તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમાં રાત્રીના ભાગે ધમધમતી બેફામ ખનિજચોરી
રામ કી ચીડીયા... રામ કા ખેત... ખા લો ચીડીયા ભર ભર પેટ...
લોકસભા ચૂંટણીને પગલે અધિકારી - કર્મચારીઓ કામગીરીમાં જોતરાયેલા હોઈ ખનિજચોરોને મળ્યું મોકળું મેદાન : અબડાસા - લખપત, માંડવી ઉપરાંત નખત્રાણાના કેટલાક ગામોમાં રાત પડતા જ રાષ્ટ્રીય સંપતિ ચોરનારાઓ માટે જાણે ઉગે છે દિવસ : પોલીસ વિભાગના કેટલાક પલળેલા અધિકારી અને કર્મીઓની રહેમનજર તળે ચાલતી પ્રવૃતિક : તાજેતરમાં ગાંધીનગર ખાણ ખનીજ ટીમ અને કચ્છ ખાણ ખનીજ ફલાઈગ સ્કોર્ડ અબડાસામાં કામગીરી કરવા જતા ખનીજ ચોરો સામે થયા હતા....
લાગુની અથવા આસપાસની સરકારી જમીનમાંથી ખનિજ ઉસેળી લીઝ વિસ્તારમાં કરાતો ઢગલો : રાત્રીના સમયે કોઈ ચેકીંગ ટીમ કે અજાણી વ્યક્તિની નજરથી બચવા ખુદના જાસુસ ગોઠવી દેવાયા
ભુજ : કચ્છ જિલ્લામાં કુદરતી અખૂટ ભંડારનો ખનીજ તત્વો આવેલા છે તેવા સંજોગોમાં કચ્છ જિલ્લાના ૫ેટાળમાંથી ખાસ કરી કોલસો, રેતી, બોકસાઈડ, ચાઈનાકલે, બેન્ટોનાઈટ, જેવી અનેક કુદરતી ખનીજતત્વો મળી આવે છે. જિલ્લાની ખનિજ સંપદાઓ પર ખનિજ માફિયાઓએ મલીન ડોળો નાખ્યો હોઈ બેફામ ખનિજ ચોરી થઈ રહી છે. જુદા જુદા વિસ્તારોમાંથી દૈનિક સેંકડો ગાડીઓ દ્વારા ગેરકાયદે ખનિજોનું વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે પરિવહન કરવામાં આવે છે. રામ કી ચીડીયા રામ કા ખેત... ખા લો ચીડીયા ભર ભર પેટ..ની ઉક્તિ ખનિજ માફિયાઓ માટેે અક્ષરસઃ સાચી ઠરી રહી હોય તેમ આવા ખનિજ માફિયાઓ હાલે લાંબા સમયથી ચૂંટણી આચારસંહિતાનો પુરેપુરો ગેરલાભ ઉઠાવવા બેફામ બન્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સરકારી અધિકારી - કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે કેટલાક પલળેલા તત્વો સાથે હાથ મીલાવી ખનિજ ચોરો રાત્રીના અંધકારમાં તો કયાં - કયાં દિવસ દરમ્યાન પણ ખનિજ ચોરી કરી સરકારી તિજોરીને મસમોટું ધુંબો મારી રહ્યા છે, તેનો દાખલા રૂપે તાજેતરમાં ખાણ ખનીજનો જિલ્લાનો ફલાઈગ સ્કોર્ડ અને ગાંધીનગરની ટીમે અબડાસાના નુંધાતડમાં ધામા નાખ્યા હતા, આ કામગીરી કરવા આવેલી ટીમને અમુક ખનીજ ચોરો સામે થયા હોવાની ઘટનાએ ભારે ગરમી પકડી હતી. આ અંગેની વિગતો મુજબ ભૌગોલિક રીતે આગવી વિશેષતા ધરાવતા કચ્છ જિલ્લા