K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

સરહદી ખાવડામાં પાણીની તંગીની ઉઠી ફરિયાદ

30 March

ઉનાળાની સિઝન શરૂ થતાં




૧૭ હજારથી વધુ માનવ વસ્તી અને ૪૦ હજાર પશુધન માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા છ - સાત દિવસે માંડ એકવખત અપાય છે પાણી : વર્ષ ર૦૧૧ ની ચાર હજારની વસ્તી ગણતરીના આધારે તંત્ર આપે છે પાણી : પાણીનો જથ્થો વધારવા ગ્રામ પંચાયત દ્વારા રાજય સરકાર સુધી કરાઈ રજુઆત : પાણીના અભાવે લોકોને હિજરત કરવાની પડશે ફરજ : ઉપસરપંચ ખાવડા ગ્રામ પંચાયત



ભુજ : ઉનાળાની સિઝનનો પ્રારંભ થતા જ કચ્છના અંતરિયાળ વિસ્તારોમાંથી પાણીની તંગીની ફરિયાદો ઉઠતી થઈ છે. અપુરતા પરંપરાગત જળસ્ત્રોત ધરાવતા કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં હાલે નર્મદાનું પાણી પહોંચતું થયું છે. કચ્છની ધરા પર નર્મદા મૈયાના અવતરણ બાદ જિલ્લાની પીવાના પાણીની સમસ્યા મહંદશે હલ થઈ જરૂર છે તેમ છતાં છેવાડાના વિસ્તારોમાં હજુ પણ ઉનાળાના સમયગાળામાં પાણીના પોકાર ઉઠતા રહે છે.
ભુજ તાલુકાના સરહદને અડીને આવેલા ખાવડા ગામમાં છેલ્લા ત્રણેક વર્ષથી અપુરતા પાણીની સમસ્યા સર્જાઈ છે. ગામના ઉપસરપંચ સુરેશભાઈ મારવાડાના જણાવ્યા અનુસાર પાણી પુરવઠા વિભાગ તરફથી છ કે સાત દિવસે ગામને પાણી મળે છે. ઉનાળાના પ્રારંભે જ આ સ્થિતિ છે. તો કેમ પસાર થશે તે ચિંતાનો વિષય છે. છેલ્લા થોડા વર્ષોમાં ખાવડા ગામની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. રણમાં સાકાર થઈ રહેલા આરઈ  પાર્કની કામગીરીના કારણે અનેક લોકો ખાવડામાં
વસવાટ કરી રહ્યા છે. હાલે ગામની વસ્તી ૧૭ હજારથી વધુ થઈ છે. પરંતુ પાણી પુરવઠા વિભાગ વર્ષ ર૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ગામની વસ્તી ૪ હજાર અનુસાર પાણી પહોંચાડે છે. અપૂરતા પાણીના કારણે ગ્રામ પંચાયત દ્વારા લોકોને પુરતું પાણી આપી શકાતુું નથી. આ સમસ્યા અંગે પાણી પુરવઠા વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, ધારાસભ્યશ્રી અને ઠેઠ રાજય સરકાર સુધી શ્રેણીબધ્ધ રજુઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ખાવડાને વિતરણ કરતા પાણીના જથ્થામાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અન્યથા પાણીની તંગીના કારણે લોકોને નાછુટકે હિજરત કરવાની ફરજ પડશે તેવું શ્રી મારવાડાએ રાજયના મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું.

.........


તળાવનું પાણી બચાવવું અનિવાર્ય

ખાવડા અને આસપાસના વિસ્તારોમાં આવેલા નાના- મોટા જળસંગ્રહ સ્થાનોમાં ગત વર્ષે થયેલા સારા વરસાદના કારણે પાણી ભરાયેલું છે. પરંતુ તળાવમાં માલધારીઓ પોતાની ભેંસોને મુકી દેતા હોવાથી તળાવનું પાણી પીવાલાયક રહેતું નથી. કુદરતી જળસંગ્રહ સ્થાનોનું પાણી  ગંદુ થતું અટકાવવામાં આવેતે ઈચ્છનીય છે. ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર તળાવમાં પશુઓને છોડી દેવાના બદલે તળાવનું પાણી સુરક્ષિત કરવામાં આવે તો તળાવનું પાણી લોકો માટે ઉપયોગી બની શકે. 

........


૪૦ હજારથી વધુ પશુઓને પાણી માટે વલખા

સરહદને અડીને આવેલા ખાવડા ગામમાં ૧૭ હજાર જેટલી માનવ વસ્તી છે. ઉપરાંત ગામમાં ૪૦ હજારથી વધુનું પશુધન છે. ગામને અપુરતું પાણી મળતું હોવાથી લોકોને પુરતું પાણી આપી શકાતું નથી ત્યારે ૪૦ હજાર જેટલા પશુઓ માટે પાણીની વ્યવસ્થા કેમ થઈ શકે તેવો સવાલ ગ્રામ પંચાયતના હોદેદારો ઉઠાવી રહ્યા છે. પરંપરાગત જળસ્ત્રોતના અભાવે મુંગા પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા પશુપાલકો અને માલધારીઓને વલખા મારવા પડી રહ્યા છે.
.......


ખાનગી ટેન્કરોના વધ્યા ફેરા

ખાવડા ગામના ખત્રીવાસ, જુનાવાસ, કોલીવાસ, ડેમવારી ક્કર, મેઘપર, સુમરાવારી કકર જેવા વિસ્તારોમાં પાણીની તંગી સવિશેષ જોવા મળે છે. આ વિસ્તારમાં અઠવાડીયે માંડ એક વખત જ પાણીનું વિતરણ કરવામાં આવે  છે. જે આ વિસ્તારમાં રહેતા લોકો અને પશુઓ માટે પૂરતા પ્રમાણમાં હોતું નથી. જેથી લોકોને નાછુટકે નાણાં ખર્ચી પ્રાઈવેટ ટેન્કર મંગાવવાની ફરજ પડે છે. ખાનગીમાં પાણી મંગાવવાની ફરજ પડતી હોવાથી ગરીબ- મધ્યમવર્ગના લોકો પર આર્થિક ભારણ વધ્યું છે. ઉનાળામાં પાણીની ખપત વધતાં આ વિસ્તારમાં ખાનગી ટેન્કરોના ફેરા વધ્યા છે.
..........


જળસંકટ દૂર કરવા ભગીરથ પ્રયાસ : ધારાસભ્ય

ખાવડા વિસ્તારમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ થાય તે માટે પોતે ધારાસભ્ય બન્યા ત્યારથી સક્રિય પ્રયાસો કર્યા હોવાનું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું. ખાવડા સુધી પાણી પહોંચતું કરવા રૂા. ૧૩પ કરોડના માતબર ખર્ચે નવીલાઈન નાખવામાં આવી છે. ખાવડા સુધી ખૂબ દુરથી પાણી પહોંચતું કરવામાં આવે છે. કયારેક પાણીની મોટરમાં ખામી સર્જાય, લાઈનમાં ભગાણ થાય કે વીજ પુરવઠામાં વિક્ષેપ થયો હોય તેવા કારણોસર વિતરણમાં બાંધા અવશ્ય થતી હોય છે. પરંતુ હાલે ર૦ એમએલડી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ખાવડા વિસ્તારમાં પાણીનો જથ્થો વધારવા ગાંધીનગર કક્ષાએ પણ તેમણે રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું. 

..........


 

Comments

COMMENT / REPLY FROM