પણ વિપક્ષને ચેમ્બર અપાઈ નથી. જેથી આ વખતે પણ ચેમ્બર મળશે નહીં. ગત બોડીમાં પણ વિપક્ષે ચેમ્બર માટે ડીડીઓ સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ છેક સુધી ચેમ્બર મળી ન હતી.

વૃક્ષારોપણ કરતાં વૃક્ષ ઉછેર અભિયાન ચલાવવાની વધારે જરૂરિયાત : જિ.પં. પ્રમુખ

જિલ્લા પંચાયત કચેરીમાં કરાયું વૃક્ષારોપણ

ભુજ : આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્વે જિલ્લા પંચાયત કચેરીમાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાનો જન્મ દિવસ હોવાથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રમુખ પારૂલબેન કારાએ કહ્યું કે, કોરોનામાં આપણે ઓક્સિજનની ઘટનો સામનો કર્યો છે. હાલમાં વાતાવરણમાં કાર્બનડાયોકસાઈડ વધી રહ્યો છે ત્યારે વાતાવરણમાં ઓક્સીજનનું મહત્વ વધારવા માટે વૃક્ષારોપણ જરૂરી છે. વૃક્ષારોપણ કરતાં હાલમાં વૃક્ષ ઉછેર અભિયાન ચલાવાની વધારે જરૂરિયાત છે. ફોટા પડાવા માટે વૃક્ષોનું રોપણ કરવાના બદલે વૃક્ષોનો ઉછેર કરીએ તેમજ ખુલ્લા વિસ્તારો, ચોકમાં વૃક્ષો વાવી હરિયાળીનું વાતાવરણ ઉભુ કરીએ તેવું કહ્યું હતું.