પર કુદરતે અપાર સ્નેહ વરસાવ્યું છે. જિલ્લાના પેટાળમાં ખનિજોનો અંબાર ધરબાયેલો હોઈ ખાણ ખનિજ ઉદ્યોગ વર્ષોથી ફુલ્યો ફાલ્યો છે. જિલ્લાના ખનિજોની અન્ય જિલ્લા તેમજ રાજ્યોની સાથોસાથ વિદેશમાં પણ નિકાસ કરવામાં આવી રહી છે. ખનિજ ચોરો પર લગામ કસવા માટે ઉપલી કક્ષાએથી વછુટેલા આદેશો બાદ ખાણ ખનિજ તંત્ર સખ્ત બનતા જિલ્લામાં એક સમયે ખનિજ ચોરીની પ્રવૃતિ પણ સારા એવા પ્રમાણમાં લગામ કસાઈ હતી. જો કે, લોકભા ચૂંટણીને પગલે વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરી દેવાયા હોઈ આ તકનો પુરેપુરો ગેરલાભ વર્તમાને ખનિજ ચોરો ઉઠાવી રહ્યા છે. ખનિજ સંપદાથી સમૃૃદ્ધ એવા અબડાસા, લખપત, માંડવી તાલુકા ઉપરાંત નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં રાત્રી થતાની સાથે જ ખનિજ ચોરો પોતાના લોડર, જેસીબી, હીટાચી સહિતના સાધનોની મદદથી રાષ્ટ્રીય સંપદાની ચોરી કરી રહ્યા છે. લીઝ વિસ્તારની બાજુમાં આવેલી લાગુની તેમજ અન્ય જમીનમાંથી ખનિજ ચોરી તેને લીઝ વિસ્તારની અંદર સંગ્રહી દેવામાં આવે છે. રાત્રીના સમયે સામાન્ય રીતે પોલીસ વિભાગના કર્મચારીઓ જ સક્રિય રહેતા હોઈ ખનિજ ચોરોએ જે તે વિસ્તારમાં પક્કડ ધરાવતા પોલીસ અધિકારી અને કર્મીઓને સાચવી લઈ ખનિજ ચોરીની ધીકતી પ્રવૃતિ કરી રહ્યા છે. તાજેતરમાં ખનિજ વિભાગની સ્કવોડ પર પણ વાહન ચડાવાયું હતું. જો કે તે પ્રકરણને પણ દબાવી દેવાના મોટા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેની ઉપલી કક્ષા સુધી પડઘા હતા. રાત્રીના સમયે સીમાડાઓ વાહનોના ઘોંઘાટથી ધમધમી ઉઠતા હોવા છતાં ખનિજ ચોરો પર કોઈ જ પ્રકારની કાર્યવાહી થઈ રહી નથી. ખાણ ખનિજ વિભાગ ખનિજ ચોરો સામે કડક હાથે કામ લઈ રહ્યું છે ત્યારે કોની મીઠી નજર તળે ખનિજ ચોરીની પ્રવૃતિ ધમધમી રહી છે તે પણ યક્ષસવાલ બની રહ્યો છે. તો બીજીતરફ રાત્રીના અંધારામાં ગેરકાયદે કારસ્તાનને અંજામ આપતા ખનિજ માફિયાઓ પોતાની સેફટીનું પણ પુરેપુરું ધ્યાન રાખી રહ્યા છે. રાત્રીના સમયે કોઈ ચેકીંગ ટીમ કે અજાણી વ્યક્તિની નજરથી બચવા ખુદના જાસુસ ગોઠવી દેવાયા હોઈ જો કોઈ સરકારી ગાડી અથવા અજાણી વ્યક્તિની શંકાસ્પદ હલચલ દેખાય તો આવા જાસુસો પોતાના આકાઓને જાણ કરી દેતા હોઈ વાહનો તેમજ માણસો ખનિજ ચોરીના સ્થળેથી ચોર રસ્તા મારફતે નવ દો ગ્યારાહ થઈ જાય છે.
Comments