ભુજમાં ઈદે મિલાદુન્નબીની ઉમંગભેર ઉજવણી

0
46

પયગંબર હજરત મહમ્મદના જન્મદિન નિમિત્તે જુલુસ સહિતના યોજાયા કાર્યક્રમો : મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉજવણીમાં જાેડાયા : માનવજાતની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મંગાઈ દુઆઓ

ભુજ : પોતાના ઈમામને કાયમ રાખી, ગરીબો અને નિરાધારોની મદદ કરવી એ જ ઈદની સાચી ખુશી છે તેવા પૈગામ સાથે ભુજ શહેર-તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી.

હજરત મહમ્મદ પયગંબરનો જન્મદિવસ ઈદે મિલાદુન્નબીના તહેવાર તરીકે ઉજવાય છે. આ પ્રસંગે શહેરમાં વિવિધ સંસ્થાઓ અને ઈદ કમિટીઓના ઉપક્રમે જુલુસ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના માર્ગ પર નાત શરીફ પઢવાની સાથે બહોળી સંખ્યામાં મોમીનો ઈદ જુલુસમાં સામેલ થયા હતા. શહેરના માર્ગો પર વાજતે-ગાજતે ઈદ જુલુસ નીકળ્યું હતું. વિવિધ સંસ્થાઓ દ્વારા જુલુસના માર્ગ પર દૂધ, ખજુર, મિઠાઈ, સરબત સહિત ન્યાઝ વિતરણ કરવામાં આવી હતી.  ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમિત્તે સમગ્ર માનવજાતની શાંતિ અને સમૃદ્ધિની દુઆઓ માંગવામાં આવી હતી.

ભુજ ખાતે મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા શહેરના આઝાદ ચોકથી ખારસરા મેદાન સુધી જુલુસ નિકળ્યું હતું. ભુજના સ્ટેશન રોડ, જુના બસ સ્ટેશન, હમીરસર તળાવ, ખેંગારબાગ, સંજાેગનગર થઈને ઈદ જુલુસ ખારસરા મેદાને પહોંચી સભામાં ફેરવાયું હતું. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ ડીવાયએસપી આર.ડી.જાડેજા, એ-ડિવિઝનના પીઆઈ આર.આઈ. સોલંકી, એલસીબી પીઆઈ સંદીપસિંહ ચૂડાસમાનું વિશેષ સન્માન કરાયું હતું. સંસ્થાના પ્રમુખ સૈયદ અહેમદશા, મહિફલે બાગે રસુલ સમિતિના ઉપપ્રમુખ મામદ સિદિક જુણેજા, ઈબ્રાહીમ હાલેપોત્રા, હિતરક્ષક સમિતિના અબ્દુલ રાયમા, કાસમશા સૈયદ, ફકીરમામદ કુંભાર,ગનીભાઈ કુંભાર, અહેમદશા સૈયદ, સખ્તરભાઈ લાખા, મજીદભાઈ, ઈરફાનભાઈ, મહિફલે બાગે રસૂલ કમિટી, હિતરક્ષક સમિતિ, વકફ બોર્ડના હોદ્દેદારો, કાર્યકરો અને મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાને શાંતિ, અમન અને ભાઈચારાનો સંદેશ આપનાર હજરત મહમ્મદ પયગંબરના જન્મદિવસની  કોમી સદ્દભાવ સાથે કચ્છભરમાં ઉજવણી કરવામાં આવે છે. ભુજ શહેરમાં જુલુસ ઉપરાંત તકરીર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી.