K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

દરેક મનુષ્ય સમયનું મૂલ્યાંકન કરે : આચાર્ય મહાશ્રમણજી

29 March




સેલારીના સાંદીપની વિદ્યામંદિરમાં તેરાપંથ સરતાજનો એકદિવસીય પ્રભાવ


ભુજ : વાગડના મુખ્ય મથક એવા રાપરમાં બે દિવસ સુધી આધ્યાત્મિક ગંગા વહાવી, શનિવારે શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના એકાદશમ અધિશાસ્તા, અહિંસા યાત્રાના પ્રણેતા, અખંડ પરિપ્રાજક આચાર્ય મહાશ્રમણજી પોતાના મંગલ પગલાં પ્રવૃત્ત કર્યા ત્યારે રાપરવાસીઓએ પોતાના આરાધ્યના ચરણોમાં કૃતજ્ઞતા અર્પણ કરી હતી. ભારતના પશ્ચિમી ભાગમાં આવેલા કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આચાર્યની મંગલ યાત્રા હાલ ગતિમાન છે. દિવસે દિવસે તાપમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અને સુર્યની કિરણો ભૂમિ અને પ્રજાને ગરમાવી રહી છે. આ કારણે લોકો ગરમીમાં બહાર નીકળવાનું ટાળતા હોય છે, પરંતુ સમતાના સાધક આચાર્ય મહાશ્રમણજી અસીમ શાંતિ સાથે તેમના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યા છે.
માર્ગમાં અનેક લોકો તેમના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા અને આચાર્ય તેમના ઉપર આશિર્વાદની વર્ષા કરી રહ્યા હતા. પ્રખર તાપમાં આચાર્ય મહાશ્રમણજી લગભગ ૧૩ કિમીનો વિહાર કરીને સેલારી ખાતે આવેલા સાંદીપની વિદ્યામંદિર પરિસરમાં પધાર્યા હતા, જ્યાં સંસ્થા સાથે સંકળાયેલા તમામ લોકોએ ભાવભીનું સ્વાગત અને અવિનંદન કર્યું હતુ. વિદ્યામંદિર પરિસરમાં આયોજિત મંગલ પ્રવચન કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને આચાર્ય  મહાશ્રમણજીએ મંગલ પાથેય પ્રદાન કરતા જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે માનવે સમયનું મૂલ્યાંકન કરવું જોઈએ. સમય કેટલો કિંમતી છે. જે વ્યક્તિ સમયનો વ્યર્થ બગાડ  કરે છે, તે પોતે પણ વ્યર્થ બની જાય છે. અને જે સમયનો સદુપયોગ કરે છે, તે તેનાં જીવનને સફળ અને મહાન બનાવી શકે છે.
માનવએ સમયનો સદુપયોગ કરવાની કોશિશ કરવી જોઈએ. કેટલાક લોકો સમયનો દુરૂપયોગ કરે છે, તો કેટલાક તેને નાહક જ વ્યતીત કરે છે.જે સમય આપણને મળ્યો છે, તો તેમાં સારું કાર્ય કરવાની કોશિશ થવી જોઈએ. વ્યક્તિએ જાગૃત રહીને પોતાના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. લેખન, વાંચન, પ્રવચન શ્રવણ, સેવા વગેરેમાં સમય આપવાનો પ્રયાસ કરવો જોઈએ.સમયનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે બુદ્ધિશાળી લોકો હોય છે, તેઓનો સમય ધર્મ, શાસ્ત્ર, અને સારા કાર્યોમાં પસાર થાય છે. જ્યારે અજ્ઞાની લોકો પોતાનો સમય લડાઈ - ઝગડા, અનૈતિક કાર્યોમાં ગુમાવી દે છે. દરેક વ્યક્તિને એક દિવસમાં ૨૪ કલાક મળેલા હોય છે. જો દરરોજ ફક્ત બે મિનિટ કાઢી શકાય, તો ૪૮ મિનિટ એક સામાયિક માટે ફાળવી શકાય.
આચાર્યએ વધુમાં જણાવ્યું કે જીવનમાં સમયની કદર કરવી જોઈએ. આગામી દિવસથી વિક્રમ સંવત ૨૦૮૨ શરૂ થવા જઈ રહ્યો છે. દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે આ નવા વર્ષમાં સમયનો કેવી રીતે શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય. સમયને યોગ્ય રીતે ઉપયોગમાં લઇએ, તો જીવનમાં ઉત્તમ પરિણામો મેળવી શકાય. આચાર્યના આગમન અને શુભાશિષથી સમૂહ જનમેદની ધન્ય બની ગઈ હતી. 
આ પ્રસંગે હંસાબેન ખંડોર, બાલિકા વૃત્તિ અને જિન્સી દોશીએ ભક્તિગીત ગાયા હતા.  અનૂપચંદ મોરબિયા, સ્થાનિક સરપંચ મહેશ ચૌધરી, વિદ્યામંદિરના શિક્ષિકા નમિતા સોની અને સમગ્ર જૈન સમાજ-સેલારી તરફથી ધર્મેશ દોશીએ ભાવભીની અભિવ્યક્તિ આપી હતી. આચાર્યએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્ય સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. આચાર્ય મહાશ્રમણજીનો આજે અને આવતીકાલનો પ્રવાસ ફતેહગઢ મધ્યે રહેશે. ૩૧ના તેમની કરછ યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે આચાર્ય મહાશ્રમણજી ચાતુર્માસ પ્રવાસ વ્યવસ્થા સમિતિ અમદાવાદ આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ પાસેથી ધ્વજ હસ્તાંતરણ સ્વીકારશે અને આગળની જવાબદારી સંભાળશે. તેવું એક યાદીમાં આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજના પ્રીન્ટ મિડિયા પ્રભારીશ્રી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
----

Comments

COMMENT / REPLY FROM